*કાવ્યપત્રી*
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી નજરુંથી દરિયો વલોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો!
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો, ‘દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
– વિમલ અગ્રાવત
આજે કાવ્યપત્રીમાં કવિ વિમલ અગ્રાવતની કવિતાનું સ્વાગત કરીએ.
દરિયાનું પ્રતિક લઇને કવિ માણસની પોતાની માપપટ્ટીએ સૃષ્ટિનો અંદાજ લેવાની વૃત્તિ પર જબરો કટાક્ષ કર્યો છે.
‘તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?’ આ પ્રશ્ન પૂછીને ભાવકને વિચારતા કરી દે છે. પાંચ ફૂટની કાયામાં સમાઇને અફાટ દરિયા વિશે મંતવ્ય આપવાની હિંમત આપણે ઘણીવાર કરી જતા હોઇએ છીએ. દરિયાને દરિયાની દ્રષ્ટિથી જોઇએ તો જ સમજી શકાય.
દરિયાને પુસ્તકની જેમ તમે વાંચો તો ક્યાંથી સમજાય એની વાતું!
એકાદી ડૂબકી જો મારો તો ભાન થાય, અંદર આ ખળખળ શું થાતું!
કદી નજરુંથી દરિયો વલોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
પુસ્તકમાં માહિતીનો દરિયો હિલ્લોળા લેતો હોય એ વાત ખરી, પણ પુસ્તક દરિયો તો નથી જ ! એ તમને લેખકની કાલ્પનિક દુનિયામાં અવશ્ય લઇ જશે, પણ એ તો માત્ર આભાસ જ ! પુસ્તક બંધ કર્યું , ને એ દુનિયા ગાયબ ! અહિ વર્ણવેલા દરિયામાં ભેજ અને ખારાશ વાળી હવા ક્યાંથી લાવવી ? શાંત દરિયાને પણ ઝીણો ખળખળાટ હોય છે. એને સમજવા ડૂબકી મારવી પડે. કવિ અહિ એકદમ સહજ રીતે સમુદ્રમંથનનો ઉલ્લેખ કરવાનો મોકો ઝડપી લે છે. અને નજરથી આખો દરિયો વલોવવાનું પૂછીને આ દરિયો અફાટ જળરાશિ નહિ, પણ માણસનાં મનની વાત છે એ મોઘમ રહીને સ્પષ્ટ કરી આપે છે.
મોજાંની જેમ જરા ઉછળો તો જાણો કે શું છે આ ફીણ ને કિનારો!
આંખેથી સાચુકલાં મોતી ટપકે નહીં ને પૂછો છો, ‘દરિયો શેં ખારો?’
કદી શ્વાસોમાં દરિયો પરોવ્યો?
તમે દરિયાને દરિયાની જેમ કદી જોયો?
કિનારે અથડાઇને ફીણફીણ થઇ જતા દરિયાને જોઇને મનમાં કેટલાય પ્રશ્નો થતા હોય, પણ એનો જવાબ લેવા માટે મોજાની માફક ઉછળવું પડે, ને કિનારે ફીણ બની પથરાઇ જવું પડે. ખુદની આંખો કોરી રાખીને દરિયાની ખારાશનો તાગ કઇ રીતે લઇ શકાય ? એ દરિયાની ભેજયુક્ત ખારી હવા શ્વાસમાં લેવી પડે. અહિ એક એક શ્વાસમાં આ હવા લેવાની વાતને શ્વાસના દોરામાં દરિયો પરોવવાનું કહી કવિ કવિતાને એક ઉંચાઇએ લઇ જવામાં સફળ રહ્યા છે.
દરિયાને રુપક બનાવીને આપણા સામાજિક વ્યવહાર પર કવિ જબરો કટાક્ષ કરી ગયા છે. કોઇ પણ સમયે કોઇની વાત સાંભળીએ, કે કોઇને મળીએ ત્યારે એના વિશે તરત જ એક અંદાજ બાંધી લેવાની આપણી વૃત્તિ હોય છે. બદનસીબે માણસજાતને જ આ કુવૃત્તિ મળી છે. આ વિશ્વમાં જેટલા માનવિ એટલી દુનિયા અસ્તિત્વ ધારણ કરે છે. આપણો જ વિચાર કરીએ તો બધા સાથે સમાન વ્યવહાર રાખવો શક્ય હોતું નથી. આ આપણી અનુભૂતિ હોવાથી જાત માટે આ વાત સાવ સહજતાથી સ્વીકારી લઇએ છીએ. જ્યારે અન્ય વ્યક્તિનો વ્યવહાર બદલતો જોઇએ ત્યારે એને ચર્ચાનો વિષય બનાવી દઈએ છીએ.
દરેક માણસ એની નબળાઈઓ સામે, એના ખુદના સમય સાથે સતત જજૂમતો હોય છે. ક્યારેક જાત સામે જીતે તો ક્યારેક કારમો પરાજય ! આ દરેક પરિસ્થિતિનો ખ્યાલ આપણને હોતો નથી. એનાં આપણી સાથેના વર્તન અને વ્યવહાર પરથી એના માટે અભિપ્રાય બાંધી લેવાની ઉતાવળ કરી બેસીએ છીએ. પણ આપણી દ્રષ્ટિએ એનું અયોગ્ય વર્તન એની મજબૂરી પણ હોઇ શકે એ શક્યતા નકારી શકાય નહીં.
સતત અવગણનાનો સામનો કર્યો હોય એવી વ્યક્તિ પાસે તટસ્થ સ્વભાવની અપેક્ષા રાખવી કેટલું યોગ્ય ? વાસ્તવિકતા ક્યારેક કલ્પનાથી પણ વધુ બિહામણું સ્વરુપ ધરીને આવતી હોય છે, પણ આ વાત જેના પર વીતી હોય એ જ જાણી શકે. સમય સામે સતત લડતાલડતા એની પ્રકૃતિ જ લડાયક થઈ જાય તો કોનો વાંક ?! ભીતર વહાલની ય ખળખળ હોય, અતૃપ્તિની પણ ખળખળ હોય અને સંતોષની પણ ખળખળ હોય.. પણ આ બધું જાણવા અને પ્રમાણવા એના જીવનને ખુદ જીવવું પડે.
જીવન જીવવાના સંઘર્ષના પરિણામે નિપજતા માનવ સ્વાભાવ, અને એના વિષ્લેશણ કરવાની માનવની જ સ્વાભાવિક કુટેવ પર પ્રકાશ પાડતું આ ગીત સાચે માણવા લાયક કૃતિ છે એમ નિશ્ચિતપણે કહી શકાય.
- નેહા પુરોહિત