જૂનાગઢ મનપા ચૂંટણી પૂર્વે કોંગીનો ગજગ્રાહ સપાટીએ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ :                 જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી તા.૨૧ જુલાઈના રોજ બહુ મહત્વની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તે પહેલાં ફરી એકવાર કોંગ્રેસનો ગજગ્રાહ સામે આવતાં જૂનાગઢ મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ટિકિટ ફાળવણીને લઇને મોટો વિવાદ સામે આવ્યો હતો. જેને લઇ આખરે શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુ અમીપરાએ રાજીનામુ ધરી દીધુ હતુ, આ નિર્ણયને પગલે સ્થાનિક કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પ્રદેશ મોવડીએ મનમાની કરતા કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરા નારાજ હોવાની વાત સામે આવી રહી છે.

બીજીબાજુ, એવી ચર્ચાએ પણ ભારે જોર પકડયુ હતું કે,  ટિકિટ કપાવવાના કારણે અનેક કોંગ્રેસી ઉમેદવારો એનસીપીમાં જોડાયા છે અને ફોર્મ ભરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ મામલે પ્રાપ્ત માહિતી મુજબ, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરાએ મનપા ચૂંટણી માટે કેટલાક ઉમેદવારોના નામ સૂચવ્યા હતાં, પરંતુ તેમણે સૂચવેલા નામોની બાદબાકી કરવામાં આવી હતી. જેના કારણે તેઓ નારાજ થયા હતા. બીજી તરફ પ્રદેશ મોવડીઓ મનમાની કરી રહ્યાં હોવાની સાથે સાથે કોંગ્રેસ મોવડી એમ.કે. બ્લોચ ટિકિટ ફાળવણીના બદલામાં પૈસા માંગી રહ્યાં હોવાના ગંભીર આક્ષેપ હવે ઉઠી રહ્યા છે.

તાજેતરમાં જ એનીસીપીમાંથી ઉમેદવારી નોંધાવનારા કોંગ્રેસના નગરસેવક અડ્રેમાન પંજાએ પૂર્વ મંત્રી અને અગ્રણી એમ.કે. બ્લોચ સામે ૯ લાખ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ લગાવતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ હતું. આગામી તા.૨૧મી જૂલાઇએ જૂનાગઢ મનપાની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસના ગજગ્રાહ અને આંતરિક વિખવાદને લઇ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

Share This Article