અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અકીલ કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં બદલી કરવામાં આવતાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટેસ્ એસોસીએશન દ્વારા આજે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જસ્ટિસ અકીલ કુરેશની બદલીના વિરોધમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. એસોસીએશન તરફથી આ અંગેનો વિરોધદર્શક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અકીલ એ. કુરેશીની બોમ્બે હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજીયમે રાષ્ટ્રપતિને ભલામણ કરી છે. સુપ્રીમના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ એ.કે. સિક્રી અને જસ્ટિસ એસ.એ. બોબડે દ્વારા આ ભલામણ કરવામાં આવી છે.
ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક, લઘુમતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, ઓડ ગામના રમખાણનો કેસ અને રાઇટ ટુ એજ્યુકેશ હેઠળ જરૂરિયાતમંદ બાળકોને પ્રવેશ સહિતના કેસોમાં જસ્ટિસ એ.કે. કુરેશીએ અગત્યના ચુકાદાઓ આપ્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ અકીલ કુરેશીને તા.૭ માર્ચ, ૨૦૦૪ના રોજ એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તા.૧૨ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ તેમની નિયુક્તિ કાયમી જજ તરીકે કરવામાં આવી હતી.
તેમની નિવૃત્તિની તારીખ ૬ માર્ચ, ૨૦૨૨ છે, ત્યારે તેમને બોમ્બે હાઇકોર્ટમાં અચાનક ટ્રાન્સફર અપાતાં ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવાયો છે. હાઇકોર્ટ એડવોકેટસ એસોસીએશન દ્વારા આ મામલે વિરોધદર્શક ઠરાવ પસાર કરી આવતીકાલથી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે અને કામકાજથી અળગા રહેવા હાઇકોર્ટના વકીલોને અનુરોધ કરાયો છે.