* કાવ્યપત્રી *
ઈશ્વરે આપણને સંવેદનશીલ બનાવીને મોટો ઉપકાર કર્યો છે, સામે પક્ષે દરેક વ્યક્તિ માટે સંવેદનાનું સ્તર અલગ અલગ રાખીને મોટી વિટંબણા ઊભી કરી છે. અતિ સંવેદનશીલ વ્યક્તિનો પનારો ઓછી સંવેદનશીલ વ્યક્તિ સાથે પડે ત્યારે બેઉને સહન કરવું પડે છે. માત્ર પતિ પત્નીના સંબંધોમાં જ નહિ, જિંદગીનો મોટો ભાગ જેની સાથે પસાર કરવાનો છે એ દરેક સંબંધને એ લાગુ પડે છે.
આજે કાવ્યપત્રીમાં આવી જ વાત લઈને આવ્યાં છે યામિની વ્યાસ! એ પેથોલોજી લેબમાં સેવા આપીને હમણાં જ નિવૃત્ત થયાં છે. મારી સાથે વાતચીત કરતા કહે કે મારે તો દુઃખથી પીડાતા લોકો સાથે જ કામ પાર પાડવાનું રહેતું. સીમર હોસ્પિટલમાં હોવાથી ગરીબ, અશિક્ષિત દર્દીઓ સાથે વધુ પનારો પડે. નાનકડાં ભૂલકાને મોત સામે જંગ ખેલતું જોવું બહુ અઘરું છે. એકવાર તો દરદીની નસમાંથી લોહી લીધું, અને એનાં શ્વાસ છૂટી ગયા. ખૂબ ભાવુક થઈને કહે કે ‘મારા હાથમાં એનું લોહી હજી થીજ્યું ન હતું અને એની જિંદગી પુરી થઈ ગઈ! એ ઘડિ આજે પણ યાદ આવે ને હું અસ્વસ્થ થઇ જાઉં છું‘
સીમર હોસ્પિટલમાં કામ કર્યું હોવાથી કામનું ભારણ પણ ખૂબ રહેતું. દરદીની સાથે આવેલ વ્યક્તિ પણ ક્યારેક ખરાબ વર્તન કરી બેસે. આ બધું આખો દિવસ ચાલ્યા કરે. એનાં કારણે યામિની બહેનના સહકર્મિઓ કંટાળી જાય . અંદરોઅંદર વાતચીત કરે ત્યારે પણ આ અસર દેખાય. ત્યારે વડીલ હોવાના નાતે યામિની બહેન એમને સમજાવે, કે માત્ર દર્દીઓ અને એના સગાવહાલાનાં વર્તન પર ધ્યાન આપવાના બદલે એમણે લેબની બહાર ઝૂલતાં વૃક્ષો પર, પંખીઓનાં ટહુકાઓ પર અને મોસમનાં બદલતાં મિજાજ પર નજર ઠેરવવી જોઇએ. આ કારકીર્દિ પસંદ કરી છે, ત્યારે પીડા અને કંટાળેલી વ્યક્તિઓથી છુટકારો મળે એ સંભવ જ નથી, ત્યારે શાતાદાયક બનતી પ્રકૃતિનાં શરણે જવામાં શું વાંધો? પણ આગળ કહ્યું એમ બધાની સંવેદનશીલતા કંઇ સરખી થોડી હોય! એ લોકો પોતાનો દ્રષ્ટિકોણ ન બદલે. પરિણામે લેબમાં તંગ અને કંટાળાભર્યું વાતાવરણ રહે.
આ સ્થિતિ મને કમને સહન કરવી જ રહી. દરદી અને એની સાથે આવેલા લોકોનો કકળાટ, ઉપરથી સહકર્મીઓનો ઉશ્કેરાટ- આ બેઉ વચ્ચે પીસાઇ રહેલા આજે આપણી કાવ્યપત્રીમાં પધારેલા કવયિત્રી યામિની બહેન આ ઉકળાટનો સામનો કરતા લખે કે –
ટહુકાઓને બાદ કરે જે શ્રાવણમાંથી,
એ માણસને બાદ કરી દો સગપણમાંથી !
ગુલમહોરની નીચે ઊભો હોય, કોઇની રાહ જુએ છે,
એને પૂછો : જોયું છે તેં, ફૂલથી જે ઝાકળ ચૂએ છે ?
પાછું પૂછો : નજરો એની લહેરાતા રંગો જૂએ છે ?
જવાબ બદલે કારણ શોધે કારણમાંથી
એ માણસને બાદ કરી દો સગપણમાંથી .
કોઈ અજાણ્યું પંખી એને આંગણ આવે તો ય ન નીરખે,
એવું તે શું, હસતું બાળક જોઇ ન હૈયું એનું હરખે,
એની આંખો આંસુઓ ને ચોમાસાનો ભેદ ન પરખે,
જેણે ઝરમર કદી ન ઝીલી શ્રાવણમાંથી,
એ માણસને બાદ કરી દો સગપણમાંથી !
પોતાના ને પોતાના જ ટોળામાં ફરતો લાગે છે,
રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે છે,
ભાવ વિનાનાં શબ્દો જાણે પથ્થર થૈને વાગે છે,
બહાર કદીએ નહીં આવે જે દર્પણમાંથી..
એ માણસને બાદ કરી દો સગપણમાંથી.
~ યામિની વ્યાસ
ટહુકાઓને બાદ કરે જે શ્રાવણમાંથી,
એ માણસને બાદ કરી દો સગપણમાંથી !
જિંદગી જેવી મળી છે એમાં જ આનંદ લેતા શીખી જવાનું છે. શ્રાવણમાં ધાર્યો વરસાદ થયો હોય તો પ્રકૃતિ એની ચરમે કોળાઇ હોય. પંખીઓ ટહુકા કરતા હોય. ત્યારે ગારો અને કીચડ થયાની ફરિયાદ લઇને બેસનારાની યાદી કરીએ તો મોટી થાય એમ છે. અને જે વ્યક્તિ પ્રકૃતિથી વિમુખ થઈને જીવતી હોય એની સાથે જીવવું દુષ્કર છે. એની સાથે રહીને સોરવાયા કરીએ એનાં કરતાં એની સાથેનું સગપણ તોડીને જીવવામાં જ લાભ છે.
ગુલમહોરની નીચે ઊભો હોય, કોઇની રાહ જુએ છે,
એને પૂછો : જોયું છે તેં, ફૂલથી જે ઝાકળ ચૂએ છે?
પાછું પૂછો : નજરો એની લહેરાતા રંગો જૂએ છે?
જવાબ બદલે કારણ શોધે કારણમાંથી,
એ માણસને બાદ કરી દો સગપણમાંથી .
વૈશાખી બપોરના તાપ કરતા પણ પ્રતીક્ષાનો તાપ વધુ આકરો હોય . પ્રિય વ્યક્તિનાં આવવાની પળો નજીક આવતી હોય ત્યારે ગુલમોરી છાંય જેવી શીતળતા ક્યાં મળે ? ખરે તો તાપ જીરવીને કેમ જીવવું એનું પ્રત્યક્ષ ઉદાહરણ ગુલમોર કરતા વિશેષ શું હોઇ શકે ! પણ સંવેદનોની દુનિયાથી જોજનવા છેટે રહેતા લોકોને પોતે જેની છાંયામાં રહીને તાપ ખાળી રહ્યા છે એના માટે પણ બેદરકાર જોવા મળે છે. પોતાનો હેતુ સર થઇ જાય કે તરત આરક્ષિત રખનારને તરછોડી દે એવા લોકો પાસે ફૂલ પરથી સરતા ઝાકળની, કે વૃક્ષનાં પાનપાનથી લહેરાતા રંગોની પરવા ક્યાંથી હોવાની ! કદાચ એને આ બાબતમાં જાગૃત કરવા પ્રયત્ન કરીએ તો પણ એ બચાવનાં કારણો શોધી જ લાવશે. આવા માણસો સાથે લાગણીભર્યા સંબંધો રાખવા એ નરી મૂર્ખતા જ છે.
કોઈ અજાણ્યું પંખી એને આંગણ આવે તો ય ન નીરખે,
એવું તે શું, હસતું બાળક જોઇ ન હૈયું એનું હરખે,
એની આંખો આંસુઓ ને ચોમાસાનો ભેદ ન પરખે,
જેણે ઝરમર કદી ન ઝીલી શ્રાવણમાંથી,
એ માણસને બાદ કરી દો સગપણમાંથી.
ઘરના આંગણે પંખી આવે એ ઘરનાં સ્વસ્થ વાતાવરણની નિશાની છે. એમાં પણ રોજ ન આવતું હોય, આ પહેલા ક્યારેય ન જોયું હોય એવું અજાણ્યું પંખી આંગણે આવી ચડે તો સ્વાભાવિક કુતૂહલ થવું જોઇએ. એને મનભરી નીરખવા મન લલચાવું જોઇએ. એ જ રીતે બાળક ખિલખિલાટ હસતું હોય ત્યારે કોઇ પુષ્પથી કમ નથી લાગતું પણ હૈયાનાં દરિદ્રનારાયણો પર આવી ઘટનાઓની કોઇ અસર થતી નથી. કદાચ એનાં હ્યદયની સપાટી આ બિંબને ઝીલવા અસમર્થ હોય છે, અને આંખો દ્રષ્ટિ વગરની ! શ્રાવણ વરસે તો સૃષ્ટિ કોળે, ને આંખ વરસે તો સૃષ્ટિ ડૂબે ! પણ વરસતાં જળનો સ્ત્રોત આભ છે કે આંખ એ પારખવું આવા લોકો માટે અશક્ય હોય છે. કો’ક દિ’ શ્રાવણની ઝરમર ઝીલી હોય, કે દદડતું આંસુ પોતાની તર્જનીનાં ટેરવે ઝીલ્યું હોય એ આ ભેદ સમજી શકે ! આ ભેદ ન સમજી શકનાર વ્યક્તિ હૂંફાળા સગપણને કોઇ રીતે લાયક નથી.
પોતાના ને પોતાના જ ટોળામાં ફરતો લાગે છે,
રસ્તો પૂરો થાય છતાં પણ આઠ પ્રહર જે ભાગે છે,
ભાવ વિનાનાં શબ્દો જાણે પથ્થર થૈને વાગે છે,
બહાર કદીએ નહીં આવે જે દર્પણમાંથી..
એ માણસને બાદ કરી દો સગપણમાંથી.
સમાજમાં બે હાથ, બે પગ અને માથું લઈને ફરતા ટોળામાંથી આપણે જેની વાત કરી રહ્યા છીએ એવા માણસને પારખવાની એક સચોટ રીત ત્રીજા બંધમાં કવયિત્રી આપે છે. એ કહે છે કે આવો માણસ એકલવાયા રહેવાનું પસંદ કરે છે. ખુદ જાણે કે એકલતાનું ટોળું બની જાય છે. પોતાને જે જોઇએ છે એ મળી જાય, જીવનનાં મુકામો સર થઇ જાય તો પણ એ સંતોષની એને અનુભૂતિ હોતી નથી, ને એ સતત દોડ્યા કરે છે. એની સાથે વાત કરવા પ્રયત્ન કરો તો પણ એનાં સંવેદનશુષ્ક શબ્દો અપણને તો પથ્થરની જેમ વાગે ! ખૂબ જ સૂક્ષ્મ વાત અહિ સહજ રીતે કવયિત્રી કહી જાય છે, કે આવી વ્યક્તિ તમારા જેવી જ હોવાનો દંભ તો કરી જાણે છે, પણ પોતાના સ્વભાવ વિરુદ્ધ જઇ શકતી નથી. જાણે કે તમારું જ પ્રતિબિંબ લાગવા છતાં તમારી તદ્દન વિરુદ્ધ પ્રકૃતિ ધરાવે છે. ને એ પોતાની આ પ્રકૃતિ કોઇ પણ ભોગે છોડતી જ નથી. ‘બહાર કદીએ નહીં આવે જે દર્પણમાંથી’ ! ક્યા બાત યામિની બહેન !!
સમાજમાં રહેતા હોવા છતા પોતાનાં જ વર્તૂળમાં ઘડિયાળનાં કાંટાની માફક દોડ્યા કરતા આવા વિશેષ વ્યક્તિત્વો સામે અંગુલિ નિર્દેશ કરતું આવું સુંદર ગીત અમારી સાથે શેર કરવા બદલ ખૂબખૂબ આભાર યામિની બહેન ! તમારી લાગણીઓ અમારી સાથે વહેંચીને અમારી કૉલમમાં સાથ આપ્યો એ માટે શન્યવાદ.
મિત્રો, ફરી મળીશું… આવતા બુધવારે…
- નેહા પુરોહિત