પુલવામા : પાકિસ્તાની ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના ૨૧ ત્રાસવાદીઓ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કાશ્મીરમાં ઘુસણખોરી કરી ગયા હતા. તેમની યોજના ખીણ અને ખીણની બહાર આતંક ફેલાવવા માટેની છે. ગુપ્તચર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે જેશના આ ત્રાસવાદીઓ પૈકી ત્રણ આત્મઘાતી બોમ્બરો છે. તેમના ઇરાદા ભારતમાં આત્મઘાતી હુમલા કરવાના રહેલા છે. જે પૈકી બે હુમલા જમ્મુ કાશ્મીરની બહાર કરવાના રહેલા છે.
ત્રાસવાદીઓના ગ્રુપનો લીડર મસુદ અઝહરના ભત્રીજા મોહમ્મદ ઉમેર ગાજી હતો. જે ગઇકાલે ભીષણ અથડામણમાં ઠાર થયો હતો. એમ કહેવામાં આવે છે કે ગાઝી રશીદ જ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલાનો માસ્ટરમાઇન્ડ તરીકે હતો. આ કુખ્યાત ત્રાસવાદી સોમવારના દિવસે ઠાર થયો હતો. ગુપ્તચર સંસ્થાના સુત્રોએ કહ્યુ છે કે આ તમામ ત્રાસવાદીઓને અઝહર મસુદના બીજા ભત્રીજા ઉસ્માન હૈદર તેમજ સંસદ પર હુમલાના દોષિત અફજલ ગુરૂનો બદલો લેવા માટે મોકલવામાં આવ્યો હતો. કઠોર ટ્રેનિંગ લઇને પહોંચેલા આ ત્રાસવાદીઓ કાશ્મીરમાં આવતાની સાથે જ બે ગ્રુપમાં વિભાજિત થઇ ગઇ હતી. જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના ત્રાસવાદીઓ દ્વારા આત્મઘાતી મિશન માટે યોગ્ય રીતે પસંદગી કરવામાં આવે છે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો.
આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી. વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી ફરી એકવાર સક્રિય દેખાઇ રહ્યા છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જારી છે.