ચાંદો
આકાશમાં ચાંદો
ક્યારેક દડો બનીને રમાડે
ક્યારેક બની કટારી વીંધે
ક્યારેક અડધો રોટલો જમાડે
અને બીજા અડધાની ભૂખ જગાડે
ક્યારેક એને જોવાનું સંકટ
ને ક્યારેક વૃક્ષ પાછળ સંતાઇને એ આપણને જુએ !
સદીઓથી એને ટેવ પડી છે વધ-ઘટ થવાની,
દરિયાના પાણીને પણ તાણી જવાની…
એને ક્યારેય કોઈએ સજા કરી નથી-
લોકોના મગજ ભમાવવા માટે.
એને મળી છે બધ્ધી છૂટ….
વાદળ પાછળ સંતાઇ જાય
કે કોઈની બારીએ આવીને ગોઠવાઈ જાય.
ક્યારેક આપણી સાથે પ્રવાસ કરે
ને ક્યારેક આખો ઊતરી જાય આપણી અંદર…
ધારે ત્યારે બની જાય પ્રેમનો સાક્ષી,
ને ક્યારેક બસ જોયા કરે કોઈના ગરમ આંસુને-
ઠંડો થઈને.
સૌ કહે છે ચંદ્ર પર ડાઘ છે.
ના , ના ,ચંદ્રમાં ભરી સૂરજની આગ છે –
જેને ઠાલવવા એ સદીઓથી પોતાના ટુકડા કરે છે ને સંધાય છે…
ચાંદો ક્યાં કોઇનેય પૂરેપૂરો સમજાય છે ??
-સંધ્યા ભટ્ટ
બારડોલીનાં કવયિત્રી સંધ્યાબહેનનું કાવ્યપત્રીના આઠમા હપ્તામાં સ્વાગત કરીએ. એ કહે છે કે એક વાર આઠમની રાતે એમની નજર ચાંદા પર પડી અને એ ચાંદો એમને કટાર જેવો દેખાયો. કવયિત્રીની આંખ સામે ચાંદો હતો અને નવો સંદર્ભ ખૂલી રહ્યો હતો.
જીવનની અનેક ઘટનાઓ માટે પ્રતિક સંયોજવું હોય ત્યારે ચાંદો બધાને હાથવગો ! પ્રિયતમાને મનાવવા માટે ચાંદ લાવવાનું કહી શકાય.. અને દગો દેનાર માટે ‘હથેળીમાં ચાંદ બતાવી ગયો’ એમ પણ કહી શકાય ! જે ચાંદામાં એક પ્રેમિકાને પોતાના પ્રેમીનું મુખ દેખાય, એ જ ચાંદો સાસરવાણી દીકરી માટે પોતાનો વ્હેંત છેટે રહી ગયેલો ભાઈ થઈને પણ ઊગે !
આજે સંધ્યાબહેનનાં મનમાં આવા ઘણા સંદર્ભો એકસાથે ખૂલી રહ્યા હતા. દડો બનીને આપણને રમાડતો ચાંદો ક્યારેક કટાર બનીને વીંધી પણ નાખે ! અડધો રોટલો જમાડીને બીજા અડધા રોટલાની ભૂખ જગાડવાની વાત પણ કેવો ઘેરો સંદર્ભ લઈને આવી છે ! કૃષ્ણ પક્ષમાં એને જોવાનું સંકટ, પણ એ આપણને જોવા ઈચ્છતો હોય તો વૃક્ષની પાછળ સંતાઈને ય જોઈ જ લે ! સદીઓથી વધઘટ થાય, સાથે દરિયાના પાણીને તાણી જવાની એને ટેવ પડી છે એમ કહીને કવયિત્રી ચાંદાને અલગ રીતે મલાવી લે છે. કહેવાય છે કે મન અને ચંદ્ર સાથે સીધો સંબંધ છે. પૂનમના દિવસે જેમ દરિયામાં મોટી ભરતી આવે એમ જ લાગણીમાં પણ ઉછાળ આવે છે. લોકો વધુ ભાવુક બને છે. આ વાત કવયિત્રી હળવા આક્રોશનાં સૂરમાં વ્યક્ત કરતાં કહે છે કે આટલી બધી મનમાની કરતો હોવા છતાં આજ સુધી એને કોઈએ સજા નથી કરી !
વાદળ પાછળ સંતાઇ જવું કે કોઇની બારીએ ગોઠવાઈ જવું એને માટે સહજ છે… પ્રવાસ કરતી વખતે દરેક વ્યક્તિએ ચાંદાને પોતાની સાથે પોતાની ઝડપે દોડતો જોવાની બાળ સહજ મજા લીધી જ હોય. પછીનું વાક્ય મને ખૂબ જ ગમ્યું. સંધ્યાબહેન કહે છે કે ‘ક્યારેક આખો ઊતરી જાય આપણી અંદર!’ ક્યા બાત ! અસંખ્ય અવકાશી પિંડો પૈકી ચાંદા સાથે આપણે જે આપણાપણું અનુભવીએ છીએ એ અનન્ય છે. ચાંદાની સાક્ષીએ પ્રેમીજનોએ આપેલાં વચનોની જો યાદી બનાવવા બેસીએ તો આકાશનાં તારા પણ ઓછા પડે ! અને વિરહની વેળાએ પણ સાચો સાથી એ જ બની જાય છે. એ કશું બોલ્યા વગર, ચુપચાપ આપણા વહી રહેલા ગરમ આંસુઓને ખુદ ઠંડો રહીને જોયા કરે છે, અને આ રીતે આપણી પીડાને વહી જવામાં મુક સહાયક બની રહે છે.
ચાંદ પર દેખાતા કાળા ડાઘ નાનપણમાં બકરી અને ડોશીમા થઈ જતા.. એ આગળ જતા માત્ર ડાઘ થઈને રહી જાય છે. ઉંમર વધતાં આપણી કલ્પનાની સરહદ કદાચ વિસ્તરતી હશે, પણ બાળ સહજ કુતૂહલ ગુમાવતા રહીએ છીએ. કવયિત્રીનાં મતાનુસાર સુદ અને વદમાં વધઘટ થતો ચાંદો પોતાનામાં ભરેલી સૂરજની આગ ઠાલવવા માટેનાં પ્રયત્નો છે.
આટઆટલું નિરીક્ષણ કર્યાં પછી ય પોતાની મર્યાદાનો સ્વીકાર કરીને કવયિત્રી લખે છે કે,
ચાંદો ક્યાં કોઇનેય પૂરેપૂરો સમજાય છે ??
ચાંદાનું રુપક લઈને સમાજને મદદરૂપ થતાં છતાં ઉપેક્ષિત રહેતા પાત્રો વિશે જાણેઅજાણે આ કવિતામાં અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે, એ વાત ઊડીને આંખે વળગે છે. આ અનુભૂતિ ક્યારેક જાત માટે પણ સહજ અનુભવાતી હોય છે.
સરસ મજાની કવિતા આપવા માટે ધન્યવાદ સંધ્યાબહેન !
-નેહા પુરોહિત
ખબરપત્રી ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે અને આગળ પણ આ રીતે કાર્યરત રહેશે. આ પહેલ સંદર્ભમાં નેહા પુરોહિતની કલમે કાવ્યપત્રી કોલમ શરૂ કરવામાં આવી છે, જેને કાવ્ય રસિકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપના આ સહકાર બદલ ટીમ ખબરપત્રી તમામ વાંચકોનો આભાર વ્યક્ત કરે છે. આ કોલમ વિશે આપના પ્રતિભાવ કોમેન્ટ કરી જણાવશો.
વંદન.
– ટીમ ખબરપત્રી
નેહા પુરોહિતની કલમે કાવ્યપત્રીના અન્ય લેખની મજા માણવા માટે અહિં ક્લિક કરવી.