નવી દિલ્હી : પુલવામા ત્રાસવાદી હુમલા બાદ જવાબી કાર્યવાહી કરીને ભારતે આજે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભીષણ હુમલા કર્યા હતા. ભારતે હવાઇ હુમલા બાદ આજે સવારે હુમલા અંગે માહિતી આપી હતી. સાથે સાથે કહ્યુ હતુ કે જેશના સૌથી મોટા અડ્ડાને ફુંકી મારવામાં આવ્યા છે. પાકિસ્તાની ત્રાસવાદીઓને ભારે નુકસાન પહોંચાડી દેવામાં આવ્યુ છે. ભારતીય વિદેશ સચિવ ગોખલેએ કહ્યુ હતુ કે આ હુમલામાં જેશના મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. વિદેશ સચિવ ગોખલેએ કહ્યુ હતુ કે પાકી ગુપ્ત માહિતી મળ્યા બાદ ભારતે જેશે ના અડ્ડાઓ પર નોન મિલિટરી એક્શન હેઠળ હુમલા કરવામાં આવ્યા હતા. વિજય ગોખલે કહ્યુ હતુ કે દેશમાં ત્રાસવાદીઓ મોટા હુમલા કરવાની તૈયારીમાં હતા.
એવી માહિતી પણ આવી રહી હતી કે ત્રાસવાદીઓને ખતરનાક ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. માહિતી મળ્યા બાદ ભારત દ્વારા હુમલા જરૂરી બની ગયા હતા. ત્રાસવાદીઓ બીજા આત્મઘાતી હુમલા કરી શકે છે તેવી માહિતી મળી રહી હતી. ગોખલેએ કહ્યુ હતુ કે પાકિસ્તાનને વારંવાર ત્રાસવાદીઓ સામે પગલા લેવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ પાકિસ્તાન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી. જેથી ભારતને પોતાની સુરક્ષા માટે આ પગલા લેવાની ફરજ પડી છે. ભારત દ્વારા જેશની સામે સતત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી. પાકિસ્તાનના ટેકા વગર ત્રાસવાદીઓ હુમલા ન કરી શકે તેવી રજૂઆત પણ કરવામાં આવી રહી હતી. ગુપ્ત માહિતી મળ્યા બાદ નોન મિલિટરી એક્શન કરીને ત્રાસવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. હુમલામાં ત્રાસવાદી ટ્રેનર, કમાન્ડરો જેહાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.