કાવ્યપત્રીઃ મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
(જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)
રે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
મારી વેલ શંગારો વીરા, શગ રે સંકોરો
રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ..
રે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..
લગ્નગીતના ઢાળમાં ઢળેલા આ શબ્દો મૃત્યુનું સચોટ આલેખન કરી જાય છે. સામાન્ય રીતે ગીતની પંક્તિ પૂરી થાય પછી ‘રે’ લખવામાં આવે છે. આ ગીતની શરુઆત ‘રે’ થી કરીને કવિ જાણે આડકતરું સૂચન કરે છે કે સામાન્ય કાવ્યોની વાત પુરી થાય એ પછી આ રચનાની શરુઆત થાય એ સ્તરની આ કવિતા છે.
હાયકારાથી શરુ થતું આ ગીત હ્યદય સોંસરું ઉતરી જવાનું છે.
આંખોમાં સૂરજ આથમે છે. મૃત્યુ થાય ત્યારે તો આંખોના સૂરજ આથમે ! મતલબ કે આજ સુધી મૃત્યુ સામે લડેલા આ યોદ્ધાએ હવે પોતાની હાર માની લીધી છે… નાની ઉંમરે કંકુ જેવાં શુભ અને સૂરજ જેવા તેજસ્વી સ્વપ્નો આંખે અંજાતા હોય, એ હવે આથમી ગયાં છે. નનામીને ‘વે’લ’ કહીને ગીતમાં સૂફીભાવનો લસરકો મારવાનું કવિ ચૂકતા નથી. ઇશ્વરને ઘરે જાવાનું છે, તો ઠાઠડીમાં શા માટે જવું? કન્યાને સાસરે વળાવતી વખતે ભાઈ શણગારેલાં વેલડામાં બેસાડે એનો સંદર્ભ લઇને પોતાની વે’લ શણગારવાનું કહેતા કવિ તરત જ દિવાની શગ સંકોરવાની વાત કરે છે. હવે આ દિવો વિલાશે, કારણકે ખુદના શ્વાસ અજવાળું ઓઢીને ઊભા છે!! અંધારમાથી અજવાસ તરફની યાત્રા ચાલુ થઇ રહી છે.
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પહેલા અંતરાની શરુઆતમાં જ બે રંગો અને પાન તેમજ ઘોડાનું પ્રતિક વાપરી કવિ મોતની કરુણતાને ઘેરી બનાવે છે.
આ બેઉ રંગ લગ્ન વખતે શુભ ગણાય છે. પીળી પીઠી અને હળદર પણ ! લીલા મહેંદીના પાન ! અહીં પાનને પીળો રંગ આપી કવિ હજી લસોટવાની પણ બાકી છે ત્યાંજ મહેંદી સુકાઈ ગઈ હોવાની વાત કરે છે. ઘોડો ઇચ્છાઓનું પ્રતિક છે. એને લીલો રંગ આપી, ઇચ્છાઓની ફળદ્રુપતા બતાવી, તરત પીળા પાનમાં ડૂબી ગયાનું કહી અધૂરા રહી ગયેલ અરમાનોની વાત ચોટદાર કહી છે.
દરેક પુરુષ એનાં ઘરનો રાજા છે. પોતાનાં ઘરમાં પોતાનું જ વર્ચસ્વ હોય. એ હવે ડૂબી ગયું છે. સાંજે પતિ નોકરી કરીને પાછો આવે એ સમયે રાહ જોતી સ્ત્રી ખૂબ આતૂર હોય.. ગીત ગણગણતી હોય.. થોડીક જ વારમાં પતિ આવશે પછીની રોમાંચક કલ્પનાઓમાં રાચતી મલકતી હોય ! આ છે અલકાતા રાજ, અને મલકાતાં કાજ!!! આ બધું હવે કાળની ગર્તામાં ડૂબી ગયું છે.
મૃત્યુ વિષયક ચર્ચાઓમાં આપણે સાંભળ્યું હોય કે એ વખતે સૌપ્રથમ દ્રષ્ટિ, એ પછી સ્પર્શ, એ પછી ઘ્રાણેન્દ્રિય અને છેલ્લે કર્ણેન્દ્રિય બંધ થાય. અહીં કવિ હણહણતી સુવાસ સાંભળવાનું કહીને અંતિમ સમયે થતા અતિન્દ્રિય અનુભૂતિની વાત કરી રહ્યા હોય એવું મને લાગે છે. પોતે આજીવન કરેલા સારા કર્મોની સુવાસ વિશે ઈશ્વર વાત કરી રહ્યા છે એવો અર્થ પણ અહીં તારવી શકીએ..
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
- રાવજી પટેલ
પોતે મૃત્યુની એવા સમીપ છે કે આવા ઇન્દ્રિયાતિત અનુભવો થઈ રહ્યા છે, ત્યારે પાછળ રહી ગયેલી પત્નિનું શું થશે એ ચિંતા હજી છૂટતી નથી.
કવિ બીજા અંતરાની શરુઆતમાં ચોકનો ઉલ્લેખ કરે છે. ચોક એવી જગ્યા છે, જ્યાં ચાર રસ્તા મળે છે… ચાર દિશાઓ ખૂલે છે. સાવ નાની ઉંમરે જિવનમાં બધું જ કરી શકવાની ક્ષમતા હોય, અને બધું જ કરવાનું બાકી હોય ત્યારે મૃત્યુનો સામનો કરવો કેવું કપરું ! મૃત્યુ પછી કરાતી ક્રિયામાં છેલ્લે ચોકમાં વચોવચ માટલી ફોડવાનો રિવાજ છે. એ વખતે આત્માનું આ દુનિયાથી જોડાણ છૂટે, અને ઉર્ધ્વગતિ ચાલુ થાય. અહીં એક પંછાયો એમને રોકી રહ્યો છે.
કવિ ધારે તો અહીં પડછાયો શબ્દ મૂકી શક્યા હોત, પણ આ તો આપણા રાવજી છે ! કોઇની નજર લાગી ગઈ હોય, ઓછાયો પડ્યો હોય, ત્યારે ઓરા બગડે, અને માણસને તકલિફ થાય એવી માન્યતા છે. ઓરા પર પડતી છાયા એ ઓછાયો.. અહીં પંડ પર કાળની છાયા પડી છે.. એને કવિએ પંછાયો કહ્યું હોય એ શક્યતા બળવત્તર બને છે.
કદાચ પતિનો પડછાયો ગણાતી પત્નિ પ્રત્યેની અદા કરવાની રહી ગયેલી ફરજો તરફ પણ આ નિર્દેશ હોઇ શકે. કસમયે આવેલ મૃત્યુને જોઇને સુન્ન થઇ ગયેલ કવિ હવે પોતાને રોકી રહેલ આ પંછાયાને અડધો પડધો જ સાંભળી શકે છે. છતાં એ બોલ એમને જતા અટકાવી રહ્યા છે, જાણે ઝાલીને રાખે છે. અડધા કાળનાં ઝાંઝર સંભળાય છે, અડધા આ પંછાયાના બોલ ! અને આટલી બધી પીડા થવા માટેનું એક ગોપિત રહસ્ય કવિ સાવ અચાનક એક પંક્તિમા ઉઘાડું કરી દઈ આપણને કરૂણતાની ચરમસીમાએ લઈ જાય છે. એ કહે છે કે મને વાગે સજીવ હળવાશ !!! પત્નિ સગર્ભા છે. આ તબક્કો એવો છે કે પતિ પત્નિ બેઉ નવા જીવનું સ્વાગત કરવા તૈયાર હોય. એક પ્રકારે જીવનનો એક તબક્કો પૂરો થયાની હાશ અનુભવતા હોય.. ત્યારે હળવાશ લાગે.. કવિને આ હળવાશ લાગતી નથી, પણ વાગે છે. આજે આ હળવાશ પીડાદાયક બની છે. કારણકે આંખોમાં ઉગેલ કંકુના સૂરજ આથમી ગયા છે…
હંસ મૃત્યુ વખતે કણસે ત્યારે આવતો અવાજ કોઇ ગીત ગાતું હોય એવો હોય છે. આ ગીત પણ ન જીવાયેલ જિવનનો વલોપાત અને કણસ લઈને આવેલ હોવાથી રાવજી પટેલનાં હંસગીત તરીકે ઓળખાયું છે.
મિત્રો, રાવજી પટેલનાં આ હંસગીતનો મેં મારી મતિ અનુસાર આસ્વાદ કરાવ્યો. બહુઆયામી આ ગીત દસેય દિશાઓમાં ઉઘડી શકે એવું છે. એકએક શબ્દ અનેક અર્થ, અનેક સંદર્ભે આસ્વાદી શકાય એવા છે. આપને આ હપ્તો કેવો લાગ્યો એ જણાવશો..
- નેહા પુરોહિત.