સુબંધુને કાશ્મીરા સાથે કદાચ પહેલી જ નજરે પ્રેમ થઇ ગયો હતો. એ ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી આપીને એક રાષ્ટ્રીયકૃત બેંકમાં નોકરીએ લાગ્યો ત્યાં સુધીમાં એના સંપર્કમાં કેટલીય યુવતીઓ આવી હતી. એમાં ઘણી બધી સ્વરુપવાન, ગુણવાન અને સ્માર્ટ હતી જ પણ એ વખતે એણે કોઇને પણ પ્રેમની વિશિષ્ટ કહી શકાય તેવી નજરે જોઇ જ ન હતી. પત્ની એના માટે તો સાચે જ અનદેખી અને અન્જાની હતી પણ હમણાં પંદરેક દિવસ પહેલાં જ રાજકોટથી બદલી થઇને આવેલી કાશ્મીરા એના મનમાં વસી જ જશે એવું તેને જોતાં વ્હેંત તેને લાગેલું. બગીચામાં ગુલાબનાં સુંદર મઝાનાં કોમળ કોમળ પુષ્પને કોઇ ઘડીભર તાકી રહે તેમ સુબંધુની નજર કાશ્મીરા પર વારે વારે સ્થિર થઇ જતી હતી.
બેંકની શાખા નાની હતી, સાત આઠ જણનો સ્ટાફ હતો. ધીમે ધીમે સુબંધુ અને કાશ્મીરાનો પ્રાથમિક પરિચય જાણે કે દોસ્તી તરફ આગળ વધવા લાગ્યો. પુરુષને કોઇ યુવતી ગમવા લાગે તો પછી એ યુવતીની દરેક ગતિવિધિ પર એનું ધ્યાન રહેવા લાગે છે, એના જીવનની તેમજ દિનચર્યાની ઝીણી-ઝીણી વાતો જાણવા માટે એ આતુર થઇ જાય છે. કાશ્મીરાનું બોડી સુડોળ અને ઘાટીલું હતું. કોઇની એના પર અનાયાસે પડતી નજર બે-ચાર સેકંડ માટે તો ત્યાં જડાઇ જાય તેવું તેનું વ્યક્તિત્વ હતું. સ્ટાફના અન્ય પુરુષોને સુબંધુ અને કાશ્મીરાની દોસ્તી ગમવા લાગી હતી કારણ કે એ બધા મનોમન એવું વિચારવા પણ લાગેલા કે આ બંન્ને યુવાન હૈયાં દોસ્તમાંથી પતિ પત્ની બની રહે તો ખૂબ જ સારું. એક બે જણે તો સુબંધુને મોબાઇલ પર SMS કરીને શુભેચ્છા સાથે આગળ વધવા માટે પ્રેરણા પણ આપી હતી…
સુબંધુ દિવસે દિવસે કાશ્મીરામય થવા લાગ્યો હતો. તેણે વાત વાતમાં કાશ્મીરાનું ફેમિલિ બેકગ્રાઉંડ પણ તેની પાસેથી જાણી લીધું હતું. પોતાનાં મમ્મી પપ્પાને કાશ્મીરા ગમી જશે જ અને તેઓ બન્ને પણ તેને ઉમળકાભેર વધાવી એશે એવી પણ તેણે મમ્મીસાથે અછડતી વાત કરીને ખાતરી કરી લીધી હતી. એક દિવસ એ કાશ્મીરાને પોતાને ઘેર પણ સાહજિક રીતે જ લઇ ગયો હતો. મમ્મી પપ્પાએ કાશ્મીરા સાથે ભળવાની કોશિશ જરુર કરેલી. તેના ગયા પછી મમ્મીએ કાશ્મીરાને વહુ તરીકે સ્વીકારવાની લીલી ઝંડી પણ તેને મલકાતે મોઢી દેખાડી દીધી હતી.
સુબંધુ કાશ્મીરાનાં સપનાં જોવા લાગ્યો. બાગમાં ગુલાબની કળીઓમાં કાશ્મીરાનો ચહેરો તેને મલકાતો દેખાતો. એના હાથ, આંગળીઓ, હથેળી, પગની પિંડી, સ્કંધ, ગાલ, ગરદન આ બધી જ જગાઓ કોમળ અને મુલાયમ લાગતી હતી જાણે કે બધે જ કમળની પાંખડીઓ વેરાયેલી છે, પ્રેમમાં માણસ ઘેલો ઘેલો થઇ જતો હોય છે. સમગ્ર વસંત જાણે કે કાશ્મીરા રૂપે પ્રગટ થઇ હોય તેવું તેને લાગતું હતું. કાશ્મીરાના દેહ પર દરેક વસ્ત્ર શોભી ઉઠતું. નથી કહેવાતું કે સુંદરતા દેહમાં નહિ પણ જોનારની દ્રષ્ટિમાં હોયછે. સુબંધુને મન કાશ્મીરા ઉમંગ હર્ષ આનંદ અને ઉલ્લાસ ભરેલી એક અદભૂત કવિતા હતી. તેની હાજરીથી તેના ચિત્તને શાંતિ મળતી,બેંકમાં એ સમય કરતાં વહેલો પહોંચી જતો, દિવસ દરમિયાન ગમે તે રીતે એ કાશ્મીરાનું સાનિધ્ય મેળવી જ લેતો. કાશ્મીરાને પામ્યાથીએ પોતાની જાતને ધન્ય માનવા લાગ્યો હતો. પરોઢીયે લીલાઘાસમાં છવાયેલા ઝાકળમાં,પૂનમની રાત્રે ખીલેલા ચાંદામાં, કોયલના ટહૂકામાં, રેડિઓ કે ટીવી પર આવતા કોઇ રોમેંટીક ગીતના શબ્દોમાં, તેમજ છણકા કરીને રીસાઇ જતી હીરોઇનની મારકણી અદાઓઆં એને તો માત્ર અને માત્ર કાશ્મીરા જ દેખાતી….
સુબંધુ કાશ્મીરાના પ્રેમમાં જાણે કે પાગલ થઇ ગયો હોય તેવું હતું.તેનું રોમ રોમ જાણે કે કાશ્મીરાને જ ઝંખતું હતું. અને એક દિવસ કાશ્મીરાએ તેનેખૂબ જ અગત્યની વાત કહેવા માટે પોતાના ઘેર બોલાવ્યો. સુબંધુ તો રાજી રાજી થઇ ગયો. કાશ્મીરા સાથેનાં દાંમ્પત્ય જીવનનાં સપનાં તેને સાકાર થતાં લાગ્યાં. ”અગત્યની કઇ વાત હશે”તેની સુબંધુનેમીઠી મૂઝવણ થવા લાગી. શું કહેશે કાશ્મીરા ?
નક્કી કરેલા સમયે તે કાશ્મીરાના ઘરે પહોંચી ગયો. થોડી આડીઅવળી વાતો બાદ કાશ્મીરાએ ખૂબ જ ગંભીર બનીને કહ્યું,
“સુબંધુ તારામાં મને ખૂબ જ વિશ્વાસ છે, તું એક જ એવી વ્યક્તિ છે જેને હું મારું કામ વિશ્વાસપૂર્વક સોંપી શકું તેમ છું. તારે મારી સાથે આવીને મારા મમ્મી પપ્પાને મારી ઇચ્છા મુજબ મારાં લગ્ન કરવા દેવા માટે સમજાવવાનાં છે, બોલ તું આવીશને?“
સુબંધુ સમજ્યો કે કાશ્મીરા તેમનાં બન્નેનાં લગનની જ વાત કરતી હશે, તેમ છતાં તેણે જરાક ખચકાતાં પૂછ્યુ,
“ હા હા, પણ આપણા લગ્નની વાત હું કેવી રીતે એમને કરી શકું ?”
“અરે સુબંધુ, તું આમ ગેરસમજ ના કર,તું તો મારો અચ્છો દોસ્ત છે, લગ્ન તો હું મારી કોલેજના મારા જીગરી એવા શશાંક સાથે કરવા માગું છું, પણ એ બીજી કાસ્ટનો છે એટલે મારાં મમ્મ્મી પપ્પાને જરા સમજાવવાં પડે તેમ છે ! ”
કાશ્મીરાના આવા શબ્દો સાંભળી સુબંધુને ક્ષણવાર માટે તો જાણે કે તમ્મર આવી ગયા. આખો ઓરડો જાણે કે તેને ફરતો લાગ્યો, છતાં તે પોતાની જાતને સંભાળીને બોલ્યો,
” હા હા જરુર…”
અડધા કલાક પછી ત્યાંથી પાછો ફરેલો સુબંધુ વિચારતો હતો કે કાશ્મીરા મને કે મારી લાગણીને ઓળખી શકી જ નહિ….તેણે પોતે કાશ્મીરા સાથેના સહજીવનના જે વિચારો કરેલા હતા તે બધા વ્યર્થ જણાયા.. તે વિચારતો હતો,
“ સ્ત્રીના ચરિત્ર અને પુરુષના ભાગ્યનો તાગ પામી શકવા માટે સાચે જ કોઇ સમર્થ નથી.. !”
બિચારો સુબંધુ…… !!!!“
- અનંત પટેલ