* કાવ્યપત્રી *
મિત્રો, કવિતા લખવી એટલે કાગળ પર કાળજું ઉતારવું. ખૂબ જ સંવેદનશીલ હોવું એ કાવ્ય સર્જનની પાયાની જરૂરિયાત છે. એ જ રીતે શ્રેષ્ઠ શિક્ષક પણ ખૂબ સંવેદનશીલ હોવો જોઇએ. જ્યારે શિક્ષક કવિતા લખે, અને એ પણ પોતાની નિવૃત્તિના અવસરે, ત્યારે એ કાવ્ય કેવું સુંદર હોય !
કાવ્યપત્રીમાં આજ આપણી સાથે છે કવિ કિશોરભાઈ બારોટ. આગળની વાત એમના જ શબ્દોમાં…
પ્રાથમિક શિક્ષક તરીકે 35 વર્ષ બાળકોના સાનિધ્યમાં જીવવાનું સૌભાગ્ય મળ્યું. નોકરી માત્ર ત્રણ જ ગામમાં પુરી કરી. ત્રણ શાળામાં અનુક્રમે 7, 14 અને 14 વર્ષ નોકરી કરી એટલે દરેક બાળકો સાથે ભરપૂર આત્મીયતાભર્યા સબંધો બંધાયા. આ નોકરીના વર્ષો બોજને બદલે મોજ સ્વરૂપે ક્યારે વીતી ગયા તે ખબર ના પડી. દરેક નોકરીયાત નિવૃત્તિની રાહ જોતો હોય. જયારે મારી નિવૃત્તિની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેને મન વિષાદ ઘેરું બનતું ગયું. શાળાનાં પ્રાંગણમાં જે છોડવાઓ વાવ્યા હતા તે ઘેઘુર વૃક્ષ બની ગયા હતા. એજ રીતે જેને વિદ્યાર્થી તરીકે ભણાવ્યા હતા તેમના સંતાનો આજે મારી પાસે ભણતા હતા. હજારો ખટમીઠા સંભારણાઓ ફરી તાદ્રશ્ય થતા હતા. કિલકિલાટભર્યા શૈક્ષણિક વાતાવરણ છોડી સાવ પ્રવૃત્તિહીન નિવૃતમય જિંદગી કેમ જીવાશે તે એક મોટો પ્રશ્નાર્થ મનને મૂંઝવતો હતો. એ હૃદય વલોણાંના નવનીત સ્વરૂપે આ ગીત ઉતરી આવ્યું.
નિવૃત્ત થતા શિક્ષકનું ગીત
હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ
રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું.
ભૂલીને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું.
મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ
આંગળીમાં ઉગાડયા અક્ષર મરોડ અને કંઠોમાં ઘડિયાના સુર
ગાંધી અશોક બુદ્ધ શિવાજી કલાસ મહીં પ્રગટેલા હાજરાહજૂર
મોહન-જો-ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જશે મારો ઈતિહાસ
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ
નીરખી લઉં એક એક ઓરડાને મનભરી સ્પર્શી લઉં બારી ને બારણાં.
ફાગણમાં ફૂલ હોય ડાળી પર એમ, અહીં કણકણમાં લાખો સાંભરણાં
કાળ તણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ.
– કિશોર બારોટ
રોજ શાળા છૂટ્યાનો ઘંટ વાગે ત્યારે બાળકો કંઈક નવું શીખીને ઘર ભણી દોટ મુકતાં હોય. એમની જાણ બહાર એમનાં જ્ઞાનકોશમાં ઉમેરણ થઈ ગયું હોય વિદ્યાર્થિનાં જીવનમાં રોજ રોજ ચપટીક અજવાળું રેડતા એક શિક્ષક માટે આજે શાળા છૂટ્યાનો ઘંટ એમની ફરજ નિવૃત્તિની છડી પોકારી રહ્યો છે. ત્યારે કર્મનિષ્ઠ શિક્ષકનું હ્યદય ધબકારો ચૂકી જાય છે.
એક એક બાળકનાં મનનો અભ્યાસ કરીને એને જીવન સંગ્રામમાં લડી શકવા તૈયાર કરવો એ નાનીસૂની વાત નથી. સામા પક્ષે શિક્ષક પોતે પણ કેટલું બધું શીખે છે. બાળકોનાં જીવનમાં અજવાળું ફેલાવતા ફેલાવતા જાતમાં સૂરજ પ્રગટી જાય છે. બીજા દિવસે શાળાએ આવવાનું નથી, જાતમાં ઝળહળતો સૂરજ હવે દિવસે દિવસે ઝાંખો પડશે એ વાતનો સ્વીકાર કેમ કરવો ? કવિ બોલી ઊઠે છે કે –
હૈયાંનાં દફતરમાં કાળજીથી સંઘરું હું કલરવનો કૂણો અજવાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ
રમતાં રમતાં લડી પડવું.. રડી પડવું.. રીસાઈ જવું … ને એક જ પળમાં એ બધું ભૂલીને ફરી હસતા રમતા પૂર્વવત થઈ જવું બાળક માટે સહજ છે, પણ આપણા માટે કેવું અઘરું !કોઇનું વર્તન ન ગમ્યું, તો કહેવામાં સો જાતનાં વિચાર કરીએ. એને માઠું લાગી જવાનો ભય તો એકધારો રહે. ગુસ્સો આવ્યા પછી જે-તે વ્યક્તિને ઝઘડો થવાનો ભય રાખ્યા વગર એ લાગણી વ્યક્ત કરી દેવી થોડીવાર રીસાઇને વળી આપોઆપ મનાઇ જવાની ઘટના કેટલાં વર્ષો પૂર્વે ઘટેલી એ યાદ કરીએ તો આંખ ભીંજાઈ જાય ! બાળકો માટે આ સહજ છે, એટલે જ કવિ કહે કે બાળકની આંખમાં ઈશ્વરનો વાસ એમણે જોયો છે. શિક્ષકને ક્યારેય મંદિરે જવાની જરૂર હોતી નથી…
રમવું ને લડવું ને રડવું ને રીસાવું પળભરમાં સઘળું એ ભૂલવું.
ભૂલીને સ્મિત તણી ફેલાવી પાંખડીઓ, તાજા ગુલાબસમું ખૂલવું.
મંદિરમાં નહીં, મેં તો બાળકની આંખોમાં જોયો છે ઈશ્વરનો વાસ.
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ
બાળક જે દિવસે શાળાએ દાખલ થાય ત્યારે સાવ કોરી પાટી જેવું મન લઈને આવતું હોય છે. એની કૂમળી વેલ જેવી આંગળીઓની વચ્ચે લેખિની પકડાવવી એ બહુ જહેમત માગી લે એવું નાજુક કાર્ય છે. ભાર વગરનું ભણતર આપતી શાળાઓની મુલાકાતે જઈએ ત્યારે ત્યાં કેળવાયેલા શિક્ષકો આ કાર્ય એવું સલુકાઇથી કરતા હોય કે આપણને અચરજ થાય ! બીજા અંતરાની પ્રથમ પંક્તિ જે કહે છે એજ રીતે આ કાર્ય થતું મેં જોયેલું છે. એ લોકો અક્ષર ‘લખો’ ને બદલે ‘દોરો’ શબ્દ પ્રયોગ કરે છે. અને નિરસ ઘડિયા એવા મજાના રાગમાં ગવડાવે કે બાળકોને રમત રમતમાં યાદ રહી જાય !પાઠ ભણાવતી વેળા શિક્ષક ખુદ ઐતિહાસિક પાત્રોને વર્ગખંડનાં સ્ટેજ પર ખડા કરી દેવામાં માહેર હોય છે. આ બધું બીજા દિવસથી હૈયાનાં કોઇક ખૂણે દબાઈ જવાનું છે. આજસુધી ઐતિહાસિક પાત્રોને વર્ગમાં જીવંત કરી દેનાર ખુદ આવતીકાલે શાળામાં ઇતિહાસ બની જશે એવાત ખૂબ હ્યદયદ્રાવક છે.
આંગળીમાંઉગાડયા અક્ષર મરોડ અને કંઠોમાં ઘડિયાના સુર,
ગાંધી અશોક બુદ્ધ શિવાજી કલાસ મહીં પ્રગટેલા હાજરાહજૂર.
મોહન-જો-ડેરોમાં ફેરવાશે સઘળું ને થઈ જશે મારો ઈતિહાસ,
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ.
અંતિમ બંધમાં કારુણ્ય પરાકાષ્ટા એ નીતરી રહ્યું છે. ‘છેલ્લોદિવસ’ – આ શબ્દ સ્વીકારવો કેવો અઘરો પડે એ તો જેણે અનુભવ્યું હોય એ જ સમજી શકે. આજે છેલ્લીવાર પોતે અધિકારપૂર્વક શાળામાં પ્રવેશે છે, શાળાનાં આંગણાથી લઈને વર્ગખંડ, પાટિયું અને ચૉક-ડસ્ટર સુદ્ધાં પોતાના હોય એવું લાગે છે. આજ શાળામાં જે બાળકોને ભણાવ્યાં એ પોતપોતાના જીવનમાં ગોઠવાઈ ગયા છે. અમુક વિદ્યાર્થિઓના તો બાળકો હવે શાળાએ આવતા થઈ ગયાં છે. કેટકેટલી યાદીઓ પોતાને વિંટળાઈ વળી છે. કવિ અહિ ખૂબ સુંદર રુપક પ્રયોજે છે. કહે છે કે ફાગણમાં ડાળપર લથબથ ફૂલો હોય એમ શાળાનાં એક એક કણમાં લાખો સંભારણા સમાયા છે. સામાન્ય તાસ બદલે એ જ ઘંટ વાગે છે, કવિને આજે એકાળ ખુદ આવીને ઘંટ વગાડીને પોતાના જીવતરનો તાસ બદલાવી રહ્યો હોય એવી લાગણી ઘેરી વળી છે. સ્મરણોને જાણે બચકે બામ્ધવા હોય એમ એકે એક ઓરડાને મન ભરીને નીરખી લેવો છે, અને બારી-બારણાને સ્પર્શી લઈ જાણે જાત અહીં રેડી દેવા કરે છે.
નીરખી લઉં એક એક ઓરડાને મનભરી સ્પર્શી લઉં બારી ને બારણાં,
ફાગણમાં ફૂલ હોય ડાળી પર એમ, અહીં કણકણમાં લાખો સાંભરણાં.
કાળ તણા હાથ વડે વાગ્યો છે બેલ અને બદલાયો જીવતરનો તાસ,
શાળાનો છેલ્લો આ દિવસ છે કાલથી તો વેઠવાની કાયમી અમાસ.
નિવૃત્ત થતા કોઇપણ કર્મચારીને સ્પર્શી જાય એવું ગીત અમને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ.
મિત્રો, કાવ્યપત્રીમાં આજે આટલું જ… ફરી મળીએ આવતા બુધવારે…
- નેહા પુરોહિત