* કાવ્યપત્રી *
કાવ્યપત્રીનાં આજનાં સાથી છે કવયિત્રી હર્ષાબહેન દવે. ગઝલ પર સારી હથરોટી ધરાવનાર આ કવયિત્રી ગીતમાં પણ સફળ ભાવનિરૂપણ કરી જાણે છે. આજે તેઓ પોતાનાં એક હરિગીત વિશે માંડીને વાત કરી રહ્યાં છે.
આમ તો આ ગીત આજથી લગભગ દોઢેક વર્ષ પહેલાં રચાયેલ પરંતુ આજે પણ જયારે આ ગીતને વાંચું છું ત્યારે એવું લાગે છે કે જાણે એ ઈચ્છા, એ માગણી એ તડપ હજુ આજે પણ યથાવત છે.
કેટલીક વાર એવું બનતું હોય છે કે આપણી જાતની આસપાસ વિસ્તરી રહેલાં અસ્થાયી કોલાહલમાંથી શાશ્વત એકાંત તરફ ગતી કરવાની અદમ્ય ઈચ્છા પુનરાવર્તિત થયાં કરતી હોય અને પરિણામ સ્વરૂપ માંહ્યલો આવું કંઈક ઈચ્છવા લાગે..!! જો કે આવાં કોલાહલથી લાંબા સમય સુધી અલિપ્ત રહી ન શકાય તેમ છતાં ક્યારેક એવું થાય કે હરિ જેવા હરિ પાસે હાથ લંબાવવો જ છે તો જેવું-તેવું શાને માગવું? માગવું તો કંઈક એવું માગી લેવું કે જેને પામ્યાં પછી આખાય જીવતરની ભાવઠ ભાંગી જાય..!!
બસ..!! જે ક્ષણે આ ભાવ હોવાપણાં ઉપર હાવી થયો એ ક્ષણે એ ભાવમાંથી જ આ ગીત નીપજ્યું.
“રંગ ને રંગારા વચ્ચે મેં પાડી દીધો ગાળો” એ આ ગીતની મને પ્રિય એવી પંક્તિ. રંગરેજ, રંગારો, પરમતત્વ.. સતત આપણી આસપાસ, આપણને વીંટળાઈ વળવા મથે અને આપણે સતત એની અવગણના કરતાં રહીએ.. અને એટલે જ એક ગાળો, એક અંતર રહી જવા પામતું હોય છે.એવું કેટલીક વખતે અનુભવાતૂં હોય છે.
સામાન્ય રીતે કેટલીક વખત કવિના મનોભાવ ભાવકો દ્વારા યથોચિત રૂપે જીલી લેવાતા હોય છે અને એને સર્જકની નીજી ઉપલબ્ધિ ગણી શકાય. આ ગીતમાં હું એ કરી શકી છું કે નહીં એ બાબત સંપુર્ણપણે ભાવકો ઉપર છોડી દઉં તો પણ મારા પક્ષે એક ખુલાસો કરવાનો રહે કે હું ગીતો બહુ ઓછા લખું છું. લગભગ નહિવત્! અને છતાંય આ ગીત રચના તરફ મને હંમેશા એક અદમ્ય ખેંચાણ રહ્યું છે… કદાચ પક્ષપાત પણ ખરો!!
બીજું, કશુંક માગ્યા પછી એ માગવા માટે આપવા પડતા કારણો સુધ્ધાં મારે આ ગીતમાં રજુ કરવા હતાં! હોવાપણું જ્યારે ધસમસ વહેવા લાગે ત્યારે ભીતર પાછા વળી જવાં સિવાય બીજો એકપણ ઉપાય કારગત નીવડે ખરો?
ગીતના અંતે “તળઘટ” શબ્દ પ્રયોજ્યો ત્યારે પણ કેવળ ગીતના ભાવને ધખવાનુ જ પ્રયોજન હતું. વધુ એક અંતરો લખવાની ખેવનાને કોરાણે મુકીને “ઝાઝી વાતના ગાડાં ભરાય” એમ વિચારીને સહેતુક આ ગીતના માત્ર બે જ અંતરા લખ્યા છે.
કવિ તરીકે સફળ કે નિષ્ફળ હોવું એ બાબતે તદ્દન દુર્લક્ષ સેવું તોય આવું કશુંક લખાય ત્યારે રાજીપો જરૂર અનુભવું છું અને આના જેવી તદ્દન નિર્ભેળ કેફિયત બીજી તો શું હોય?
વિરમું?
હર્ષા દવે..
હરિ, મને ભીતર પાછી વાળો..
ધસમસ વહેતાં હોવાપણાંની ફરતે બાંધો પાળો..
હરિ, મને ભીતર પાછી વાળો…
શ્વાસોના હણહણતા અશ્વો અંધારામાં દોડે..!
લખચોરાશી ભગવાં અંજળ એક ઝાટકે તોડે..!
રંગ ને રંગારા વચ્ચે મેં પાડી દીધો ગાળો..!
હરિ, મને ભીતર પાછી વાળો..
અઘરી સઘળી આંટીઘૂટીને તમે ઉકેલી આપો..!
નરી અધુરી ઈચ્છાઓને શમણાં ભેગી સ્થાપો..!
ઊંડા તળઘટ સમા જીવતરનો બ્હાર મળે ના તાળો..!
હરિ, મને ભીતર પાછી વાળો…
- હર્ષા દવે
હરિ, મને ભીતર પાછી વાળો..
ધસમસ વહેતાં હોવાપણાંની ફરતે બાંધો પાળો..
હરિ, મને ભીતર પાછી વાળો…
શ્વાસ લેવાય છે એ બીજી જ ક્ષણે છોડવા માટે! પળે પળે મળતું રહે એ છોડતા જઇને આગળ વધી જવું એનું જ નામ જિંદગી. એમ છતાં કેટલું આગળ વધવાનું છે, ને શું પામ્યાં પછી આ યાત્રા થંભવાની છે એ બાબત સાવ અજાણ રહે છે. એ કારણે જ આ યાત્રા જુદી દીશામાં ફંટાઇ જવાની શક્યતા પણ પૂરેપૂરી રહે છે.
એક સમય, એક ક્ષણ એવી આવે જ્યારે આ સફર અર્થહિન લાગે… અનુભવો અને એનું મતિ અનુસાર અર્થઘટન મનની ચોખ્ખી ચણાંક દિવાલો પર એવાં પડ ચડાવી દે કે આ યાત્રાનો મૂળ હેતુ જ ભૂલાઇ જાય, ત્યારે હ્યદય વિહ્વળ બની પોકારી ઊઠે કે હવે આગળ વધવાને બદલે પાછું ફરવું જ ઉત્તમ રહેશે.
આ ક્ષણને શબ્દોમાં ઢાળતા કવયિત્રી કહે છે કે,
હરિ, મને ભીતર પાછી વાળો!
જળનાં વહેણને અટકાવવા એક જ દિશામાં પાળ બાંધવી પડે, પણ અહીં તો મર્કટ મને દસેય દિશામાં હવાતિયાં માર્યાં છે. આથી એને પાછું વાળવા ચોતરફ પાળો બાંધવી પડે..
ધસમસ વહેતાં હોવાપણાંની ફરતે બાંધો પાળો..
જાત પ્રત્યેની સભાનતા જ્યારે હદ બહાર વધી જાય ત્યારે કામ, ક્રોધ, મદ, લોભ અને મોહ જેવાં મત્સર પેદા થાય છે. એને અટકાવવા માટેય સમજદારીના પાળા બાંદવા જરૂરી બની જાય છે.
શ્વાસોના હણહણતા અશ્વો અંધારામાં દોડે..!
લખચોરાશી ભગવાં અંજળ એક ઝાટકે તોડે..!
રંગ ને રંગારા વચ્ચે મેં પાડી દીધો ગાળો..!
હરિ, મને ભીતર પાછી વાળો..
જીવન જીવવા માટેની પ્રાથમિક જરૂરિયાત શ્વાસ છે. જીવન જીવવા માટેનો હેતુ પરમને પામવાનો છે. અહીં ‘હણહણતો’ શબ્દપ્રયોગ કરી કવયિત્રી ચિત્કાર કરતા, પૂરપાટ વેગે દોડી રહેલા અશ્વનું ચિત્ર બહુ સહજ રીતે દોરી આપે છે. આ અશ્વ શ્વાસનું પ્રતિક છે, જે અંધારામાં દોડી રહ્યા છે. અહીં અંધારું દિશાવિહિન અવસ્થાનું સૂચક છે. પરમને પામવાનો પ્રવાસ અંધારામાં થાય એ તો કેવી વિડંબના ! ચોરાશી લાખ ફેરાની આ પરમ સાથેની લેણાદેણી એક ઝાટકે તૂટી જાય છે. આ ભૂલ પાછળ પોતે જ જવાબદાર છે એવું સ્વીકારતાં કવયિત્રી કહે કે ખુદને મળેલો ભગવો રંગ અને એ રંગે રંગનાર ખુદ ઈશ્વર વચ્ચે મેં ખુદે જ અંતર પાડી દીધું. રંગ છે ત્યાં રંગનાર નથી.
આત્માની જાગૃતિનું આ જ પ્રથમ ચરણ! જેની પાસે જીવને જવું છે એને જ પોકાર કરીને કહે…
હરિ, મને ભીતર પાછી વાળો..
અઘરી સઘળી આંટીઘૂટીને તમે ઉકેલી આપો..!
નરી અધુરી ઈચ્છાઓને શમણાં ભેગી સ્થાપો..!
ઊંડા તળઘટ સમા જીવતરનો બ્હાર મળે ના તાળો..!
હવે સમર્પણનો ભાવ વધુ ઘેરો થાય છે. આજ સુધી કરેલા દીશાવિહિન પ્રવાસને કારણે ગંતવ્ય તો ભૂલાયું, ઉપરાંત જીવનમાં કેટલાય ગૂંચવાડા થયા છે. એ ઉકેલવાનું જીવનું શું ગજું? કેટલીય ઈચ્છાઓ સાવ અધૂરી જ રહી ગઈ છે. આ ઈચ્છાઓને હવે સ્વપ્નવત્ કરી દેવાનો ભાવ પણ હ્યદયની શુધ્ધતા વધી છે એનો અણસાર આપી જાય છે. આ તબક્કે જીવનની નિરર્થકતા સમજાય છે . જીવનનો તાગ મેળવવો ખૂબ મુશ્કેલ છે. જેટલા ઊંડે ઊતરીએ એટલી જ ગહનતા વધતી જાય. પણ આ જ જીવન જાણે પાવન સફર માટે તળઘટ (ઉંબરો) બની જાય છે.
ઉંબરો બહાર ભીતરને જોડેય છે, ભેદ પણ પાડી આપે છે. તમારી મર્યાદા ઓળંગી જવા આધાર પણ આપે, સાથે જ સીમા આવી ગઈ છે એની ચેતવણી પણ આ જ ઉંબરો આપે! જીવન પણ જીવથી શિવ સુધીની યાત્રા માટે આવો ઉંબરો છે. એનો આધાર લઈને શિવ સુધી પહોંચી પણ શકો, એમાં અટવાઇ જાવ તો જાત પરનો કાબૂ ગૂમાવી ગોથું પણ ખવાઈ જાય! આ ઉંબરાનો તાળો મેળવવા એમાં જ રહીને ભેદ ઊકેલવો પડે. એનાથી દૂર જઈને કશું વળતું નથી.
જીવન મળ્યું છે, તો એને સમજવા એકેએક જવાબદારીઓનું સજ્જ થઈ નિર્વહન કરવું રહ્યું. નરસિંહ મહેતાનું જીવન આ વાત સમજવા માટે ઉત્તમ સંદર્ભ બને છે. સાંસારિક જવાબદારીઓ અદા કરતાં કરતાં એ જીવનનો સાચો મર્મ પામી શક્યાં. અરે, શામળા સાથે એવો દોર બાંધ્યો કે મહેતાજીનાં સાંસારિક અવસરો ઉજવવા ખુદ પ્રભુએ વ્યવસ્થાઓ કરવી પડે !
કાવ્યપત્રીનાં વાંચકો સુધી આપનું ભાવવિશ્વ પહોંચાડવા બદલ અમારી સમગ્ર ટીમ વતી હું તમારો આભાર માનું છું.
મિત્રો, કાવ્યપત્રી બાબત આપના પ્રતિભાવની અમને રાહ રહેશે..
ફરી મળીશું…
– નેહા પુરોહિત