* કાવ્યપત્રી *
આજે કાવ્યપત્રીમાં કવિશ્રી યોગેશ જોશી. આપણી સાથે પોતાની સંવેદનાઓ વહેંચી રહ્યા છે .કાવ્ય લખતી વેળાની વાત કરતાં કહે છે કે પોતે નાનપણમાં કદી ઘર છોડીને લાંબો સમય બહાર ગયેલા નહીં. ઘર છોડવું ન પડે, માના ખોળાથી દૂર ન જવું પડે એ કારણે પોતે engineeringનો અભ્યાસ કરવાનું ટાળ્યું. પણ ટેલિફોન ખાતામાં નોકરી મળી એ પછી ટ્રેનિંગ માટે છ મહિના જેવું ગાઝિયાબાદ રહેવાનું થયું. ટ્રેનિંગ પત્યાં પછી ઘરે પરત થતી વખતે ટ્રેનમાં એમને આ કવિતા સ્ફૂરી.
‘મારું આખુંયે ઘર
દો..ડતું જઈને ઊભું રહ્યું
ગામને પાદર
હાથની છાજલી કરી !’
કવિએ પોતાના પાછા ફરતી વખતે આખું ઘર એનાં સ્વાગત માટે પાદરમાં ઊભું હશે એમ વિચારીને આ રચના કરી છે, પણ જો ભાવકને આ વાતનો ખ્યાલ ન હોય તો કવિતા બે રીતે ખૂલે છે. કોઇને વળાવતી વેળા આખું ઘર દોડે છે.. અને આકંઠ પ્રતિક્ષાનો દોર ચાલે છે. એ સંદર્ભ પણ અહિ ચપોચપ બેસે છે.
ઘર ક્યારે દોડે ? ઘરમાં વર્ષો સુધી વસવાટ કરનાર વ્યક્તિ ઘરથી દૂર જતી હોય, અથવા લાંબા અંતરાલ પછી પાછી આવતી હોય ત્યારે ! બાર શબ્દની આ કવિતા ઘણા બધા આયામોમાં ખૂલે છે.
બાળકનો જન્મ થાય એનો બાળાસાદ આખા ઘરમાં પડઘાય.. ને ઘર આખું નાચી ઊઠે. બાળક પડખાં ફેરવતું થાય, અને દોડતું દોડતું ભીંત પાસે જઈ અટકે. નાનાં નાનાં પગ ભીંત પર પછાડે ત્યારે સગર્ભા સ્ત્રીને પહેલાં ફરકાટનો રોમાંચ થાય એજ રોમાંચ હવે ઘર અનુભવતું હશે ને!
બાળકનું ખડખડાટ હસવું, ભાખોડિયા ભરવા, એની પહેલી પગલી… એની એક એક પગલીનો ઇતિહાસ સાચવીને રાખે છે ઘર ! આપણને એમ લાગે કે બાળકને ચૂનો ખાવાની ટેવ પડી છે, પણ કદાચ એને કાયમ એની નજર સામે રહેતી, પોતાના જેટલી જ ગતિથી દોડતી અને પોતાની સાથે જ અટકી જતી ભીંતોને ચૂંબન કરવાનું મન થતું હશે એવી કલ્પના કેવી રોમાંચક છે !
બાળક સહેજ મોટું થાય, ને જાતને કેન્વાસ બનાવને એનાં નમણાં હાથમાં સોંપી દેતાં ઘર જરાય અચકાતું નથી. કોઇ ઘર એવું નહીં મળે, જેની દીવાલ પર બાળકોએ ચિતરામણ ન કર્યું હોય !
આજ ઘર ઉશ્કેરાટ ઠાલવવાનું સાધન પણ બની જાય છે. ગુસ્સો બેકાબૂ બને ત્યારે હાથવગી વસ્તુનો છુટ્ટો ઘા પણ આ ઘર જ પોતાની છાતી પર ઝીલી લે છે.
દીવાલો વચ્ચે જોવાય છે સપના, અને સચવાય છે સ્મૃતિઓ ! ક્યારેક સપના સાચા પાડવા આ જ ઘર છોડી દૂર જવું પડે ત્યારે ફક્ત સ્વજનો જ નહીં, આખું ઘર હીજરાય છે. કવિએ આ સ્થિતિનું વર્ણન કરવા ફક્ત બાર શબ્દોની સજીવારોપણ અલંકારમાં સુંદર ગૂંથણી કરી છે. અછાંદસના વાઘા પહેરાવ્યા હોવા છતાં કવિતાને પોતાનો લય છે. ઘર દોડે છે એમ નહીં, આખું ઘર દોડે છે ! ઘરની સાથે જોડાયેલી દરેક ઘટના, સંવેદના, સ્મૃતિઓ અને વળગણો… બધું જ સાથે દોડે છે. પાદર સુધી દોડે છે. જ્યાંથી સઘળે જવાના રસ્તાઓ પસાર થાય છે. મનચાહી દિશામાં તમે પ્રવાસ કરી શકો છો. ઘરમાં રહેનાર ઘણી વખત બહાર ગયા જ હશે, પણ આ વખતે આખું ઘર સાથે દોડે છે, કદાચ એને પૂર્વાભાસ થઈ ગયો છે કે આ વખતે જનાર વ્યક્તિ ફરી ન પણ આવે, અથવા કેટલાય વખત બાદ ઘરમાં વસવાટ કરશે. એ આશા છોડતું નથી. એ પાદર પહોંચીને પ્રતીક્ષારત ઊભું રહે છે, પોતાનાં હાથની છાજલી કરીને ! નથી તો આગળ ડગલાં ભરતું કે નથી તો મૂળ જગ્યાએ પાછું ફરતું.
ઘરનું છજું કવિને ઘરનાં હાથની છાજલી જેવું ભાસે છે. એ અહિ પ્રતીક્ષાની પ્રબળતા સૂચવી જાય છે, જ્યારે ઘર પાદરમાં ઊભું રહ્યું છે, એ નક્કર કડવી વાસ્તવિકતા દર્શાવી જાય છે. ઘરથી ચાર પાંચ વરસ દૂર રહીને પરત થઈ એ ત્યારે આપણો અનુભવ છે કે ગામમાં, આપણા વિસ્તારમાં તેમજ આપણાં ઘરમાં કશુંક ન સમજાય એવો બદલાવ અનુભવાય છે. આપણે જેવું મુકીને ગયા હોઇએ એવું જ પાછા આવીએ ત્યારે હોતું નથી. આ વાતનો છાનો ઉલ્લેખ ઘરને પાદરમાં રાખીને કવિ ખૂબ સાહજિક રીતે કરી શક્યા છે એ એમનાં કવિત્વનું પ્રમાણ છે.
એક ઘર ઈંટ અને સિમેન્ટથી બનાવેલું હોય છે. ને એક ઘર સહુનાં હ્યદયમાં પણ હોય ! ભૌતિક ઘરની મર્યાદાઓ ખૂબ જ છે. તમારે ન ગમતા પરોણાઓનું હસતા મોંએ સ્વાગત કરવું પડે, ને મનગમતાને આવકાર ન આપી શકવાની જલદ મર્યાદામાં રિબાવું ય પડે. પણ હ્યદયનાં ઘરમાં તો રોજ મેળોને રોજ મિજલસ ! અહિ ફક્ત આનંદ અને સંતોષનું રાજ ચાલે ! આંખ બંધ કરોને કેટલાંય ચહેરા તરવરવા માંડે ! ક્યારેક આ મિજલસમાંથી કોઇક વેળા ઊભા થઈને ચાલ્યાં જાય ત્યારે હ્યદય ગોકુળિયું બનીને જાણે જતા રહેલા કૃષ્ણનાં રથની ડમરી પાછળ દોડે…. કોઇપણ ભોગે તૂટતા સંબંધને બચાવવા રીતસર હવાતિયા મારે… અને એ છતાં પ્રિયપાત્ર પાછું ન ફરે તો પ્રતીક્ષારત થઈને થંભી જાય. હવે એ પહેલાની સ્થિતિમાં પાછું ફરી શકતું નથી, કે સંબંધમાં આગળ વધી શકતું નથી.
અહીં કવિ વિવેક મનહર ટેલરનો એક શેર ટાંકવાનું મન થાય..
‘આંખોથી અળગી કેમ કરું ? આ પ્રતીક્ષા તો
દૃષ્ટિના ડિલનું છૂંદણું છે, તું હવે તો આવ.’
પ્રતીક્ષા એક અંતહિન પ્રવાસ છે. બધું જ રાબેતા મુજબ ચાલે છે, છતાં પણ ઘર જેવાં મનમાં પ્રતીક્ષા સિવાય બીજું કશું જ હોતું નથી. મનનાં ત્રાજવાના બેઉ પલ્લામાં આશા અને આશંકા ઉપર નીચે થયા કરે… અને સદનસીબે જતી રહેનાર વ્યક્તિ પરત આવે, તો આખું ઘર દોડીને પાદર પહોંચી જાય !
માત્ર બાર જ શબ્દોમાં તિવ્ર પ્રતીક્ષાનું આટલું સચોટ વર્ણન કરી ગુજરાતી સાહિત્યને એક અદકેરી કવિતાની ભેટ ધરવા બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ યોગેશભાઈ !
આપની આ કવિતા અમારી સાથે શેર કરવા બદલ આભાર માનું છું.
મિત્રો, આવતા બુધવારે ફરી એક કવિતા સાથે મળીશું…
નેહા પુરોહિત.