હવે ઇન્દ્રોડા પાર્ક ખાતે તૈયાર સિંહ ઘર આજે ખુલ્લુ મુકાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

 

અમદાવાદ :  રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા દેશના ગુજરાતમાં જોવા મળતા એશિયાઇ સિંહને ગાંધીનગરના પ્રકૃતિ પ્રેમીઓ માણી શકે એ માટે ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર તૈયાર કરાયું છે. આ સિંહઘરને આવતીકાલ તા.૨૭મી નવેમ્બરને મંગળવારના રોજ બપોરે ૧૨.૦૦ કલાકે વનમંત્રી ગણપતસિંહ વસાવા ખુલ્લુ મુકશે. આ વેળાએ રાજ્ય વનમંત્રી રમણભાઇ પાટકર પણ ખાસ ઉપસ્થિત રહેશે. વન્યપ્રાણીઓને લગતા સાહિત્યનું પણ યુવા પેઢીમાં આકર્ષણ હોય છે ત્યારે આવી વસ્તુઓના વેચાણ માટે સોવેનિયર શોપ તૈયાર કરાઇ છે જેનું પણ મંત્રીના હસ્તે ઉદઘાટન કરાશે.

આ પ્રસંગે વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ગીર ફાઉન્ડેશનના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહ (નામ-સૂત્રા, વય-૧૦ વર્ષ) અને સિંહણ (નામ-ગ્રીવા, વય-૮વર્ષ)ની એક જોડ રાજ્યના વન વિભાગ દ્વારા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં મુલાકાત લેનાર પ્રવાસીઓને મહત્તમ લાભ આપી શકાય તે હેતુસર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં વધારાનું એક ઘરેણું ઉમેરાયું છે.

રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગ હેઠળ ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં સસ્તન, સરીસૃપ અને વિહંગ કુળના અલગ લગ કુલ ૩૯ પ્રકારના વન્યપ્રાણીઓ-પક્ષીઓ રાખવામાં આવ્યા છે. હાલમાં પ્રકૃતિ ઉદ્યાનમાં અંદાજે પ્રતિવર્ષ ૬ લાખ જેટલા મુલાકાતીઓ આવે છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર છેલ્લા ઘણાં વર્ષોથી એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વન્યપ્રાણીઓને લગતું સાહિત્ય જેવું કે, મેગેઝીનો, પુસ્તકો, સંશોધનપત્રો, નકશાઓ, વન્યપ્રાણીઓને લગતી ફીલ્મોની  સીડી/ડીવીડી વગેરે પ્રકાશીત કરવામાં આવી રહી છે.

 

 

 

 

Share This Article