દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘કાન્હાનું કામ, દુધનું દાન’ યોજનાનો પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બેટ દ્વારકામાં રૂ.૧૪.૪૩ કરોડના વિકાસ કામો અને કુપોષણમુક્તિના ધ્યેય સાથે નવતર અભિયાન કાન્હાનું કામ – દૂધનું દાનનો પ્રારંભ કરાવતાં જળ સંચય અભિયાનથી દુકાળ ભૂતકાળ બનશે તેવો સ્પષ્ટ વિશ્વાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, ધોમધખતા તાપમાં આ અભિયાનમાં થઇ રહેલું શ્રમદાન અને પરિશ્રમનો પરસેવો આગામી ચોમાસામાં જળ સમૃધ્ધિનું અમૃત બનશે જ.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે ‘કાન્હાનું કામ દુધનું દાન’ યોજનાનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આગેવાનો અને વહિવટીતંત્રના સહયોગથી દૂધ મંડળીઓનું વધારાનું દુધ ૩૦૦ આંગણવાડી કેન્‍દ્રોમાં ૧૩ હજાર બાળકોને આપવામાં આવશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કેન્દ્ર સરકારની ‘‘હ્રદય યોજના’’ અન્‍વયે બેટ દ્વારાના રૂા.૧૪ કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-તકતી અનાવરણ કરીને ખાતમુહુર્ત કર્યું હતું.

અત્રે ઉલ્‍લેખનીય છે કે કેન્‍દ્ર સરકારના વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્‍કૃતિક કેન્‍દ્ર સમાન ૧૨ શહેરોમાંથી તીર્થધામો પૈકી ગુજરાતમાંથી દ્વારકા તીર્થધામની પસંદગી ‘હેરીટેજ સીટી ડેવલપમેન્‍ડ એન્‍ડ હ્રદય’ તરીકે ઓળખાતી યોજનામાં સમાવેશ કરેલ છે. આ કેન્‍દ્રોમાં માળખાગત સુવિધાઓના વિકાસ તથા પ્રવાસીઓની સુવિધા-સુખાકારીના વિકાસ કામો હાથ ધર્યા છે.

આજે દ્વારકા ખાતે ધારાસભ્ય પબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને કોટી વિષ્ણુ મહાયજ્ઞ કથામાં ઉપસ્થિત વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં ૧લી મે થી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં ૧૩ હજાર તળાવોને ઉંડા ઉતારવા, ૩૨ નદીઓને પુનઃ જીવીત કરવા સહિતના જળ સંચયના કામો હાથ ધરવામાં આવેલ છે. જળ એ જીવન છે દુષ્કાળ ભુતકાળ બને અને ગુજરાત પાણીદાર બને તે માટે રાજય સરકારે જળ સંચય અભિયાન હાથ ધરેલ છે.

ભગવાન શીવની આરાધના માટે આ પવિત્ર પુરષોતમ માસમાં લોકોને ધર્મલાભ આપવા માટે યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞના આયોજન માટે ધારાસભ્ય પબુભા માણેકને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્‍યું હતું કે આ કથા દરમિયાન ૧૦ લાખ લોકો પ્રસાદનો લાભ મેળવશે અને આ શ્રીમદ ભાગવત કથા દ્વારા માનવજાતનું કલ્‍યાણ થશે તેવી મને શ્રધ્‍ધા છે.

Share This Article