* કાવ્યપત્રી *
‘ચાલ, પલળીએ!’
મને વર્ષાનું વળગણ છે. ઈ.સ.૨૦૦૦માં પ્રકાશિત મારા ગીતસંગ્રહનું નામ પણ ‘ચાલ, પલળીએ!’ છે. જેમાં વર્ષા વિષયક અનેક ગીતો છે. કોઈ ફિલ્મી ગીતની ધૂન કે ઝબકારાની જેમ આવતો વિચાર કે કોઈ ચિત્ર કે કોઈ દૃશ્યને કારણે ચિત્તમાં સળવળાટ થાય છે અને પછી એ સંવેદનન એને અનુરૂપ સાહિત્ય સ્વરૂપમાં ઢળે છે.
આ ગીતની ધ્રુવપંક્તિ પણ એમજ આવી છે. સાયકલ પર જતો હતો અને મોટા ટીપે વરસાદ શરૂ થયો. ઘડીભરમાં તરબોળ કરી દીધો. અચાનક નજર ઊંચે ગઈ અને એક બંગલાની બાલ્કનીમાંથી હાથ લંબાવીને માત્ર હથેળી પર વરસાદને ઝીલતી એક છોકરી જોઈ ન જોઈ અને સાયકલ આગળ વધી ગઈ. બસ આટલી ક્ષણોમાં જોયેલું આ દૃશ્ય! પેડલનો લય! અને પંક્તિ આવી!
વાછટમાં ભીંજાવાથી શું વળે?
પછી આ પંક્તિ ગણગણતો ઘેર પહોચ્યો. નજર સામે મદમસ્ત નાયિકા તરવરવા લાગી. નાયિકા પર વરસાદની અસર તો થાય પણ નાયિકાની કમનીય કાયા અને એના અંગ મરોડની વરસાદ અને સમગ્ર સૃષ્ટિ પર શી અસર થાય તે મારે રજૂ કરવું હતું. તે રાત્રે પહેલો અંતરો આવ્યો અને પછીના દિવસે આ ગીત આ રૂપમાં તૈયાર થયું.
નાયિકાને ખુલ્લેઆમ પલળવાનું ઈજન.નાયિકા દ્વારા સ્વીકાર. નાયિકાની ભીંજાયેલી મદમસ્ત કાયાનું કામણ. વરસાદી વાતાવરણ.
આ બધું આમ આવ્યું પછી તો-
ગીત : પલળ તું ખુલ્લા ગગન તળે
વિજય રાજ્યગુરુ
વાછટમાં ભીંજાવાથી શું વળે?
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
શરમ-બરમ ને ભરમ ફગાવી આવ ઉઘાડા નભની નીચે, વાળ કછોટો તાણી!
તારી લીસ્સી પીંડી પરથી સરકીને બેકાબૂ થાશે આજ ગગનનાં પાણી!
તદ્દન છુટ્ટા કેશ મૂકજે લેજે રે અંગડાઈ!
તને જોઈને સઘન મેઘ પણ જાશે રે શરમાઈ!
તને નહાતી જોઈ આખ્ખું આભ તુર્ત ઓગળે-
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
વાછટમાં ભીંજાવાથી શું વળે?
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
ખળખળવંતી ચાલે ઝાંઝર પ્હેરી એવું ચાલ, સામટું આભ ગબડતું આવે!
તોફાની વરસાદ તને તરબોળ કરે ને ભીતરમાં ઘેઘૂર પૂર છલકાવે!
આખ્ખુંયે આકાશ ઘડીભરમાં ખાલી થઈ જાશે!
મેઘધનુના તંબૂમાં તારી વાતો ચર્ચાશે!
તારા સ્પર્શે જળ રોમાંચિત થાય અને ખળભળે-
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
વાછટમાં ભીંજાવાથી શું વળે?
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
ગીતની શરૂઆત જ એવી કે ભાવકનાં મનમાં શક્યતાઓનો ગોરંભો બંધાઈ જાય.
વાછટમાં ભીંજાવાથી શું વળે?
અહીં કવિ ફક્ત અંત્યાનુપ્રાસ મેળવવામાં અનુકૂળ હોય એ માટે શબ્દ પ્રયોજે, તો ‘મળે’ શબ્દ પણ ચપોચપ બેસે જ! ‘વળે’ શબ્દ વાપરી, કવિએ નાયિકાને વાછટનો મોહ છોડીને આભથી વરસી રહેલ અખંડ જલધારાઓમાં તરબોળ થઈ જવા માટે ઉશ્કેરી છે. ‘ભીંજાવું’ છોડીને ‘પલળી’ જવાની મોજ લેવાની વાત બે પંક્તિમાં સમાંતરે રાખીને કવિ પોતાની વાતને વેગવંતી બનાવે છે. ‘વાછટ’ શબ્દ જ બતાવી દે છે કે નાયિકા કોઈ છત નીચે ઊભી છે. કાવ્યરસ રેલાવતી બીજી પંક્તિ ‘પલળ તું ખુલ્લાં ગગન તળે’ આવે, ને આપણા મનચક્ષુ સામે ધોધમાર વરસાદ સાક્ષાત થાય છે.
કોઇ પુરૂષે સ્ત્રીને વરસાદમાં પલળવા માટે આપેલા ઈજનની આ કવિતા છે. આથી પહેલા અંતરાની શરુઆત ખૂબ રસાળ શૈલીમાં કરતા કવિ લખે છે કે,
શરમ-બરમ ને ભરમ ફગાવી આવ ઉઘાડા નભની નીચે, વાળ કછોટો તાણી!
‘શરમ’ સાથે ‘બરમ’ શબ્દ હવે કવિતાનાં બિનદાસ્ત વાતાવરણમાં પ્રવેશવા માટેનો દરવાજો છે. શરમ-બરમ ફગાવી દઈ, મનમાં કોઈ જ ભ્રમ રાખ્યા વગર, લહેરાતા પાલવ કે ઓઢણીને હવે તાણીને કમર પર ખોંસવાની વાત આવે ત્યારે ભાવકનાં મનઃચક્ષુ સામે અજંટાનું વિશ્વવિખ્યાત શિલ્પ સહજ રીતે પ્રગટ થાય.. આવી કમનિય નાયિકા જ્યારે ખુલ્લાં આકાશ નીચે પલળી જવા આવે ત્યારે ખુદ પ્રકૃતિ એની અસર હેઠળ આવ્યા વિના રહેશે ખરી?
આકાશેથી ધોધમાર વરસતું પાણી નાયિકાને નખશીખ ભીંજવે અને પગની પીંડી પરથી સરકીને વહી જાય એ દ્રષ્યને વધુ રસીલું બનાવવા કવિ કહે કે :
તારી લીસ્સી પીંડી પરથી સરકીને બેકાબૂ થાશે આજ ગગનનાં પાણી!
ચિત્રકાર ચિત્ર બની ગયા પછી જેમ છેલ્લે એકાદવાર પીંછીનો લસરકો મારી દે એમ કવિ લખે કે,
તદ્દન છુટ્ટા કેશ મૂકજે લેજે રે અંગડાઈ!
હવે આખું શબ્દચિત્ર સંપૂર્ણ બને છે. છુટ્ટા કેશ રાખીને, તાણીને કછોટો વાળ્યો હોય એવા વસ્ત્રપરિધાન કરેલી સુંદર નાયિકા ખુલ્લાં ગગન નીચે ધોધમાર વરસાદમાં ભીંજાઈ રહી છે!
ને એની અસર આસપાસની પ્રકૃતિને થયા વગર રહે કે?
તને જોઈને સઘન મેઘ પણ જાશે રે શરમાઈ!
મેઘ શબ્દ પુરુષવાચક છે. પુરુષ અને શરમ ?! પ્રથમવાર પ્રણયની ઘટના બને ત્યારે કુતૂહલ અને ત્યાર બાદ મીઠી શરમનો ભાવ પુરુષ પણ અનુભવતો હોય છે. યુગોયુગોથી વરસતા મેઘ માટે ય આ પ્રથમ અનુભવ છે, કે કોઇ સૌંદર્યસામ્રાજ્ઞી વરસી રહેલા મેઘમાં પોતાની જાત તરબોળ કરવા આવી છે. આમ કહીને કવિતાને એક ઊંચાઈ આપવામાં કવિ સફળ રહ્યા છે.
મેઘનો પુરુષ સ્વભાવ હવે પૂર્ણ પ્રગટ થાય છે.. કવિ લખે છે કે,
તને નહાતી જોઈ આખ્ખું આભ તુર્ત ઓગળે-
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
ક્યા બાત !
ખળખળવંતી ચાલે ઝાંઝર પ્હેરી એવું ચાલ, સામટું આભ ગબડતું આવે!
તોફાની વરસાદ તને તરબોળ કરે ને ભીતરમાં ઘેઘૂર પૂર છલકાવે!
આખ્ખુંયે આકાશ ઘડીભરમાં ખાલી થઈ જાશે!
મેઘધનુના તંબૂમાં તારી વાતો ચર્ચાશે!
તારા સ્પર્શે જળ રોમાંચિત થાય અને ખળભળે-
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
બીજા અંતરામાં કવિકર્મ ઓર ખીલ્યું છે. પાણીમાં ભીના થયેલા ઝાંઝરનો રણકાર બોદો થઈ જાય. અહિ કવિ ખળખળવંતી ચાલ એવો શબ્દપ્રયોગ કરે છે. પુરુષ અને સ્ત્રીનાં મધૂર દાંપત્યની ચાવી અહિ એકદમ કલાત્મક રીતે આપણી સમક્ષ રખાઈ છે. ધોધમાર વરસતા વરસાદને પોતાનો એક નાદ હોય છે. નાયિકાએ આ વરસાદમાં એક જગ્યાએ ઊભા રહીને ભીંજાયે રાખવાનું નથી. એણે પલળવાનો આનંદ લેતાલેતા પોતાની ગતિ ચાલુ રાખવાની છે. સાથે જ પોતાનાં પદરવથી મેઘના અસલ નાદને ખલેલ ન પહોંચે એ ય જોવાનું છે. આ બધું તો જ શક્ય બને જો નાયિકા વહેતા પાણીનાં ખળખળ સાથે પોતાનો પદરવ એકરૂપ કરી દે. જો આમ કરવામાં નાયિકા સફળ રહી તો પછી આખું આકાશ નાયિકાનાં પગમાં ગબડતું આવી જશે. વરસાદ પણ તોફાની બનશે, ને તારાં હ્યદયમાં પણ ઘેઘૂર પૂર છલકાશે.. આકાશ જ્યારે આપવા બેઠું હોય ત્યારે અધૂરપ ક્યાંથી રહેવાની ? પોતાની પાસે જે કંઇ છે એ બધું જ નાયિકા પાસે ઠાલવીને આકાશ ઘડીભરમાં તો ખાલી થઈ જશે !
વરસાદ થંભ્યા પછી યોગ્ય ખૂણે સૂર્ય પ્રકાશતો હોય તો જ મેઘધનુ રચાય. એનો કમાન આકાર કવિને તંબુ જેવો ભાસે છે. ત્યારે એમાં વાસ કરનાર નિઃશંક દેવો જ હોય- એ કલ્પના કરી લેવાનું કવિએ ભાવક પર છોડી દીધું છે.
જ્યારે આવું ઉત્તમ પ્રકારે દાંપત્ય જીવાઈ રહ્યું હોય ત્યારે એની ચર્ચા તો દેવલોકમાં પણ થાય ! આગળની પંક્તિમાં જે જળનો ઉલ્લેખ થાય છે એનો સંબંધ નાયકનાં અંતરમન સાથે સ્થપાય છે. આવી વ્યક્તિ જીવનમાં આવે તો ભીતરનો રોમાંચ ક્ષણભર ન રહેતાં આખું મન ખળભળી જાય.. પૂર્વગ્રહો તૂટે… અને પવિત્ર સૌમ્ય વરસતાં ગગન જેવાં સમય તળે ભીંજાયા કરીએ…
હજી નાયિકા પલળવા રાજી થઈ કે નહીં એ જાણવાની ભાવકની ચાહ ધ્રુવપંક્તિનાં એ જ શબ્દો અકબંધ રાખે છે, જેણે આપણ ભાવકોને આ વરસાદી ભાવવિશ્વમાં સહજ પ્રવેશ કરાવ્યો હતો..
વાછટમાં ભીંજાવાથી શું વળે?
પલળ તું ખુલ્લા ગગન તળે…પલળ તું ખુલ્લા ગગન તળે…
આખી કવિતા ખૂલ્યાં પછી શૃંગારિક લાગતી આ પંક્તિઓ હવે જીવનનું સત્ય ઊઘાડી આપતી દેખાય છે. ઉપરછલ્લી લાગણીઓથી જીવવાનો કોઈ મતલબ નથી. વરસવું ય ધોધમાર, ને પલળવું પણ નખશીખ!
વિજયભાઈ, આવું સુંદર ગીત આપવા માટે આપનો આભાર માનું છું.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
- નેહા પુરોહિત