* કાવ્યપત્રી *
કાવ્યપત્રીમાં આજે આપણી સાથે છે કવયિત્રી હર્ષિદા ત્રિવેદી.
નિરાશાઓથી ઘેરાયેલી નાયિકાની મનઃસ્થિતિ વિષયક ગીતરચના વિષે તેઓ આપણી સાથે વાત કરતા કહે છે કે બે સ્ત્રીઓની જિંદગી રસહિન થતા એમણે જોઇ છે. પડોશમાં રહેતી એક દીકરી કાચી ઉંમરે પરણી. શરુઆતનાં ત્રણચાર વર્ષોમાં બે બાળકોની મા બની.. સમયની થપાટે એનો સંસાર રોળાઈ ગયો, અને પતિવિયોગ સહેવા મજબૂર બની. બાળકો છે, અન્ય પરિવારજનોનો સારો સહયોગ છે, છતાં જીવનસાથીની હૂંફ અને સ્નેહની તોલે તો કોણ આવે! ક્ષણેક્ષણ પીડાતી અને મુરઝાતી એ દીકરી વિષે આ સંવેદનશીલ કવયિત્રી વાત કરે ત્યારે એમના સ્વરમાં ભીનાશ આવી જાય છે.
બીજી એક દીકરી અપરિણીત રહી છે. એની એકલતા પણ જોઇ જાતી નથી. સંવેદનાઓ ઘટ્ટ થતી જાય છે, પિંડ બંધાય છે, અને એક ગીત લખાય છે..
ગીત – ‘કલકલની ભીડમાં’
ન્હાતા નંદવાઈ ગઈ હેલ ….
કે હેલ… હવે ગોતું ક્યાં કલકલની ભીડમાં …
આંખ્યુંના પોપચામાં અજવાળા દાબીને રાખું હું અંધારી રાત
વ્હેલી પરોઢમાં પાંપણને ઊંચકુંને – ઝાંખું કાં દેખું પરભાત ..?
કાળમીંઢ અંધારું આવીને બેઠું જો કોયલના ખાલીખમ નીડમાં …
કે હેલ… હવે ગોતું ક્યાં…..
ચમકતા પથ્થરના અજવાળે દેખાતા દ્રશ્યોને કેમ કરી ઢાળીયે ?
ભીંતે ચિતરેલા આ દરિયાના મોજાને હેલ્લારે .. કેમ રે ઉછાળીયે ?
રવરવતી રેતીની ભીતર ભીનાશ તોયે ભીંજે ન તરણુંએ બીડમાં …
કે હેલ… હવે ગોતું ક્યાં…..
– હર્ષિદા દીપક
ન્હાતા નંદવાઈ ગઈ હેલ ….
કે હેલ… હવે ગોતું ક્યાં કલકલની ભીડમાં …
ગીતની શરુઆતમાં જ બે વિરુદ્ધ ભાવનું અર્થપૂર્ણ સંયોજન થયેલું જોવા મળે છે. નાયિકા સ્નાન કરી રહી છે, એમ શરૂઆત થાય ત્યારે શૃંગારરસ પ્રધાન હોય એવી રચના હોવાની શક્યતા દેખાય.. પણ બીજો જ શબ્દ નંદવાઈ મૂકીને કવયિત્રી કંઈક અજુગતું બન્યું હોવાની સંભાવના આપી દે છે. ચૂડી નંદવાય ત્યારે વૈધવ્યનો અણસાર આવે… અહિ નહાવાની ક્રિયા દરમિયાન હેલનું જ નંદવાઇ જવું ભાવકનાં મનમાં સન્નાટો સર્જી દે છે. હેલનો સાહિત્યિક સંદર્ભ પ્રણય સાથે આદિકાળથી લેવામાં આવે છે. મારી હેલ ઉતારો.. કે તારી હેલ ઉતારું શબ્દસમૂહ પ્રેમનો એકરાર છે. અહીં હેલનું નંદવાવું એ પ્રસન્ન જિંદગીનો અણગમતો વળાંક પણ સૂચવી જાય છે.
હેલ નંદવાય છે ત્યારે એનો રણકો બોદો બની જાય છે. જિંદગીની ઉત્તમ સાથે જ નઠારી બાબત એ છે કે એક દુઃખદ ઘટના બને ત્યારે આસપાસની અન્ય પરિસ્થિતિઓ એમ ને એમ રહે છે. સૂરજ ઊગવાનું ભૂલતો નથી કે પંખી ચહેકવાનું છોડતાં નથી. મનગમતું પાત્ર જ્યારે સમીપ હોય ત્યારે આ બધા કુદરતી તત્વોની સાક્ષીએ કેટલીય મીઠી યાદોએ આકાર લીધો હોય છે! હવે આ બધાં તત્વોની હાજરીમાં મનગમતી વ્યક્તિ ગેરહાજર છે એ સ્વીકારવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. મન એને શોધવા મથામણ કર્યાં કરે છે ને આ નંદવાયેલી બોદા રણકાર વાળી હેલ કલકલની ભીડમાં ખોવાઇને ક્યાં ઓગળી ગઇ એનો અંદાજ લેવા મિથ્યા પ્રયત્નો કર્યા કરે છે.
આંખ્યુંના પોપચામાં અજવાળા દાબીને રાખું હું અંધારી રાત
વ્હેલી પરોઢમાં પાંપણને ઊંચકુંને – ઝાંખું કાં દેખું પરભાત ..?
કાળમીંઢ અંધારું આવીને બેઠું જો કોયલના ખાલીખમ નીડમાં …
કે હેલ… હવે ગોતું ક્યાં…..
નાયિકાને જીવનને ઘેરી રહેલાં અંધારાનો પૂરેપૂરો અંદાજ છે. હવે મીઠાં સ્મરણોનાં અજવાળા આંખનાં પોપચામાં દાબીદાબીને રાખી દેવાનાં છે. આખી રાત આ સ્મરણોનાં સથવારે વીતાવ્યા પછી પરોઢિયું થાય, સૂર્યોદય માટે પ્રકૃતિ સજ્જ થવાની હોય ત્યારે નાયિકાની ઊજાગરો વેઠેલી ઊંઘરેટી આંખ જરાક અમથી ખૂલે છે. ખરે તો આ સમયે દિશાઓ સ્વચ્છ હોય … પંખીઓ કલરવતાં હોય એને બદલે પ્રભાત જ ઝાંખુ દેખાય છે. આ વ્યથા જેણે એકલતા અનુભવી હોય એ જ જાણી શકે. ક્યારેક એટલા બધા નાસીપાસ થયા હોઇએ કે પછી સારો સમય આવશે એવી કલ્પના કરવાથી પણ મન દૂર ભાગ્યાં કરે..
કવયિત્રીએ હવે પોતાની કલ્પનાનાં ઘોડાને સાવ છૂટો મૂકી દીધો છે. તથ્યની એરણે ચડાવીએ તો આ અંતરાની ક્રોસ લાઈન સત્યથી વેગળી છે. કોયલ પોતાનો માળો જ બનાવતી નથી, તો ખાલીખમ માળાનો સંદર્ભ શું અયોગ્ય નથી લાગતો? પણ આ તો કવિતા છે. જો કવિતામાં સૂરજ દરિયાની ચાદર ઓઢીને પોઢી જતો હોય, ઘણ બોલે ને એરણ સાંભળતી હોય, તો આપણી કોયલને માળો કેમ ન હોય ! હકીકત એ છે કે કોયલ સવારે સહુથી પહેલા ટહુકે છે. કૂકડો બોલે ને આપણે જાગીએ, પણ એ પહેલા મળસકું થાય એ વખતે જ કોયલનાં ટહુકા સંભળાતા હોય છે. પ્રભાતને સહુથી પહેલા વધાવનાર આ પંખી સાથે તૂલના કરીને કવયિત્રી નાયિકાની પ્રકૃતિ આશાવાદી છે એવું કહેવા માગતા હોય એ શક્યતા મને વધુ દેખાય છે. સાથે જ પથ્થર માટે વપરાતો કાળમીંઢ શબ્દ, અંધારા માટે પ્રયોજીને નાયિકાના ખાલીખમ, ખખડી ગયેલાં જીવનમાં નિરાશા કેટલી ભારેખમ છે એ દર્શાવવામાં કવયિત્રી સફળ રહ્યા છે.
ચમકતા પથ્થરના અજવાળે દેખાતા દ્રશ્યોને કેમ કરી ઢાળીયે ?
ભીંતે ચિતરેલા આ દરિયાના મોજાને હેલ્લારે .. કેમ રે ઉછાળીયે ?
રવરવતી રેતીની ભીતર ભીનાશ તોયે ભીંજે ન તરણુંએ બીડમાં …
બીજા અંતરામાં ફરીને કવયિત્રી નવું રુપક પ્રયોજે છે. સૂરજનાં અજવાળે તો ભવસાગર તરી જવાય, ને વિજળીનાં ચમકારે મોતીડાંય પરોવી લઈએ. કદાચ આગિયાનું અજવાળું હોય તો થોડો રસ્તો કપાઈ જાય, પણ અહીં પથ્થરો ચમકી રહ્યા છે. ઉછીના અજવાળે ચમકતા પથ્થરોનાં અજવાળે જે દ્રષ્ય ઉપસે છે એ કેટલું પ્રમાણિત હોઇ શકે ? આભાસી આશાને મનની ભીંતે ઢાળવી પણ કઇ રીતે?
આ જ વેદનાને વધુ ઘટ્ટ કરવા આગળ લખે છે કે ‘ભીંતે ચીતરેલા આ દરિયાના મોજાને હેલ્લારે… કેમ રે ઉછાળીયે ?’ રેતીરેતી થઇ ગયેલ મનની ભીતર ક્યાંક હજી ભીનાશ છે ખરી, પણ એ અંશતઃ ભેજ કોઈ તરણા પર ઝાકળ બનીને એને ભીંજવી દે એટલો સક્ષમ ક્યાં છે ?
જીવનમાં મળેલી નિરાશાઓથી વ્યથિત નાયિકાનું ભીતર ઉજાગર કરતું આ ગીત નવા જ પ્રતિકોથી સુંદર રીતે મઢાયેલું છે. પ્રકૃતિથી વિરુદ્ધ, જાતથી ઉપરવટ જઈને કોયલ માળો બનાવે, એ ખાલીખમ થઈ જાય, ને કાળમીંઢ અંધારુ એમાં બેસી જાય એ વાત ભાવકનાં હ્યદયને તારતાર કરી દે છે. કવયિત્રીની પોતાનાં ભાવજગતને શબ્દોમાં ઢાળી શકવાની ક્ષમતા અહીં દેખાઇ આવી છે.
આવી મજાની કૃતિ આપણી સાથે વહેંચવા બદલ હર્ષિદાબહેનનો આભાર માની વિરામ લઈએ..
આવતા બુધવારે ફરી મળીએ નવી કવિતા સાથે..
- નેહા પુરોહિત