‘અમે શૂરવીર સેના સાથે અડીખમ બની ઉભા છીએ’ – ગૌતમ અદાણી
વડોદરા: ભારત-પાકિસ્તાનના વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ભારતીય સેનાનો જોશ વધારવા સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. ગૌતમ અદાણીએ ભારતીય સેનાએ દર્શાવેલી બહાદુરીની ભરપૂર પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર તેમણે એક ભાવનાત્મક સંદેશ લખ્યો છે. તેમણે કહ્યું કે આવા સમયે દુનિયા ભારતની સાચી તાકાત અને એકતા જોઈ રહી છે, જે તેની વિવિધતા અને સમાનતા બંનેમાં રહેલી છે.
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેના પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે. તેવામાં ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, ” આજે દુનિયા ભારતની સાચી તાકાત અને એકતા જોઈ રહી છે, જે તેની વિવિધતા અને સમાનતા બંનેમાં રહેલી છે. અમે અમારી સેના સાથે અડીખમ બનીને ઉભા છીએ. આપણી માતૃભૂમિનો હાર્દ અને આપણા આદર્શોની ભાવનાનું રક્ષણ કરવામાં અમે તેમને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. ભારત સૌપ્રથમ, જય હિંદ!”
ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ ગુરુવારે રાત્રે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના અનેક સરહદી વિસ્તારોને નિશાન બનાવીને પાકિસ્તાનના હવાઈ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો. ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને હુમલાના પ્રયાસને કારણે, જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ થઈ ગયું હતું અને સાયરન વાગવા લાગ્યા હતા. વહીવટ તંત્રએ લોકોને ઘરની અંદર અને સતર્ક રહેવા વિનંતી કરી કારણ કે કટોકટી પ્રોટોકોલ સક્રિય થયા છે.
પાકિસ્તાન દ્વારા 15 ભારતીય શહેરોને નિશાન બનાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવામાં આવ્યો હતો. આર્મી ઓફિસર કર્નલ સોફિયા કુરેશી અને એરફોર્સ વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પુષ્ટિ કરી હતી કે અવંતીપોરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ જેવા શહેરો પાકિસ્તાના ટાર્ગેટ લીસ્ટમાં હતા. જોકે, ભારતના સંકલિત કાઉન્ટર-યુએએસ ગ્રીડ અને મજબૂત હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ તમામ જોખમોને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યા છે.