ઇન્ડિયન ટેક્ષટાઇલ ગ્લોબલ સમિટ-૨૦૧૮નો અમદાવાદમાં પ્રારંભ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

વસ્ત્ર ઉદ્યોગ સાથે સંકળાયેલા કપાસનું મુખ્ય ઉત્પાદક ગુજરાત કપાસના જિનિંગ, વીવીંગ, નિટીંગ સુધીની સમગ્ર વસ્ત્ર ઉત્પાદન પ્રક્રિયાને વેલ્યુ એડીશનથી વેગ આપવા સંકલ્પબધ્ધ છે તેમ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં ગારમેન્ટ પોલિસી જાહેર કરીને એપરેલ પાર્ક માટે સબસિડીની નિતી અપનાવાતા તૈયાર વસ્ત્રોના ઉદ્યોગને ગુજરાતમાં નવી દિશા મળી છે. મુખ્યમંત્રી અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને મસ્ક્તી ક્લોથ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ઇન્ડિયન ટેક્ષટાઇલ ગ્લોબલ સમિટ – ૨૦૧૮ ના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ અને કૃષિ કલ્યાણ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા આ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમિટની મુખ્ય વિષયવસ્તુ  ફાર્મ ટુ ફેશન રાખવામાં આવી છે. વિજયભાઇ રૂપાણીએ આ સમિટને સમયાનુકૂલ પરિવર્તનના પ્રવાહને અનુરૂપ ગણાવતાં ઉમેર્યું કે, ગુજરાતમાં કોટન વસ્ત્ર ઉદ્યોગ હતો પરંતુ વીવીંગ-નિટીંગ માટે અન્ય રાજ્યોમાં જવું પડતું તે હવે દૂર થાય તે આવશ્યક છે. તેમણે કહ્યું કે, કપાસ પકવતાં ખેડૂતોને પોતાના પાકના એક્ષપોર્ટની રાહ ન જોવી પડે અને તેમનું ઉત્પાદન રાજ્યમાં જ કન્ઝયુમ થાય તેવી સ્થિતિ આપણે નિર્માણ કરવી છે.

વિજયભાઇ રૂપાણીએ ટેક્ષ્ટાઇલ-ગારમેન્ટ ક્ષેત્ર ટર્બન થી અર્બન સૌને સ્પર્શતું ક્ષેત્ર છે તેનો માર્મિક ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગુજરાતમાં ગારમેન્ટ પોલીસી અન્વયે ૫૦ ટકા સબસીડી આપીને એપરલ શેડ્સ આપીએ છીએ. આ માટે રાજ્યભરમાંથી ૬૩ લાખ ચો.ફુટની માંગણી આવી છે તે અંગે જી.આઇ.ડી.સી. વર્તમાન પ્લોટમાં ફે્બ્રિકેટેડ શેડ્સનું આયોજન કરી રહી છે.

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ખેડૂત થી લઇ સમાજનો દરેક વર્ગ સાથે મળશે તો વડાપ્રધાનના નયા ભારતના સ્વપ્નને સાકાર કરવું સરળ છે.  કપડાં એ માનવી માટે હરહંમેશ ટોચની આવશ્યકતા રહેવાની છે ત્યારે આ ક્ષેત્રે વિકાસની સંભાવનાઓ અનેકગણી છે. તેમણે પૂજ્ય ગાંધીની ખાદીને વિકસતી મોર્ડન દુનિયાને અનુરૂપ વિકસાવવામાં આવે તો આ ક્ષેત્રે ઘણું કરી શકાય તેમ છે. ગુજરાત કુદરતી ફાઇબરમાં અગ્રેસર છે ત્યારે ખેડૂત થી ઉદ્યોગપતિ સુધીની ઉત્પાદન થી લઇ બજાર વ્યવસ્થાની સાંકળ ‘‘ ફાર્મ ટુ ફેશન’’ ની પરિકલ્પનાને સાકાર કરી શકાશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, ભારત સરકારના કૃષિ વિભાગે ખેડૂતોના ખર્ચ ઉત્પાદનમાં ઘટાડો થાય, ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર મળે તેવી સુનિશ્ચિત વ્યવસ્થા ગોઠવી છે. તેમણે જણાવ્યું કે, ખેતીને આવક સાથે જોડવાનો સૌ પ્રથમવાર વિચાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મૂક્યો છે અને ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં સઘન પ્રયાસો હાથ ધર્યા છે અને તેમાં પરિણામો મળી રહ્યા છે.

થાઇલેન્ડ તેમજ બ્રિટનના ભારત ખાતેના હાઇકમિશનર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રસિડન્ટ પરિમલભાઇ નથવાણી, મસ્કતી કાપડબજારના પ્રમુખ ગૌરાંગભાઇ ભગત, ગુજરાત વેપારી મહામંડળ તેમજ મસ્કતી માર્કેટના હોદે્દારો, કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, મહાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ત્રણ દિવસીય સમિટમાં દસ હજાર જેટલા વેપારી, ઉત્પાદનકારો અને સંલગ્ન ઉદ્યોગકારો ભાગ લઇ રહ્યા છે. ટેક્ષટાઇલ ઉદ્યોગોને લગતાં ૧૨ થી વધુ ટેકનીકલ સત્રો સાથે ટ્રેડ એક્ઝીબીશનના ૧૪૫ થી વધુ સ્ટોલ્સ છે.

Share This Article