*કાવ્યપત્રી*
*સખીરી ગીત – સંજુ વાળા*
કાવ્યપત્રીનાં આજનાં હપ્તામાં સ્વાગત કરીએ કવિ સંજુ વાળાનું. એમની સાથે વાત કરતાં જણાવ્યું કે એ ક્યારેય કોઇ ઘટના પર લખવાનું પસંદ કરતા નથી. એટલે કોઇ રચના પાછળ કોઇ એક જ સંદર્ભ જોડાયેલો રહેતો નથી. પણ સતત ચિંતનશિલ સ્વભાવ અને અંતરમનની ખોજે આ ગીત લખાવ્યું છે. તેઓ કહે છે કે જેના માટે આખી જિંદગી ખરચી નાખીએ છીએ એ તો સાવ ક્ષુલ્લક બાબતો છે. જે ઘટનાઓ આપણને વિચલિત કરી નાખે છે , એ વાસ્તવમાં તો અતલ જળરાશિની સપાટી પર ઉદ્ભવતા પરપોટા છે. પણ આ ઘટનાઓમાં આપણે એવાં અટવાઇ જઈએ છીએ કે જીવનનો તાગ મેળવવાની વાત ભૂલી જઈએ છીએ.
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની,
તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની,
સખીરી, કેમ..
પરપોટાનું પોત : પવનનાં પગલાં,
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે,
સ્પર્શે ઊગે–સ્પર્શે ડૂબે,
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે,
પરગટ પારાવાર–ને નીંભર ટેવ પડી ટળવળની,
સખીરી, કેમ..
સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું,
એકાન્ત ટકોરા મારે લીલા,
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને,
કહેવાશે અટકળિયા ચીલા,
ભાવગત આ અક્ષરિયત – ને છળમય ભાષા તળની,
સખીરી, કેમ .. ,
~ સંજુ વાળા
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની,
તરંગ લિસોટે પડી છાપ તો ઘટના પળ બે પળની,
સખીરી, કેમ..
કવિની કલમનું વજન કેટલું છે એ મુખડા પરથી જ જણાઈ આવે છે. ક્ષણવાર માટે થયેલ અનુભવ આખી જિંદગી પર અસર કરી જાય છે. નાની અમથી કાંકરી સમસ્ત જળરાશિની સપાટી પર તરંગો પેદા કરી શકે.એ આપણને દેખાય પણ ખરું. સાથે જ પેટાળમાં કોઇ હલચલ છે કે નહિ એનો કોઇ અંદાજ આપણે લગાવી શકતા નથી.
એ વાત પણ ખરી, કે કોઇ ઘટના બને ત્યારે આપણો પ્રતિસાદ આપણી ભીતરનાં ભંડારનો ક્યાસ કાઢી આપે છે. પણ અહીં તો સપાટી પર કંઇક હલચલ થઈ, એક તરંગ ઊઠીને શમી ગયું. હલચલ માટે જાગૃતિ આવે એ પહેલાં તો પ્રત્યાઘાત શમી જાય છે. અને આટલા સૂક્ષ્મ સમયગાળામાં જીવનનો તાગ લઈ લેવાનો છે ! એ જાત સાથેના સંવાદથી જ શક્ય બને. માટે ગીતની શરુઆત જ ‘સખીરી’ શબ્દથી કરવામાં આવી છે. આપણી ભજન પરંપરા, સુફી ગીતોમાં પણ આ રીતે જીવાત્માને ‘સખી’ સંબોધન કરવાની પરંપરા છે જ.
પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે–સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર–ને નીંભર ટેવ પડી ટળવળની
સખીરી, કેમ..
પરપોટાના પોતને પવનનાં પગલા કહીને આત્મા, દેહ અને બ્રહ્માંડ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરવા કવિની સફળ મથામણ જોઇ શકાય છે. પવન ઈચ્છાઓનું પ્રતિક બની જાય છે. જીવને સજીવ બનવાની તમન્ના થાય ત્યારે દેહ ધારણ કરે. પણ આ વાત સમષ્ટિનાં સંદર્ભે જોઇએ તો ક્ષણભરની ઘટના છે. આખી જિંદગી મારુંમારું અને માર કે મારુમાં વિતી જાય પછી ખ્યાલ આવે કે આપણા અસ્તિત્વથી આ સૃષ્ટિને કોઇ ફરક પડ્યો નથી. એ જ રીતે આપણાં ન રહેવાથી કોઇ ફરક પડવાનો ય નથી. પવનનાં સ્પર્શથી પરપોટો થાય, અને ફરી તૂટે, એની અસર તળ પર ક્યાં થવાની છે ! તળને તો કદાચ એની જાણ પણ નહીં થતી હોય કે સપાટી પર શું હલચલ થઈ રહી છે ! આ બધું જ આપણી નજર સમક્ષ છે, છતાં એ તરફ દુર્લક્ષ સેવવાની આપણને ટેવ પડી છે !
સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને છળમય ભાષા તળની
સખીરી, કેમ ..
સૃષ્ટિમાં આપણું સ્થાન જાણી લીધા પછી જાગૃતિની ક્ષણો પર પ્રકાશ પાડતો આ અંતરો છે. ટોળામાં રહીને જાતમાં જીવીએ ત્યારે જીવનમાં એકલતા હોય. અહિ તો ગાડરિયા ટોળાને સ્વેચ્છાએ છોડી દીધું છે. હવે જાતનું જાત સાથે અનુસંધાન છે. અગમનાં ઇશારાઓની રાહ છે. એક જ ઝબકારે ભીતર ઝળહળાવી દેવાની વાત છે. ત્યારે પ્રતીક્ષા પણ કેવી જબરદસ્ત હોવાની! મનગમતાનાં ભણકારે વ્યાકૂળ થઈ જવાની વૃત્તિ વાળા આપણે પરમની પ્રતીક્ષામાં લીન થયા છીએ ત્યારે આ એકલતા એકાંત બની જાય છે. જાગૃતિની ક્ષણ આવે, કેવળજ્ઞાનની એ ઘડિ સૂસવાટો કરતી આવે. ઇન્દ્રિયાતિત થઈ ગયેલ મનનાં દ્વારે હવે એકાંત ખળખળતું આવે છે, ને લીલા ટકોરા મારે છે. ‘ખળખળતું’ શબ્દ અવિરત અને સમ્ ગતિ સૂચવે છે, જ્યારે લીલપની વાત હવે સિધ્ધિનું ફળ મળવામાં છે એનો ઈશારો કરી જાય છે. આજ સુધી જે તાગ મેળવવામાં સફળતા મળી નથી એ રહસ્યો હવે ખૂલવાનાં છે. આ તાગ મળતા જ ખબર પડી જશે કે નજર સામે જ હિલ્લોળા લેતો આ જળરાશિ જ્યાં સુધી તળિયું નહિ પામો ત્યાં સુધી ધારણાઓ કરીને ભવોભવ ચાલ્યા કરવાનો ચીલો જ છે. આ અંદરની એવી અનુભૂતિ છે, જેને શબ્દોમાં વ્યક્ત કરવી શક્ય નથી. શબ્દોને પોતાની મર્યાદા છે, જ્યારે આ અનુભૂતિ દરેક સીમાથી પર છે. જે સમજાય એવું નથી એને વર્ણવવું કઈ રીતે ? કુદરતે આ બાબત ઇન્દ્રિયાતિત રાખીને જાણે છળની ભાષામાં રહસ્યો ખોલી આપ્યાં છે.
સંજુભાઈ, આત્મા, જીવન અને પરમાત્માનું અનુસંધાન કરાવી આપતી એક ઉત્તમ રચના અમારી સાથે વહેંચીને આભારી કર્યાં છે.
સૃષ્ટિમાં છે એ જ સમષ્ટિમાં છે. ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, તો પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. જે ગ્રહોની જેમ જ પોતાની ધરી પર પણ ફરે છે.. માનવીનાં મન જેવો જ વ્યવહાર આ પરમાણુઓ કરે છે અને સંયોજનોની વિશાળ શ્રેણી અપણને મળે છે… જેનાથી આ સૃષ્ટિનું હોવું સંભવ બન્યું છે. એક જ સિધ્ધાંતને સંપૂર્ણ જાણી લેવાથી કેટલાંય સત્યો અનાવૃત્ત થઈ જાય છે. પણ આ જ સત્યો જાણી ગયા પછી નિર્મોહી અવસ્થા આવી જાય છે. એ તબક્કે પોતે કેટલું પામી શક્યા છે એ કહેવાનો મોહ પણ રહેતો નથી. એટલે જ આ જળરાશિનાં તળ ફરી એક છળની પાછળ છૂપાઈ જાય છે- ફરી કોઇ મરજિવાની રાહમાં….
- નેહા પુરોહિત