પ્રવાસીઓ, આપણે બાલીના મોટા ભાગના મંદિરો જોઇ વળ્યા ? આજે ચાલો ફરીએ ‘ઉબુડ’ બાલી ટાપુ ઉપરના પર્વાતીય પ્રદેશમાં આ ગામ વસેલું છે. મારે માટે ઉબુડ કોઈ ગામ નથી એ એક મોટી આર્ટ સ્કુલ કે આર્ટ ફેક્ટરી છે. તે ગામ આખું એક પારંપરિક આર્ટ, ક્રાફ્ટ, ડાન્સથી ઉભરાતું કલાક્ષેત્ર છે. ઉબુડની આજુબાજુ વરસાદી જંગલો અને પહાડોના ઢાળ ઉપર આવેલા ચોખાના ખેતરો ચારેબાજુ લીલીછમ ચાદર પાથરી હોય તેવા લાગે છે. અને વચ્ચે વચ્ચે આવેલા હિંદુ મંદિરો ફૂલના બુટ્ટા જેવા કલાત્મક લાગે છે.
અતિ નવાઈની વાત છે કે શહેરની પાસે આવેલ PADANGTEGAL નામનું ગામ અને તે ગામની વચ્ચોવચ એક ‘મંકી ફોરેસ્ટ’ આવેલું છે.ગામના લોકો માટે આ સ્થળ એક આદ્યાત્મિક, આર્થિક ઉપાર્જન અને અભ્યાસ માટેનું સ્થાન છે. બાલીના પ્રખ્યાત લાંબી પૂછડી વાળા વાનરનું અભયારણ્ય છે. અહીંયા આ પ્રકારના લગભગ 700 થી 800 વાંદરા રહે છે. આ અભયારણ્યમાં 200 પ્રકારની વનસ્પતિ ઉગે છે. ઉપરાંત આ સ્થાનમાં ત્રણ હિંદુ મંદિરો પણ આવેલા છે. આ બધાજ વાંદરાઓ તેના સામાન્ય સ્વભાવથી તદ્દન વિપરીત વર્તન કરતાં જોવા મળે છે. તે અત્યંત શાંત, સ્થિર, સ્થિતપ્રજ્ઞ દશામાં બેઠેલા જોવા મળે છે. વાંદરા અને શાંત? હા,એ પણ એક નવાઈની વાત છે. આખા વર્ષ દરમ્યાન આશરે એકથી બે લાખ લોકો ‘મંકી ફોરેસ્ટ’ ની મુલાકાત લે છે.
9મી સદીમાં બંધાયેલી ‘એલીફન્ટ ગુફા’ એ ઉબુડ નું એક બીજું આકર્ષણ છે. આ ગુફાનું નિર્માણ આદ્યાત્મિક સાધના કે ધ્યાન માટે થયું હોઈ શકે. અહી હિંદુ અને બૌદ્ધબંને ધર્મના ચિન્હો જોવામળે છે. શિવલિંગ અને ગણેશ મૂર્તિ પણ જોવા મળે છે. આમ બાલીમાં ઠેર ઠેર જાત ભાતના મંદિરો અને તેની વિવિધ પ્રણાલીની વચ્ચે તેમનું કલાત્મક હૃદય હમેશા ધબકતું રહે છે. મને કહેવા દો કે કદાચ બધાજ બાલીવાસીઓ કલાકાર છે. સ્વાભાવિક છે કે આવા કલાત્મક ઉબુડમાં બાલીનું સૌથી જુનું આર્ટ મ્યુઝીયમ આવેલું છે. તેમાં ઉત્તમ બાલી કલાના નમુના જેવા સુંદર ચિત્રો, અને લાકડા પરનું નક્ક્ષી કામ. અરે સામાન્ય દુકાનો માં પણ તમે અદભૂત કલાકૃતિઓ જોઈશકો છો. મને પણ એક સુંદર કૃષ્ણની ચંદનની મૂર્તિ ગમી ગઈ પણ તેનો ભાવ સંભાળીને લેવાનું માંડી વાળ્યું. અને નાની અસ્ત ખરીદી કરીને મન મનાવ્યું!!! ઉબુડમાં બીજા પણ ઘણા આર્ટ મ્યુઝીયમ છે. પણ મનેતો તેની માર્કેટ પણ એક વિશાળ, આખા ગામમાં પથરાયેલું મ્યુઝીયમ લાગ્યું. બાટીક ના કપડાં, નેતરની નાની નાની વસ્તુઓ, લાકડાની કોતરણીવાળી વસ્તુ, મોટા, નાના, પેઈન્ટીંગ આહ! સુંદર, મેં પણ ભગવાન બુદ્ધનું સુંદર પેઈન્ટીંગ ખરીદ્યું જે એક મિત્રને સિંગાપોરમાં મેં ગીફ્ટ આપ્યું. ખુબજ શાંત સુંદર ભાવ પૂર્ણ ચિત્ર. જો તમે ઈચ્છો તો સુંદર ગ્લાસ વર્ક પણ ખરીદી શકો. સમાન વધી જવાની બીક હોય તો તમે તમારું સરનામું આપો તો ત્યાં મોકલી પણ આપે. હા, તેનો ખર્ચ અલગથી આપવો પડે.એક આખો દિવસ ઉબુડ જોવા માટે ઓછો પડે. ચાલો બલીની વાતો લાંબી ચાલી. આવતા અંકમાં આપણે બીજી જગ્યાઓ માં ડોકિયું કરીશું.
બસ ત્યારે ત્યાં સુધી વિરામ.
- નિસ્પૃહા દેસાઇ