કવિ અન્ય વ્યક્તિ કરતાં વિશેષ સંવેદનશીલ હોય એ સર્વસ્વીકાર્ય વાત છે. એમાંય જો એનું કાર્યક્ષેત્ર પિડિતોનાં એકધારા સંપર્કમાં રાખે એવું હોય ત્યારે કવિત્વ પુરબહારમાં ખીલી જાય.
કાવ્યપત્રીનાં આજનાં હપ્તામાં આપણે ઈજન આપીએ ડૉ. પરેશ સોલંકીને . ગઝલક્ષેત્રે મજાનું કામ કરતા ભાવેણાના આ ડૉક્ટર જેટલા મિતભાષી છે, એટલાં જ સંવેદનશીલ છે. એમણે પોતાની વાત કરતા જણાવ્યું કે એક મિત્રનાં પિતાજી ખૂબ જ બીમાર હતાં. પરેશભાઈ જ એમની સારવાર કરતા હતા. વડિલની તબિયત વધુ લથડતા પરેશભાઈએ એમને ICUમાં રાખવા ભલામણ કરી. તબિયત વધુ ને વધુ બગડતા વેન્ટિલેટર પર રાખવાનું નક્કી થયું. એ વડિલ મોતની સોડમાં જ હતાં. પરેશભાઈ નર્સિંગહોમમાં એમની પાસે જ હતા. આ સમયે પરેશભાઈને વિચાર આવ્યો, કે અત્યારે આ વડિલ શું અનુભવ કરતા હશે ? એમનું અચેતન મન કોઇ દ્વિધા અનુભવતું હશે… કોઇ લેખાજોખા ચાલતા હશે… કે અગમ સાથે અનુસંધાન કરવા પ્રયત્નો ચાલુ હશે ! આ અવસ્થાએ એક શેર લખાયો…
‘ જીંદગી ને શ્વાસની ચૂપચાપ સંગત ચાલે છે,
હાલ ભીતરમાં પળો નીકટ ને અંગત ચાલે છે !’
ક્યા બાત કવિ! પુરૂ્ષની સ્વાભાવિક લાક્ષણિકતાને એક પુરૂષે સંપૂર્ણ ન્યાય આપ્યો છે. બહાર જતી વખતે પત્નિને બે મિનિટ પણ મોડું થાય તો અકળાઈ જતો પુરૂષ, રસોઇમાં સ્વાદફેર થાય ત્યારે નારાજ થઈ જતો પુરૂષ, પોતાની નાનીનાની જરૂરિયાતો માટે સ્ત્રી પર નિર્ભર રહેવા છતાં કોઇપણ કારણવશ ચલાવી લેવાનું આવે ત્યારે ધૂંધવાઈ જતો પુરૂષ ! આપણું સામાજિક વાતાવરણ જ એવું છે કે પુરૂષો અધિકાર ભોગવવો અને નારાજગી બતાવવી.. એ બન્નેને પોતાના જન્મસિદ્ધ હક માનતા હોય છે. અહીં જીવાઈ ગયું છે… અંતિમ પળો જીવાઈ રહી છે… કદાચ જીવાઈ ગયેલ જીવન ફરીને ફિલ્મની જેમ મનોચક્ષુ સામે પસાર થઈ રહ્યું છે… હવે નથી કોઇ અધિકાર, નથી કોઈ નારાજગી કે નથી કોઇ અકળામણ ! બસ, સમભાવે સ્થિરતાને વરવા મથી રહેલ એક વ્યક્તિત્વ ! ‘શ્વાસ આવે છે’ નો મતલબ છે કે એ મુકાશે ત્યાં સુધી એકાદ બે પળ સુધી જીવવું નક્કી છે. ખુદને ખુદ સાથે નિષ્પક્ષ સંવાદ કરવાનો છે. જે સત્યોથી જીવ આજીવન દૂર ભાગતો હશે, એ આ ક્ષણે સ્વીકારી લેવાથી જ કદાચ મુક્તિનો માર્ગ ખૂલી શકે… જીંદગીભર જાતથી દૂર રહેનાર હવે પોતાની નીકટ આવી રહ્યો છે. અહીં ‘ચૂપચાપ’ જેવો શબ્દપ્રયોગ કરીને કવિ મૃત્યુના સમયની વાતને વધુ ઘેરો રંગ આપવામાં સફળ રહ્યાં છે.
એક સપનું દર્દ નાહક જીંદગીને દઇ ગયું ;
ક્યાંક બસ નજદીકમાં સુખની જ રંગત ચાલે છે !
શ્વાસ છે તો સ્વપ્ન હોવાના ! જ્યાં સુધી એ પુરા ન થાય ત્યાં સુધી એને પુરા કરવાની મથામણ ચાલતી રહે. પણ કોઇ ઘડીએ એ સ્વપ્ન પુરું થઈ શકે એમ નથી એ વાતનો અહેસાસ થાય એ ક્ષણ આખી જીંદગીની મોજ લૂંટી જવા સક્ષમ હોય છે. અધૂરા સ્વપ્નોનો ભાર માણસને બેવડ વાળી દે છે. શાસ્ત્રોમાં કહ્યું જ છે કે ‘જે માણસ નિશ્ચિત વસ્તુઓનો ત્યાગ કરીને અનિશ્ચિત વસ્તુઓનું સેવન કરે છે એની નિશ્ચિત વસ્તુઓ નાશ પામે છે, અને અનિશ્ચિત વસ્તુઓ તો નાશ પામેલી હોય જ છે !’ વિટંબણા એ છે કે આ વસ્તુઓનું નિશ્ચિત અને અનિશ્ચિતમાં વર્ગીકરણ કરવાની કોઇ શિક્ષા આપણને મળતી નથી. જાતઅનુભવે જ એ સમજાય છે, અને વ્યક્તિ-વ્યક્તિએ આ અનુભવ વળી અલગઅલગ હોવાનો ! એટલે જ કોઇ સંપૂર્ણ સુખી હોતું નથી. આશા અને એ ફળ્યાનાં સુખ વચ્ચે પારદર્શક દિવાલ છે. જ્યાંથી સુખના ઝાંઝરનો રણકાર સંભળાય છે… સુખ આવતું દેખાય છે… પણ આપણે આ સુખ પામવા આપણી નિષ્ફળતાઓનાં ભારણને આ તરફ મૂકી દઈ આ દીવાલ કૂદી જવાનું સાહસ કેળવવું રહ્યું. ક્યારેક એવું ય બને કે હવે તો હાથવેંતમાં જ સુખ એની રંગત જમાવીને બેઠું છે એ સપનું સાચું ન પડે.. ત્યારે આ એક સપનું જ આખી જીંદગીને દર્દભરી કરી દેવા પુરતું થઈ પડે છે.
પરેશભાઇએ કહ્યું કે વડિલનો અંતિમ સમય આવી ગયો હતો. વેન્ટિલેટરની ચાંપ પાડી દઈએ એ જ ક્ષણે શ્વાસો બંધ થઈ જવાના હતા. એમના પરિવારના એક સદસ્ય બહારગામથી ભાવનગર આવવા રસ્તામાં હતા. એવું નક્કી થયું કે એ આવી જાય પછી વેન્ટિલેટર હટાવી લેવું. આ વાતની જાણ પરેશભાઈ, એમનાં મિત્ર, અને નર્સિંગહોમનાં ડૉક્ટર-આ ત્રણ વ્યક્તિ સિવાય કોઇને ન હતી. એકાદ કલાક રાહ જોવાની છે એ નક્કી હતું. ધીમેધીમે ભાવનગરમાં રહેતા એમના અન્ય સંબંધીઓ આવવા લાગ્યા. ICUમાં હજી પેશન્ટના શ્વાસ ચાલુ છે, અને બહાર બેટેલા સંબંધીઓએ સ્મશાનયાત્રાની તૈયારી તેમજ ઉઠમણું ક્યારે રાખવું એની ચર્ચા શરૂ કરી દીધી. પરેશભાઈ કહે છે કે આટલા વર્ષોથી આ ક્ષેત્રમાં છું, પણ સંવેદનાની ધાર આ હદે બૂઠી થયેલી તો ક્યારેય જોઇ નહોતી ! આ દર્દ મનમાં ખૂબ ઘૂંટાયા પછી આ શેર બનીને અવતર્યું.
મોત સાથે તો હજી ચર્ચા કરી છે દોસ્ત ત્યાં
નામ મારું આપના હોઠે દિવંગત ચાલે છે !
સંવેદનાથી આ હદે પરહરી ગયેલા આવા લોકોને સજીવોનું વર્ગિકરણ કરીએ ત્યારે ક્યા વિભાગમાં મૂકી શકાય ?
કવિએ આ ગઝલ ચાર શેરની જ રાખી છે. ચોથા/અંતિમ શેરમાં તેઓ લખે છે..
સાવ શ્રદ્ધા ડગમગી એવું નથી ઓ જીંદગી
કૈંક હમણાથી સમય મારો વિસંગત ચાલે છે .
આ જ સાચો આશાવાદ ! જીંદગીનું આવું વરવું સ્વરૂપ જોયા પછી પણ આ શેર આપીને કવિ જાત તેમજ ભાવકને નિરાશ થતા અટકાવી દે છે. જાતને આશ્વસ્ત કરી શકીએ એનાથી ઉત્તમ બીજી કઈ વાત હોય ! ખુદની પીઠ થાબડવી શક્ય નથી. પણ એક હાથની હથેળીને બીજા હાથે ઉષ્માસભર દાબી તો શકાય જ. એકવાર ખુદને શાબ્બાશ કહેતાં આવડી ગયું પછી દુનિયા છો જખ મારે ! આમ પણ મિત્રો, નિરાશાની ચરમસીમાએ જ આશા પ્રગટતી હોય છે. કવિએ સમાજનું વરવું રૂપ જોયું ને જે વલોણે એમનું ભાવજગતને વલોવાયું છે, એના પરિણામ સ્વરુપે નવનીત સમો અંતિમ શેરમાં આશ્વાસન આપવાની એક રીત આપણી સમક્ષ મુકાઈ છે. ‘હમણા મારો સમય વિસંગત ચાલે છે’ કહીને ગમે એવી મુશ્કેલીઓમાં ટકી જવા જોમ મળે છે. અને પછી ‘આ સમય નહીં રહે’નું આશ્વાસન આપમેળે જ મળતું રહે છે.
આવી સરસ ગઝલ આપવા માટે આપનો ખુબખુબ આભાર પરેશભાઈ.
મિત્રો, કાવ્યપત્રીમા સમાવિષ્ટ કવિતાઓ જે-તે કવિ ખુદ પસંદ કરીને આપે છે. આપણે આ કવિતા લખતી વખતે કેવા સમયમાંથી કવિ પસાર થયેલા એ જાણ્યા પછી કવિતા માટે આપણી દ્રષ્ટિ કેવી બદલાય છે એ જોવાનું છે. એવું બની શકે કે કોઇ કવિની ખુબ જાણીતી કવિતા વાંચીને જે રીતે અપણે સમજ્યા હોઇએ, એ સમજૂતિ કવિની કેફિયત સાંભળ્યા પછી બદલાઈ પણ જાય.
આપનું સતત મળતું પ્રોત્સાહન મારા માટે મૂલ્યવાન છે. અભિપ્રાય આપતા રહેશો.
ફરી મળીશું આવતા બુધવારે…
નેહા પુરોહિત.