ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચ્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરી હતી. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમારોહમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. યુપી સરકાર સહિત અન્ય રાજ્યોના ભવન નિર્માણ માટે ગુજરાત સહકાર આપશે તેવી વાત પણ રૂપાણીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યનિટીના સમગ્ર પરિસરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવશે. આને એક ભારત શ્રેષ્ઠ ભારતનું રાષ્ટ્રભÂક્ત ધામ બનાવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનૌમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે આજે મુલાકાત કરીને તેમને આગામી ૩૧ ઓક્ટોબરે સરદાર સાહેબની વિશ્વની વિરાટતમ પ્રતિમાના લોકાર્પણ માં ઉપસ્થિત રહેવા વિધિવત આમંત્રણ પાઠવ્યું હતું. વિજયભાઈએ યોગીઆદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર કોફી ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રી મંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે.
રોજના ૧૫ હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવન એક ભારત શ્રેષ્ઠ ભારત તહેત બનશે. તેમણે યુ.પી સરકાર સહિત અન્ય રાજ્યોને આવા ભવન નિર્માણ માટે ગુજરાત સરકારના સહયોગની ખાતરી આપી હતી. વિજયભાઈએ ઉમેર્યું કે, સરદાર સાહેબની વિરાટ પ્રતિભાને વિરાટ તમ પ્રતિમાથી વિશ્વ સમક્ષ ઉજાગર કરવા અહીં લાઈટ એન્ડ લેસર શો સહિતની અદ્યતન સુવિધાઓ વિક્સાવશે. યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ સરદાર સાહેબની આ પ્રતિમાના આધાર પર અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીની પ્રતિમા નિર્માણ માટેની સંભાવનાઓ ચકાસવા અને ટેક્નિકલ સહયોગ માટે એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવા કરેલ સુચનને વિજય રૂપાણીએ આવકાર્યું હતું. વિજયભાઈએ કહ્યું કે, આ પ્રતિમા લોકાર્પણ બાદ દરેક રાજ્યોના નાગરિકો એકતા અખંડિતતાનું આ સ્મારક જોવા આવે તેવું વ્યાપક આયોજન પણ સરકાર કરી રહી છે. આગામી દિવસોમાં રાજ્યોના પોલીસ વડાઓની પરિષદ તેમજ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ પણ યોજાવાની છે.
મુખ્યમંત્રીએ આ બેઠક દરમિયાન ગુજરાતના ગિફ્ટ સિટીમાં હવે ગ્લોબલ ફાયનાન્સિયલ એક્ટીવીટી શરૂ થવાથી વિશ્વ વેપાર કેન્દ્ર ગુજરાત બન્યું છે તેની તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને પગલે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તેની પણ વિશદ ચર્ચા કરી હતી. આ વેળા એ યુ.પી. સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે, એક અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું વર્લ્ડ ક્લાસ અને ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ આગામી તા.૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરે તે પહેલા રાજ્યના ૫ હજાર ગામોમાં એકતા રથ સાથેની એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે. યાત્રાનો પહેલો તબક્કો તા.૧૯ થી ૨૯ ઓક્ટોબર-૨૦૧૮ દરમિયાન યોજાશે. આ યાત્રામાં સરદાર સાહેબના જીવન કવન અને રાષ્ટ્ર માટે તેમને આપેલા મહત્વપૂર્ણ યોગદાનને એલ.ઈ.ડી. સ્ક્રીન પર પ્રસ્તુત કરવામાં આવશે. એકતા યાત્રાનો બીજો તબક્કો તા.૧૫ થી ૨૫ નવેમ્બર-૨૦૧૮ દરમિયાન રાજ્યના ૫ હજાર ગામોમાં યોજાશે. વિજય રૂપાણી દેશના અલગ અલગ રાજ્યોના નાગરિકો મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણમાં અને મુલાકાત લેવા નિમંત્રણ આપવાની શ્રૃંખલામાં ઉત્તર પ્રદેશના બે દિવસીય પ્રવાસે છે.