અમદાવાદઃ જસદણ પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે જ્યારે કોંગ્રેસની હાર થઇ છે. જો કે, જસદણના આજના પરિણામોમાં સૌથી નોંધનીય અને ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ખુદ પોતાના આસલપુર ગામમાંથી જ સાથ મળ્યો નહોતો.
નાકિયાને તેમના ગામના જ ગ્રામજનોએ મતો આપવામાં સાથ આપ્યો ન હતો. જેને પગલે આસલપુર ગામમાંથી નાકિયાને માત્ર ૫૧૪ મત મળ્યા હતા, જેની સામે ભાજપના કુંવરજી બાવળિયાને નાકિયાના આ ગામમાંથી ૭૬૪ મત મળ્યા હતા. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા ૨૫૦ મત વધારે મળ્યા હતા.
આ ચૂંટણીના પરિણામો પરથી જ સ્પષ્ટ થઇ ગયુ હતું કે, કુંવરજી બાવળિયાનું નાકિયાના ગામમાં સારૂ એવું પ્રભુત્વ છે. ગામના લોકોના મત અંકે કરવામાં નાકિયા નિષ્ફળ નીવડ્યા હોવાનું સામે આવતાં કોંગ્રેસમાં પણ જારદાર આંચકો લાગ્યો હતો.
જસદણની આ ચૂંટણીમાં ૨૦૧૨ની ચૂંટણીની સરખામણીએ ભાજપનો વોટ શેર ૭ ટકા વધ્યો છે, જે ભાજપ માટે સારી વાત કહી શકાય. અગાઉ, ૨૦૧૨માં કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલને ૭૮૦૫૫ મત મળ્યા હતા જ્યારે ૨૦૧૮માં કોંગ્રેસના અવસર નાકિયાને ૭૦૨૮૩ મત છે. આથી કોંગ્રેસના પાંચ ટકા મત ઘટ્યા છે. ૨૦૧૨માં ભાજપના ભરત બોઘરાને ૬૭૨૦૮ મત મળ્યા હતા જ્યારે ૨૦૧૮માં કુવરજી બાવળિયાને ૯૦૨૬૮ મત મળ્યા છે. આમ, ભાજપના ૭ ટકા મત વધ્યા છે. ૨૦૧૨ની ચૂંટણીમાં ૧૦૮૪૭ મતોથી કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ હતી જ્યારે ૨૦૧૮ની ચૂંટણીમાં ૧૯૯૮૫ મતોથી ભાજપના ઉમેદવારની જીત થઇ છે. જેથી રાજકીય વિશ્લેષકો ભાજપની આ જીતને મહત્વની અને નિર્ણાયક માની રહ્યા છે.