જસદણ : ગુજરાતમાં જસદણ વિધાનસભા પેટાચૂંટણીને લઇને ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવતીકાલે ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. કોઇ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવ્યા છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોની છ કંપનીઓ તૈનાત કરવામાં આવી ચુકી છે. હોમગાર્ડ, પોલીસની જુદી જુદી ટીમો પણ તૈનાત કરવામાં આવી ચુકી છે. જસદણમાં મતદાન માટે ૨૬૨ બુથ બનાવવામાં આવ્યા છે. આ તમામ બુથ પર સીસીટીવી અને વિડિયોગ્રાફી પણ કરવામાં આવનાર છે. જસદણમાં ભાજપ અને કોગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થનાર છે. પ્રચારના છેલ્લા દિવસે મંગળવારના દિવસે ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી. બંને પાર્ટી દ્વારા શÂક્ત પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બંને પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીની તાકાત લગાવી ચુકી છે. મતદાનોને પ્રભાવિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા પંચ દ્વારા તમામ પગલા લેવાયા છે. જસદણમાં ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે.
ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થયા બાદથી સતત ઉત્સુકતા રહી હતી. આચારસંહિતા ભંગની પણ ફરિયાદો થઇ છે. કોંગ્રેસ તરફથી અનેક ટોચના નેતાઓએ પ્રચારમાં ઉતરીને સ્થિતિ સાનુકુળ બનાવવાના પ્રયાસ કર્યા હતા. બીજી બાજુ ભાજપે પણ તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ખેડૂતોને ખુશ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીત થતાં કોંગ્રેસના કાર્યકરો ભારે ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. જસદણમાં સૌથી વધુ ૩૫ ટકા કોળી સમુદાયના લોકો છે. અહીં કોળી સમુદાયની ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. બીજી બાજુ લેઉવા પાટીદારોની ટકાવારી ૨૦ ટકાની આસપાસ છે.
આ ઉપરાંત અન્ય જાતિઓ પણ છે પરંતુ સૌથી મોટી ભૂમિકા કોળી સમુદાયની છે. ભાજપના કુંવરજી બાવળિયાનું અહીં પ્રભુત્વ રહેલું છે. બાવળિયાએ પાંચ વખત અહીં જીત મેળવી છે. આ વખતે પણ તેઓ મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસ તરફથી અવસર નાકિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.આવતીકાલે મતદાન થયા બાદ ૨૩મીએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે પણ આ ચૂંટણી ઉપયોગી બની છે. ભાજપે એક સમયના કોંગ્રેસી નેતા કુંવરજી બાવળિયાને પક્ષ પલટો કરાવીને કેબિનેટ મંત્રી પદ સાથે ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. કુલ ૨૩૨૧૧૬ મતદારો તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે તૈયાર છે. કોળી અને પાટીદારો સૌથી વધારે છે. ગુરૂવારના દિવસે સવારે આઠ વાગ્યાથી લઇને સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થનાર છે. કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા પંચાયતના સભ્ય અવસરભાઇ નાકિયાને મેદાનમાં ઉતારી દીધા છે.બંને પાર્ટીના સેંકડો સ્ટાર પ્રચારકો મેદાનમાં આવ્યા હતા.