કાવ્યપત્રી ભાગ -૧૧ નેહા પુરોહિત

KhabarPatri News
By KhabarPatri News 7 Min Read

કાવ્યપત્રી 


આ ગઝલ લખાઈ ત્યારે જ નહિ પણ આવો ભાવ ઘણી વાર થાય છે.

પ્રેમની જેમ જ
નિસ્પૃહતા
આધ્યાત્મ
વૈરાગ્ય…

મારો મનગમતો ભાવ છે. પણ.. હિંમત નથી.

મારી જરૂરિયાતો ખૂબ જ ઓછી છે. હું પોતાની જાત પ્રત્યે વધુ પડતો ઉદાસિન છું.

કુદરત અને નિસર્ગ મને પરમ સંતોષ આપે છે. નિજાનંદમાં રહું છું.

મન તો સાવ અનાગાર છે, પણ છાતીએ બાંધેલો સંસાર છે.

રાત આખી ઘૂંટાતો આ શેર એકદમ સહજતાથી આવ્યો છે.

આ રચના લખી એ પછી અમારા પરિવારે અમારા ગામમાં મહાસતિજીનું ચાતુર્માસ લીધું હતું. સાધ્વિજીનાં મંગલ પ્રવેશ વખતે મારે બે શબ્દો બોલવાના હતા. ત્યારે વાતની શરૂઆત શરુઆતનાં ત્રણ શેરથી કરી. મહાસતિજીને ખૂબ ગમ્યું, લખ્યું સફળ થયું.

આ વાત કરી રહ્યાં છે કુમારજિનેશ શાહ!

આવો, તેમની રચના માણીએ.


મન થયું અણગાર ને હું થોભી જાઉં છું,
ચાલી ડગ બે-ચાર ને હું થોભી જાઉં છું.

મૂકી દઇ હથિયાર ને હું થોભી જાઉં છું..
આંસુ થ્યા તલવાર ને હું થોભી જાઉં છું.

રાત આખી ઘૂંટતો મહાભિનિષ્ક્રમણને,
પણ પડે સવાર.. ને, હું થોભી જાઉં છું !

શબ્દ ઊગે વેદનાનો કાળમીંઢ તોડી..
થાય ઝણઝણકાર ને હું થોભી જાઉં છું.

કામ કરતો માનવી દેખી કરીને ભઇ..
માની લૈ અવતાર ને હું થોભી જાઉં છું.

~ કુમાર જિનેશ શાહ


થોભી જાવાની વાત લઈને આવતી આ રચના  જીવનમાં ઉતારી શકાય તો ખૂબ જ આગળ લઈ જનારી છે. ‘અણગાર’ શબ્દ પહેલી જ નજરે ધ્યાન ખેંચે છે. અન + આગાર  અનાગારનું અપભ્રંશ સ્વરુપ એ અણગાર. ઘર વગરનું મન મોટો સંદર્ભ લઈને આવે છે. ઘર હોય ત્યાં સ્વતંત્રતા હોય, સલામતી ય હોય અને એની સમાંતરે અનુશાસન પણ ખરું! મન જ્યારે ઘર વગરનું થઈ જાય ત્યારે આ ત્રણેય તત્વો  જોખમાય છે. આ જ સમય થોભી જવાનો છે. કલ્પવૃક્ષ સમું મન લગામ વગરનું થઈ જાય ત્યારે જે ખરાબ પરિણામો આવે એની કલ્પના કરી શકાય?

અણગાર શબ્દ સાધુ સંતો માટે પણ  પ્રસ્તુત છે. ધાર્મિક ગ્રંથ ગીતામાં જણાવ્યા પ્રમાણે આઠ પ્રકૃતિ ૧. પૃથ્વી ૨. પાણી ૩. અગ્નિ ૪. વાયુ ૫. ઈથર ૬. મન ૭. દલીલ કરવાની શક્તિ અને ૮ અહંકારમાંની એક પ્રકૃતિ તે મન છે. માંડુક્ય ઉપનિષદ પ્રમાણે વૈશ્વાનર આત્માને ઓગણીસ મુખ છે. પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર! પૈકી માત્ર મન અણગાર થવાની કક્ષાએ પહોંચ્યું હોય, પણ બીજી બાબતોએ હજી પાકવાનું બાકી હોય, ત્યારેય થોભી જવું હિતાવહ છે. બે ચાર ડગલાં ચાલે ત્યાં જ સભાન શ્રાવક જાણી જાય કે પોતે આગળ વધવા સજ્જ છે કે કેમ. કવિ આ સભાનતા દર્શાવતા કહે છે કે ચાલી ડગ બે ચાર, ને હું થોભી જાઉં છું.

આધ્યાત્મિક ઉન્નતિ કરવી એ તો જાત સાથેની લડાઈ. મોહ અને માયાને નાથવા માટેના હથિયારો પણ જેણે હાથમાં ધાર્યા હોય એ જ જાણે અને સમજે. આ બે અંતિમો વચ્ચેની વાત છે. કાંતો સર્વસ્વ હારી જવું પડે, કાંતો જીતીને દુન્યવી વૃત્તિઓથી પર થઈ જવાય. જીત માટે સર્વાંગી વિકાસ જ જોઇએ. એ શક્ય ન હોય તો હથીયાર હેઠાં જ મૂકી દેવા પડે.

KP.com Tears

પરમપદને પામવાની ક્ષણે બધાંયથી પર થવું પડે છે. બીજા મીસરામાં  આંસુ વિસ્તૃત ફલક પર ફેલાય છે. આ આંસુ કોની આંખનાં અને કયા કારણે વહ્યાં એ પ્રશ્ન આખો શેર ખોલી આપે છે. જીવ સંસારમાં છે અને બંધનોથી મુક્ત થવા તલપાપડ થયો છે ત્યારે એની સાથે જોડાયેલા લોકો હજુ સુધી આ સ્થિતિએ ન પહોંચ્યા હોય ત્યારે અંગતનાં મનોમન અળગાં થવાની વાત પણ એમને અસહ્ય બને. આ સમયે વહેલાં આંસુ તલવાર માફક વિંઝાય અને આપણે અટકી જવું પડે. અથવા હથિયાર મૂકી દેવા પડ્યા એ વાત ખુદ જીવને જ એટલો વિચલિત કરી દેય કે પ્રશ્ચાતાપ આંસુ બનીને ટપકે. હજીય આ એક બંધન મોજુદ છે એનું ભાન થાય ત્યારેય યાત્રા દરમિયાન થોભી જવું પડે છે.

મૂકી દઇ હથિયાર ને હું થોભી જાઉં છું..
આંસુ થયા તલવાર ને હું થોભી જાઉં છું.

રાત આખી ઘૂંટતો મહાભિનિષ્ક્રમણને,
પણ પડે સવાર.. ને, હું થોભી જાઉં છું !

છંદની સફાઈમાં અહીં ગરબડ દેખાય છે, પણ આપણે વિવેચન કરતાં નથી, ફક્ત સ્વાદ જ લેવાનો ઉપક્રમ રાખ્યો હોવાથી એ વાત અવગણીએ એ જ યોગ્ય રહેશે.

ભાવની દ્રષ્ટિએ જોઈએ તો આ પંક્તિઓ આંખ ઉઘાડનાર છે. રાતનો સંદર્ભ અહીં અંધકાર સાથે નહીં પણ પરમ સત્ય સાથે આવે છે. અજવાસ  સૂર્યની હાજરીને કારણે છે. જ્યારે સમસ્ત બ્રહ્માંડની વાત કરીએ ત્યારે અંધારનાં પાલવમાં જ બધું ઢબુરાઈને પડ્યું છે. અજવાસમાં માયાનાં વિવિધ રુપો નજર સમક્ષ આવી જાય છે. જીવનનો આધાર જ તો માયા પર છે. એ વિના મળમૂત્રથી ભરેલું અને હાડચામથી બનેલું અનેક પ્રકારની વાસનાઓથી ખદબદતાં શરિર વડે જીવાતું જીવન શુદ્ધાત્માને ફાવી જતું હશે? પરમ સત્ય એવાં અંધારને પામ્યા પછી મહાભિનિષ્ક્રમણ માટે મનને ઘૂંટીઘૂંટીને તૈયાર કર્યું હોય, પણ દિવસ ઉગતા જ થોભી જવાય છે.

શબ્દ ઊગે વેદનાનો કાળમીંઢ તોડી..
થાય ઝણઝણકાર ને હું થોભી જાઉં છું.

આ બે પંક્તિ પણ ઘણી સૂચક છે. વેદનાને ઊંડે ક્યાંક દાટી દીધી હોય અને ઉપરથી કાળમીંઢ પથ્થરો દબાવી દીધાં હોય છતાં શબ્દ ક્યારેક કૂંપળની જેમ ઊગી જાય છે. મન તો થાય, કે ફરી પેલાં પથ્થરો વડે આ શબ્દકૂંપળને પણ ભંડારી દઈએ. પણ આ શબ્દ તો ઝાલર માફક ઝણઝણે છે. અટકી ગયેલી યાત્રા ફરી આગળ વધારવાનું જોમ પુરું પાડે છે. આ ઝણઝણકાર થાય અને ત્યારે શબ્દને દબાવી દેવા આગળ વધ્યાં હોઇએ ત્યાં જ થોભી જવાય છે.

કામ કરતો માનવી દેખી કરીને ભઇ..
માની લૈ અવતાર ને હું થોભી જાઉં છું.

આ બે પંક્તિ સ્વઉક્તિ માફક ઉચ્ચારાઈ છે. જાત ઘસીને ઉજળા થનાર માણસોને આપેલો આદર છે અહીં. કાર્યશીલ માણસ કવિને ઈશ્વરનાં અવતાર જેવો લાગે છે અને ત્યાંજ પોતાની યાત્રા થોભાવી દેવા લલચાય છે.

આખી રચનામાં એક બાબત એ ગમી કે ‘થોભી જવું’નો માભો પૂરેપૂરો જળવાયો છે. આગળ જવાનું નથી, તો પહોંચ્યા ત્યાંથી પીછેહઠ પણ કરવાની નથી. થોભ્યાં એ ક્ષણનો મહિમા કરવાનો છે, એ ક્ષણને અંતઃકરણથી માણવાની છે.

  • નેહા પુરોહિત

NPss e1526134269284

Share This Article