ભારતીય અવકાશ સંશોધન સંગઠનના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સતત કામ કરી રહ્યા છે. આખા દેશની નજર તેની લોન્ચ તારીખ પર છે. પરંતુ, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ચંદ્રયાન-૪ મિશન ૨૦૨૭ માં લોન્ચ કરવામાં આવશે.
ઈસરો ના નવનિયુક્ત અધ્યક્ષ વી. નારાયણને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-૪ મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સંશોધન કરવા માટે મોકલવામાં આવશે. આ મિશન ચંદ્રયાન-૩ કરતા ઘણું આગળ હશે અને તેમાં ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવાની ક્ષમતા હશે. આ મિશન હેઠળ, ૯,૨૦૦ કિલોગ્રામ વજનના ઉપગ્રહને બે રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. બે મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં મળશે અને બે મોડ્યુલ ચંદ્રની સપાટી પર પ્રયોગો કરશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં મળનારું મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરશે અને તેમને પૃથ્વી પર પાછા લાવશે.
ચંદ્રયાન-૪ મિશન એક જ વારમાં લોન્ચ કરવામાં આવશે નહીં. તેને બે ભાગમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી, તેના મોડ્યુલો અવકાશમાં જોડાશે એટલે કે ડોકીંગ કરવામાં આવશે. આ ટેકનોલોજી ભવિષ્યમાં ભારતીય અવકાશ મથક બનાવવામાં મદદ કરશે. ઇસરોએ આ પહેલા આવું કંઈ કર્યું નથી. ચંદ્ર પર મિશન પૂર્ણ કર્યા પછી પૃથ્વી પર પાછા ફરતી વખતે ડોકીંગ મેન્યુવર એ એક નિયમિત પ્રક્રિયા છે. ઇસરો ચીફે કહ્યું કે અમે આ કામ પહેલા પણ કર્યું છે. અમે એક અવકાશયાનનો એક ભાગ ચંદ્ર પર ઉતાર્યો જ્યારે બીજાે ભાગ ચંદ્રની આસપાસ ભ્રમણકક્ષામાં રહ્યો. આ વખતે આપણે તેમને જોડવાનું કામ કરીશું. આ વખતે ચંદ્રયાન-૪ ના બે મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં ઉમેરવામાં આવશે.