મુંબઈ : નોકરીમાં સ્થિતિ એ છે કે એક નાનકડા હોદ્દા માટે પણ લાખો ડિગ્રી ધારક અરજીઓ કરી રહ્યા છે. બેરોજગારીની કડવી વાસ્તવિકતા એ છે કે મોટી સંખ્યામાં ઉમેદવારો એક નોકરી માટે આવી રહ્યા છે. વર્તમાન આંકડા ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે. ભારતીય રેલવેમાં સુરક્ષા દળોની ભરતી માટે આ અરજીઓ આવી છે. આશરે ૧૦ હજાર ભરતી માટે ૯૫ લાખની આસપાસ અરજીઓ મળી ચુકી છે.
હવે રેલવે ભરતી બોર્ડની તકલીફ એ છે કે આટલા લોકોની પરીક્ષા કઈ રીતે લેવામાં આવે. રેલવે સુરક્ષા દળના મહાનિર્દેશક અરૂણકુમાર સિંહે કહ્યું છે કે દેશભરમાં કોન્સ્ટેબલના પોસ્ટ માટે ૮૬૧૯ અને સબ ઈન્સ્પેકટર માટે ૧૧૨૦ ભરતી કાઢવામાં આવી છે. બંને પોસ્ટ માટે આશરે ૯૬ લાખની આસપાસ અરજીઓ આવી ચુકી છે. આટલી મોટી સંખ્યામાં અરજીઓ આવતા તંત્રની તકલીફ વધી ગઈ છે. કોન્સ્ટેબલને લઈને મહિલાઓ માટે ૪૨૦૦ પોસ્ટ રાખવામાં આવી છે. દેશભરમાં આરપીએફના જવાનોના ડેટા બેઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ હજુ સુધી ઉત્તર અને પૂર્વીય રેલવેના ૯૦૦૦ આરપીએસએફના ડેટા બેઝ તૈયાર કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત સીસીટીવી મોનિટર માટે આઉટ સો‹સગનો નિર્ણય થયો છે.