અમદાવાદ : પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આજરોજ ભાજપા સ્થાપના દિન નિમિત્તે જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રવાદ-વિકાસવાદની વિચારધારા આધારિત ભાજપારૂપી નાનો છોડ કાર્યકર્તાઓના અથાગ પરિશ્રમ અને કઠોર મહેનતને પરિણામે વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળરૂપી વિશાળ વટવૃક્ષમાં પરિવર્તીત થયો છે. આ પ્રસંગે વાઘાણીએ જણાવ્યુ હતુ કે, દરેક કર્મઠ કાર્યકર્તાઓ અને જનતાને નમન કરી આભાર વ્યક્ત કરુ છું આજનો દિવસ દરેક કાર્યકર્તાઓ માટે ખૂબજ ગૌરવનો દિવસ છે.
તેઓએ કહ્યું હતુ કે, કાર્યકર્તાના બલિદાન અને સમર્પણની ભાવનાને કારણે ભાજપાનું કમળ આજે સમગ્ર ભારતભરમાં સોળે કળાયે ખીલી ઉઠ્યું છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપા આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે, તે ગૌરવપૂર્ણ બાબત છે. જનસંઘના સ્થાપક ડા. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય તથા સને ૧૯૮૦માં અટલજી અને અડવાણી સહિતના અનેક દેશપ્રેમી નેતાઓ દ્વારા ભાજપાની સ્થાપના થઇ હતી.
આ શિર્ષસ્થ નેતૃત્વ દ્વારા બલિદાનની ભાવના સાથે સંપૂર્ણ નિષ્ઠાથી સિંચન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે સૌ ‘‘નયા ભારત’’ની સંકલ્પના સાથે દૈદિપ્યમાન ભારતના નિર્માણ માટે આગળ વધી રહ્યા છીએ. વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, દેશનો પ્રત્યેક નાગરિક ‘‘મૈં ભી ચૌકીદાર’’ ની ભાવના સાથે માં ભારતીની સેવા અને સુરક્ષા કરે, પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે, ભ્રષ્ટાચાર, જ્ઞાતિવાદ, સંપ્રદાયવાદ સામે લડે અને ફક્ત ‘ભારતવાદ’ અને ‘નેશન ફર્સ્ટ’ના સિધ્ધાંત સાથે આગળ વધે. આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત વાઘાણીએ ભાજપાના કાર્યકર્તાઓને સંદેશો આપતા જણાવ્યુ હતુ કે, નવી પેઢીના સપનાનું ભારત બનાવવા સપનાને સાકાર કરવા માટે પરિશ્રમ કરીને આપણે સૌ કમળને મત અપાવવાનું કાર્ય કરી રહ્યા છીએ.