જૂનાગઢનાં તોરણીયાની ગૌશાળામાં ૫૪૭ ગાયો ગૌવંશ લાપત્તા હોવાની ઘટનામાં મહાપાલિકાની બેદરકારી સામે આવી છે. ગૌશાળા સંચાલકે આજે જણાવ્યું હતુ કે, મહાપાલિકા તરફથી ૭૦૦ ગાયો નિભાવ માટે મળી હતી. તે પૈકી અશકત અને બિમાર ૪૦૦ ગાયોનાં મોત નિપજ્યા હતાં.
જયારે કેટલીક ગાયો વધુ સારસંભાળ રાખી શકાય તે માટે પરિચિતોને આપવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે, એક વર્ષમાં વાહન ભાડુ તેમ જ ઘાસચારા સહિતનાં નિભાવ ખર્ચ પેટે મનપાએ એક કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. આમ છતાં મનપાનાં સંબંધિત અધિકારીઓને ખબર ન્હોતી કે, કેટલી ગાયો મૃત્યુ પામી છે અને કેટલી પરિચિતોને આપી દેવાઈ છે. આ જોતા જૂનાગઢમાંથી પકડાતા પશુઓને રખરખાવ માટે થતાં ખર્ચમાં કૌભાંડની આશંકા પણ જન્મી રહી છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાંથી અલગ અલગ સમયે વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલી ગાય તથા ગૌવંશ મળી કુલ ૭૦૦ પશુઓને મનપાએ જૂનાગઢ તાલુકાના તોરણીયામાં આવેલી રામાપીર ગૌશાળા ટ્રસ્ટને આપવામાં આવી હતી.
એક વર્ષ દરમ્યાન ગૌશાળામાંથી ૫૪૭ ગાય-ગૌવંશ ગાયબ હતી. મહાપાલિકાના વેટરનરી તબીબ સહિતના સ્ટાફે તપાસ કરતા હાલ ૧૫૩ ગાય હોવાનું સામે આવ્યું હતું. આથી બાકીનો ૫૪૭ પશુ ગાયબ હોવા અંગે ગૌશાળાના સંચાલકને નોટિસ આપવામાં આવી હતી. એક વર્ષ દરમ્યાન બનેલી સમગ્ર ઘટનામાં અનેક પશુના મોત થયા છતાં ગૌશાળાએ મનપાને જાણ ન કરી અને મનપાએ ગૌશાળામાં નિભાવ માટે આપેલા પશુની કોઇ દરકાર ન લઇ તેણે પણ બેદરકારી દાખવી છે. ત્યારે બેદરકારી દાખવનારાઓ સામે પણ પગલા લેવામાં આવે એવી માંગ ઉઠી છે.