આજકાલ દરેક છાપાની પૂર્તિમાં કાવ્યવિષયક કૉલમ લખાય છે, વંચાય છે અને વખાણાય પણ છે. ચિરાગભાઈ સાથે મારે આવી જ એક કૉલમ લખવા વાત થઈ ત્યારે પહેલો વિચાર એ આવ્યો કે કાવ્યના આસ્વાદ પર ખુદ કવિ કંઇક કહે તો ઓર મજા આવે. એ વાત ધ્યાનમાં રાખી આજથી આ કૉલમ શરૂ કરી રહી છું.
ગુજરાતિ સાહિત્યને પોતાની ઉત્તમ રચનાઓથી પુષ્ટ કરનાર સાંપ્રત કવિઓની એમને ગમતી એક રચના અહીં લેવામાં આવશે.
આ ઉપક્રમના અમારા સહુથી પહેલા સાથી છે કવિ શ્રી ગૌરાંગ ઠાકર !
કવિ કહે છે કે સવારમાં રોજ શિવજીની પૂજા કર્યા પછી જ બહાર જવાનો નિયમ તેઓ વરસોથી પાળે છે. એક દિવસ દેવની આરતી કરીને વંદન કરતી વખતે અચાનક એક વિચાર ઝબુક્યો.. માની લો કે અત્યારે શિવજી અચાનક પ્રગટ થાય ને વરદાન માગવા કહે તો ? ખરે શું માગવું જોઇએ ? આ ભાવાવેશની ક્ષણે એક શેર મળ્યો…
કૃપા તારી બધા પર એકધારી રાખજે ઇશ્વર,
હરણ જીતે સતત એવો શિકારી રાખજે ઇશ્વર !
કેવી સુંદર વાત ! જે કંઇ મળશે એ બધું ઇશ્વરકૃપાથી જ મળશે એનો સાદર સ્વીકાર, છતાં સમય શિકારીની જેમ જ હંફાવશે એ હકિકત સાથે જ દરેક હરણ જીતતું રહે એ યાચના.. શિકારી માટે શિકાર કરવો એ શોખની વસ્તુ છે. પેટની આગ ઠારવા માટે પણ પ્રકૃતિએ ઘણા વિકલ્પો આપ્યા જ છે. પણ હરણને જીવન માટે બીજો કોઇ પર્યાય નથી.
સાથે જ આ શિકારીને સતત મહાત કરતા રહીને વિજયી જીવન જીવવામાં જ સાચો આનંદ છે, એ વાત શિકારીને સાથે રાખવાનો નિર્દેશ કરીને કવિ આડકતરી રીતે સૂચવી જાય છે.
આખી ગઝલ આ પ્રમાણે છે.
કૃપા તારી બધા પર એકધારી રાખજે, ઇશ્વર.
હરણ જીતે સતત એવો શિકારી રાખજે, ઇશ્વર.
ગજા ઉપરાંત માંગીશું નહીં પણ એટલું કરજે,
અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે, ઇશ્વર.
નવાં ફૂલો છે ભરબપ્પોરમાં ઝાકળને ઇચ્છે છે,
તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે, ઇશ્વર.
ભલે ને પાનખર ડાળી ઉપરથી પાંદડાં લઇ લે,
છતાં આ વૃક્ષમાં થોડી ખુમારી રાખજે, ઇશ્વર.
અમે થાકી ગયાં તારું અહીં સરનામું શોધીને,
હવે માનવમાં માનવનો પૂંજારી રાખજે, ઇશ્વર.
– ગૌરાંગ ઠાકર
ગજા ઉપરાંત માંગીશું નહીં પણ એટલું કરજે,
અમારા પગ પ્રમાણે તું પથારી રાખજે, ઇશ્વર.
સમગ્ર જીવસૃષ્ટિનાં પ્રતિનિધિ તરીકે વર્તીને કવિ બીજો શેર આપે છે.. જાણે ઇશ્વરને આશ્વસ્ત કરે છે કે અમે કોઇ ‘ગજા બહારનું’ માંગવાના નથી.. હવે અહીં કોનું ગજું એ વાત મોઘમ રાખીને કવિ શેરનું સૌંદર્ય અચાનક વધારી દે છે. ઇશ્વરનું ગજું પારખીને માંગણી કરતા કવિ ચેતનાની પરમ ઊંચાઈને ચૂમે છે. ખુદનું ગજું કેવડું છે એનો સ્વિકાર કરીને કવિ પોતાની સરળતા સહજ રીતે રજુ કરી જાય છે. શબ્દશ્લેષની આવી સુંદર ચમત્કૃતિ કર્યાં પછી તરત જ લોકબોલીમાં વપરાતી સામાન્ય કહેવત મિસરામાં મૂકીને સામાન્ય ભાવકને પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો સરળ શેર બનાવી દેવો એ સાચા કવિકર્મની ઓળખ છે.
નવાં ફૂલો છે ભરબપ્પોરમાં ઝાકળને ઇચ્છે છે,
તું તારી ગોઠવણ જૂની સુધારી રાખજે, ઇશ્વર.
સામાન્ય રીતે જીવનની ક્ષણભંગુરતા દર્શાવી દેવા સર્જકો માટે ‘ઝાકળ’ બહુ હાથવગું હથિયાર છે. પણ ઇશ્વરદત્ત આ ગઝલ ભરબપ્પોરે ટકી જાય એવી ઝાકળની કલ્પના લઈને આવી છે. ફૂલો નવાં છે કહીને આ મીસરો ફૂલોની જ કોઇ વિશેષતા સૂચવતો હશે એવું વાતાવરણ ઉભું કરી, તરત જ કવિની નવા પ્રકારની ઝાકળની માંગણી ભાવકને નવાં જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે યુગોયુગોથી બે જ પળનું આયુષ્ય મેળવતી ઝાકળને હવે દિર્ઘાયુષી બનાવવા ઇશ્વરને એની ગોઠવણ સુધારવા કહેવાની ખુમારી આ કવિ બતાવે છે.
ભલે ને પાનખર ડાળી ઉપરથી પાંદડાં લઇ લે,
છતાં આ વૃક્ષમાં થોડી ખુમારી રાખજે, ઇશ્વર !
ઝાકળનું આયુષ્ય વધારવાની વાત કરતાં કરતાં કવિ કુદરતનાં નિયમોને સહજ સ્વિકાર પણ કરે છે. પાનખરનો વિરોધ કોઇ વૃક્ષ માટે શક્ય જ નથી. પણ પાન ગુમાવેલું વૃક્ષ અસહાય બનીને એની ડાળો લંબાવીને કોઇ વૃદ્ધ યાચક જેવું થઈ જાય એનો સ્વિકાર કરવો કવિને અઘરો પડ્યો હોય એવું લાગે છે. એ કહે છે કે ભલે અપર્ણાવસ્થામાં હોય, છતાં થોડી ખુમારી તો રહેવી જ જોઇશે. જીવવાની ખુમારી જ નવી વસંત લાવશે..
અમે થાકી ગયાં તારું અહીં સરનામું શોધીને,
હવે માનવમાં માનવનો પૂંજારી રાખજે, ઇશ્વર.
સુજ્ઞ ભાવકોને ખ્યાલ જ હશે કે ગઝલ મુસલસલ પણ હોય, અને બિનમુસલસલ પણ હોય. આ ગઝલ મુસલસલ પ્રકારની છે. ‘ઇશ્વર’ જેવી રદિફ લઈને પણ પાંચેય શેર દ્વારા અલગઅલગ ભાવવિશ્વની સફરે લઈ જવામાં કવિ સફળ રહ્યાં છે. સામાન્ય રીતે ઇશ્વરને સંબોધીને અથવા આદ્યાત્મિક શેર લખીને ગઝલનું સમાપન થતું હોય છે. અહીં આ જ પરંપરાનું પાલન કરતા કવિ માનવતાનો સંદર્ભ લઈને ગઝલને અંતિમ શેર આપે છે. સામાજિક અનિષ્ટોનો આડકતરો ઉલ્લેખ કરવા સાથે જ કવિ એક પ્રકારે પોતાની મર્યાદાનો સહજ સ્વિકાર પણ કરી લે છે. માનવમાનવ વચ્ચે પડેલી ખાઈઓ પૂરવા હવે ઇશ્વરશરણ સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી એ વાત આપણા અંતરમનને ઝંઝોડી જાય છે.
મિત્રો, ફરી મળીશું એક નવું કાવ્ય લઈને.. કવિનાં અનુભવો સાથે…
Columnist
નેહા પુરોહિત