* કાવ્યપત્રી ૨૨ : નેહા પુરોહિત *
આજે આપણી સાથે વાત કરી રહ્યા છે કવિ કૃષ્ણ દવે. નાનપણમાં એમને વનવગડામાં ભમવાનો શોખ ! આવળના પીળા ફૂલો એ વખતે એમને મોટું કુતૂહલ હતું. એ વિચારતા કે બાગમાં માળીની દેખરેખ હેઠળ પણ આવા મજાના ફૂલો જોવા મળતા નથી, જ્યારે અહિ તો એને પાણી પાવાવાળું ય કોઇ નથી. છતાં એ મહોરે છે ! ધીમેધીમે સમજાયું કે એને કોઇ આળપંપાળની જરૂર જ નથી. પોતાની રીતે વિકસવા એ સક્ષમ છે. બાવળનાં પૈડા ખાવાની મોજ પણ કૃષ્ણભાઈએ ખૂબ લીધી છે.
નાનપણનું આ વિસ્મય, અને મોટા થયા પછી કેળવેલી સમજણે નવું રૂપ ધારણ કર્યું, અને એક ગીતનું મુખડું બન્યું.
આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં !
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં !!
આવો, માણીએ એ ગીત !
ઉગાડે એમ કદી ઉગવાનું નહીં,
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં ,
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં,
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં,
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં,
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં,
પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…
– કૃષ્ણ દવે
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
ગીતનો ઉપાડ જ કેવો સુંદર ! ઉગવાની ઘટના કેવી નાજુક અને કોમળ, અને એ પછીનો શબ્દ સમૂહ અચાનક દ્રઢતા સૂચવી જાય ! ‘જિંદગી જીવવાની જડીબુટ્ટી’ શીર્ષક આપી શકાય એવું આ ગીત છે. જન્મ થાય એ જ ક્ષણે નિશ્ચિત સંખ્યામાં શ્વાસ મળી જતા હોય, અને એકપણ શ્વાસ વધુ કે ઓછો મળવાનો નથી ત્યારે બીજાની દોરવણીથી ક્યાં સુધી જીવ્યા કરવું ?
બીજી જ પંક્તિમાં ‘આપણે તો આવળ ને બાવળની જાત’ કહી કવિ એકદમ સહજતાથી ભાવકને એમનાં ભાવવિશ્વમાં પ્રવેશ કરાવી દે છે. ‘આપણે’ શબ્દ આવતા જ અંગત મિત્ર ખભે ધબો મારીને વાતની શરુઆત કરતો હોય એવું વાતાવરણ રચાઈ જાય છે.
આવળ ને બાવળ- આ બન્ને વગડે ઉગતી વનસ્પતિઓ છે. ઔષધિય રીતે અતિ ગુણકારી, અને પ્રતિકાર શક્તિ એટલી બધી કે એને ઉગાડવા કોઇ ખાસ વાતાવરણ કે જમીન- ખાતરની જરૂર પડતી નથી. વગડાઉ પશુથી રક્ષણ મેળવવા અને ઓછાં પાણીએ ચાલી જાય એ માટે અડધોઅડધ પર્ણો કાંટામાં રૂપાંતરિત થયેલાં ! આપણું પણ આવું જ છે. વિકાસ કરી શકીએ અને ખુદનું રક્ષણ કરી શકીએ એ માટે ઈશ્વરે શક્તિઓ આપી જ છે, પણ અતિ આળપંપાળ મળવાના કારણે જાત પર વિશ્વાસ ઘટતો જાય છે. નાનપણમાં જે રીતે ઉછેર થયો એના પર આપણું નિયંત્રણ નહોતું, પણ હવે સમજ કેળવાયા પછી કોઇનાં ભરોસે રહીએ એ તો જાત સાથે દ્રોહ કર્યા સમાન છે. જાગ્યા ત્યાંથી સવાર માનીને હવે જાતે જ કેડી કંડારવાની છે.
ધગધગતા તડકાના પેગ ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન,
નિરાંતે બેસી જે ભરચક પીવે ને એને પાલવે આ લીલાં ગુમાન,
રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
માણસ દુઃખ ભૂલવા કે અતિ આનંદને ઉજવી નાખવા પેગ લેવાનું પસંદ કરે. અહિ તો ધગધગતા તડકાનો પેગ લેવાનો છે, એ પણ ઉપરાઉપર ! ખેડૂ તડકો વેઠીને ફસલ લે એ આ અંતરામાં પહેલી દ્રષ્ટિએ ઉઘડતી વાત છે. લીલા લહેરાતા મોલ માટે એ મૂછે તાવ ત્યારે જ દઈ શકે, જ્યારે ચૈત્ર વૈશાખનાં તડકા વાંસા પર ઝીલ્યા હોય ! ગુમાનને ‘લીલું’ વિશેષણ આપીને ફળદ્રુપ બનાવવાનો કસબ બતાવી કવિએ કેવી મોજ કરાવી ! તાપ ઝીલીને ગુલમોર ગુમાન કરે તો એ એનો હક્ક બને છે. રાત જાગીને કવિતામાં પ્રાણ રેડ્યા હોય ત્યારે દાદ મળતી વેળા ભાવકો સામે આવું લીલું ગુમાન બતાવવાનો કવિ આપમેળે અધિકારી બને છે. શુષ્ક કાંટા ઈજા પહોંચાડે, પણ લીલા વૃક્ષો તો આવું ગુમાન રાખી ઊંચુ માથુ રાખીને જ રહે તોય એનાં શરણે જનારને શીળી છાંય જ મળે છે. ખારાશને દરિયાનું ગુમાન ગણીએ તો ક્ષાર પોતાના પેટાળમાં સમાવીને ધરતીની ફળદ્રુપતા આ ‘લીલું ગુમાન’ જ અકબંધ રાખે છે. રતન ટાટા પોતાનાં નફાનો મોટા ભાગનો હિસ્સો દાન કરી દે એ પણ આવી જ વાત છે. આવાં લીલા ગુમાન સૃષ્ટિને ફાયદાકારક હોય છે. ક્યારેક આ ગુમાનને ઈર્ષ્યાનો એરુ આભડી જાય ત્યારે બીજાની પ્રગતિ જોઇ શકાતી નથી. આજે સમાજમાં ખુદ વિકાસ કરવાને બદલે બીજાની પ્રગતિ અટકાવવા વાળાની સંખ્યા મોટી છે. એ તરફ ઇશારો કરતા કવિ કહે, કે રોકે કદાચ કોઈ ટોકે કદાચ તોય મહેફિલથી કોઈ દિવસ ઉઠવાનું નહીં ! લઘુતાગ્રંથીનો શિકાર બની આત્મહત્યાના રસ્તે જનાર માટેય આ મોઘમ ઇશારો છે.
નરી હકારાત્મકતા કે નકારાત્મકતાથી દૂર રહી વચલા મારગની આ કવિતા લખવામાં કવિ સફળ રહ્યા છે.
આપણે તો એનીયે સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું,
આપણા તો લીલાછમ લોહીમાં લખેલું છે ગમ્મે તે મોસમમાં મ્હાલવું,
અરે હસવું જો આવે હસવું બેફામ અને આંસુ જો આવે તો લૂછવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
સહજતાને લોહીમાં સાંકળી લેવાનો સંદેશ આપતો આ અંતરો છે. નિજાનંદમાં એવું રમમાણ થઇ જવાનું છે કે સમયનો ખ્યાલ ન રહે. પાનખરે ખરવું ને વસંતે મ્હોરવાનું નક્કી છે, પણ એ સાહજિક રાખવાનું છે. રાતે દસ વાગે ઊંઘી જ જવાનું નક્કી હોય, પણ ક્યારેક દોસ્તો સાથે જાગરણ કરી લેવામાંય વાંધો નહિ. આત્માની જાગૃતિ જરૂરી છે,પણ એ પામવાનો રસ્તો ઘેરી ઊંઘમાથી પસાર થાય છે એય સ્વીકાર્યે છૂટકો. સહજ નિદ્રા જ જાગૃતિના પંથે સહજ રીતે વાળશે.દરેકની ભીતરે આ લીલાછમ્મ સંસ્કાર લોહી બનીને વહે જ છે. પણ પરિણામને પામવા માટે આપણા સભાન પ્રયત્નો પરિણામથી દૂર લઈ જાય છે. ગમે એ મોસમમાં મોજથી રહેવાના સંસ્કાર લઈને જ આવ્યાં છીએ. મોસમની વાત તો દૂર રહી, આપણે તો ક્ષણમાં રહેવાનું છે ! હસવાની ક્ષણે બેફામ ખડખડાટ હસી લેવાનું, અને ક્યારેક આંખ ભીંજાય તો ગાલને ભીંજાતા અટકાવવાના નથી. અટકેલા આંસુ પ્રલય લાવે છે.. એને લૂછવા કરતા વહાવી દેવા જ યોગ્ય છે.
દુષ્કર્મનું ફળ ભોગવવું નક્કી છે, એ જ રીતે સત્કર્મનું મીઠું ફળ ખાવું પણ ફરજિયાત છે. જે સમયે એ સ્થિતિ મળે એને વધાવીને કર્મબંધનમાથી મુક્તિ મેળવવાની આ વાત છે. કોઇપણ લાગણી કે લાલસાથી વિરક્ત થવાનો ઉત્તમ રસ્તો એનું શમન કરવું એ છે, દમન કરવાથી તો એ બમણા જોશથી સામે આવશે !
ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ? ધરવાનું આપણું જ ધ્યાન,
પથ્થર ને માટીના ભૂંસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન,
દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં
આપણે તો આવળ ને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં
પણ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં…
– કૃષ્ણ દવે
આ ત્રીજો અંતરો આધ્યાત્મના ઓટલે બેસાડી દેનાર આવ્યો છે. મહાસુખ પામવા માંહે જવું પડે, એ વાત અહિ સુંદર રીતે આવી છે. સહજ રીતે જીવતા જ કોઇ ક્ષણે આત્મજ્ઞાન સાધે… એ અદ્ભુત ક્ષણે શું કરવું ? ત્યારેય આપણે આપણું જ ધ્યાન ધરવાનું છે. આ જાગૃતિની ક્ષણ છે. ભીતર કાળમીંઢ પથ્થર છે કે ફળદ્રુપ માટી એ આ ક્ષણે ખબર પડે છે. જન્મજન્માંતરનાં સંસ્કારો સ્પષ્ટ થાય છે એ ક્ષણે આ છેલ્લી સભાનતા ય ખોઇ દેવાની છે. અવધૂતિ મસ્તીમાં મસ્ત બની બાળસહજ તોફાને ચડવાનું છે. આ લીલું તોફાન એવું હશે કે ભીતરે કદાચ પત્થર હશે તો પણ જે પામ્યા એના બીજ એ પથ્થરને ફાડીને કોળાશે.
આ ક્ષણે પણ વિચલિત કરી દેનાર પરિબળો એની અસર તો દેખાડવાના જ છે. ચોતરફ ખેંચતા પરિબળો સામે બરાબરની ટક્કર લેવાની છે. કોઇ ગમે એ દિશામાં ખેંચે, પણ આપણે આપણા ધ્યેયથી ચૂકવાનું નથી. આ સમગ્ર પ્રક્રિયામાથી સુપેરે પાર થવું હોય તો આવળ બાવળની જેમ કશાની પરવા કર્યા વગર જીવી જવાનો સંદેશ આપતી આ કવિતા કવિ કૃષ્ણ દવે તરફથી ગુજરાતી સાહિત્યને મળેલ અણમોલ ભેટ છે એમ કહેવું સર્વથા યોગ્ય છે.
ખબરપત્રી પરિવાર અને કાવ્યપત્રીનાં ભાવકો માટે આપની આ કૃતિ આપવા બદલ આભાર કવિ !
મિત્રો, ફરી મળીએ ..
આવતા બુધવારે….
- નેહા પુરોહિત