અમદાવાદ: સમગ્ર પરિવારની પોલિસી ચાલુ હોવા છતાં મહિલાને ગર્ભાશયની કોથળીની સારવાર અંગેની સર્જરીના ખર્ચના દાવાની રકમમાંથી રૂ.૩૯,૭૫૫ જેટલી રકમ કાપી લેવાના ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની વિરૂધ્ધ ફરિયાદી મહિલા તરફથી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી અમદાવાદ શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ દાખલ કરાઇ હતી.
જેમાં શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ એલ.એસ.રબારી અને સભ્યો એચ.જે.ધોળકીયા અને વી.એ.જેરોમે મહત્વનો ચુકાદો આપી વીમાધારક મહિલાને વાર્ષિક નવા ટકા વ્યાજ સાથે રૂ.૨૭,૬૭૫ અને ખર્ચના રૂ.ત્રણ હજાર અલગથી ચૂકવી આપવા પ્રતિવાદી વીમાકંપનીને ફરમાન કર્યું હતું.
ફોરમે ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, વીમાકંપનીએ કો-પેમેન્ટ કાપવા સિવાય સંતોષજનક કારણો સાથેનો બચાવ રજૂ કર્યો નથી. વીમાકંપની દ્વારા કાપેલી રકમ પ્રોસેસ કરવામાં સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ કહી શકાય. મેડિક્લેઇમ પોલિસીના ટર્મ્સ એન્ડ કન્ડીશનના કલોઝ ૩.૪૧ મુજબ, રીઝનેબલ અને કસ્ટમરી ચાર્જીસના નામે વીમાકંપનીઓને આડેધડ રકમ કાપી શકે નહી અને તેની રીતે તબીબી સારવાર અને સર્જરીના ચાર્જીસ નક્કી કરી શકે નહી.
ફોરમે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીને લપડાક મારતાં ચુકાદામાં ઠરાવ્યું હતું કે, વીમા કંપનીને વીમાધારકની દાવાની રકમ યોગ્ય રીતે કાપી હોવાનો સંતોષજનક ખુલાસો કર્યો નથી અને તેથી ફરિયાદી મહિલાને ઉપરોકત વળતર અને ખર્ચની રકમ મળવાપાત્ર છે.
ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું હતું કે, શહેરના કોટ વિસ્તારમાં બાલા હનુમાનજી વિસ્તાર પાસે રહેતાં પ્રશાંતભાઇ જે.પંડિત દ્વારા તેમની પત્ની અને પુત્રીનો હેપ્પી ફેમીલી ફલોટર પોલિસીનો રૂ. બે લાખના કવચનો સિલ્વર પ્લાન ઉતરાવ્યો હતો. આ પોલિસી ચાલુ હતી તે દરમ્યાન તેમના પત્ની ડોલીબહેનને ગર્ભાશયની કોથળીની અંદરના ભાગમાં લાઇનીંગ થતાં સ્નાયુઓમાં તિરાડ પડી જતાં લાંબા સમયથી બ્લીડીંગ થતું હતું. જેને પગલે તેમને નવરંગપુરા વિસ્તારની હોસ્પિટલમાં દાખલ થઇ સર્જરી કરાવવાની ફરજ પડી હતી. જેમાં હોસ્પિટલના બીલ અને મેડિકલ ખર્ચાઓ સાથે રૂ.૧,૧૧,૩૪૮ની દાવાની પૂરી રકમ ચૂકવવાને બદલે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા રૂ.૩૯,૭૫૫ની રકમ ગેરકાયદે રીતે કાપી લેવાઇ હતી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ફોરમનું ધ્યાન દોર્યું હતું કે, વીમાકંપની આ પ્રકારે દાવાની રકમ મનસ્વી કે આડેધડ રીતે કાપી શકે નહી.
આ એક પ્રકારની અનફેર ટ્રેડ પ્રેકટિસ છે. વીમાકંપની રિઝનેબલ કે કસ્ટમરી ચાર્જીસ પોતાની રીતે નક્કી મનફાવે તે રીતે દાવાની રકમ કાપી શકે તેવી તેમની પાસે કોઇ જ સત્તા નથી અને તેથી ફોરમે ફરિયાદી મહિલાને ન્યાય અપાવવો જાઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક ફોરમે ઉપરોકત મહત્વનો ચુકાદો આપ્યો હતો.