ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં સુધારો થયો, હવે વિઝા વિના ૫૭ દેશોમાં જઈ શકશે ભારતીયો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં સિંગાપોરના પાસપોર્ટને આ વર્ષે સૌથી શક્તિશાળી ગણાવવામાં આવ્યો છે. તેના દ્વારા અહીંના લોકો વિશ્વના ૨૨૭ દેશોમાંથી ૧૯૨ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકશે. સતત ૫ વર્ષથી ટોચના સ્થાને રહેલો જાપાની પાસપોર્ટ ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. જાપાની પાસપોર્ટ ૧૮૯ દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં ભારતના રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે તે ૮૫માં ક્રમે હતું, ભારતીય પાસપોર્ટ હવે પાંચ પોઈન્ટના સુધારા સાથે ૮૦મા ક્રમે પહોંચી ગયો છે.

આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે પાસપોર્ટ પાવરફુલ કેવી રીતે બને છે, તેનો અર્થ શું છે, તેનું રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે અને ભારતનું રેન્કિંગ કેમ સુધર્યું છે? હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, દેશના પાસપોર્ટની તાકતવારનો અર્થ એ છે કે તે દેશના લોકો વિઝા વિના મોટાભાગના દેશોમાં મુસાફરી કરી શકે છે. ઉદાહરણ તરીકે, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે અને અહીંના લોકો વિઝા વિના વધુમાં વધુ ૧૯૨ દેશોમાં મુસાફરી કરી શકે છે. એ જ રીતે, જર્મની, ઇટાલી અને સ્પેન બીજા ક્રમે છે અને આ પાસપોર્ટ સાથે તમે ૧૯૦ દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકો છો.

પાસપોર્ટ રેન્કિંગ તૈયાર કરવાનું કામ લંડન સ્થિત ઈમિગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવે છે. આ એજન્સી દર વર્ષે રેન્કિંગ બહાર પાડે છે. રેન્કિંગ કયા આધારે નક્કી થાય છે, હવે તે પણ સમજીએ. હેનલી એન્ડ પાર્ટનર્સ કન્સલ્ટન્સીનું પાસપોર્ટ રેન્કિંગ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા પર આધારિત છે. રેન્કિંગ માટે ઘણા પરિબળો જવાબદાર છે. ઉદાહરણ તરીકે, જો કોઈ દેશ બીજા દેશના લોકોને વિઝા વિના પ્રવેશ આપે છે, તો તે મહેમાન દેશને ૧ પોઇન્ટ આપવામાં આવે છે. વિઝા ઓન અરાવલ, વિદેશ પ્રવાસ સાથે જોડાયેલા કેટલાક ફેક્ટર અને દેશોના પરસ્પર સંબંધો સહિત ઘણા પરિબળો પણ આ માટે જવાબદાર છે. જે નક્કી કરે છે કે તમારા દેશનો પાસપોર્ટ રેન્કિંગ મજબૂત રહેશે કે નબળો. આ સિવાય દરેક દેશમાં વિઝા માટે અલગ-અલગ માર્ગદર્શિકા છે, જે દેશ તેને પૂર્ણ કરે છે તેને સરળતાથી વિઝા મળી જાય છે. કયા દેશો તે માંગને પહોંચી વળવા સક્ષમ છે? આ પરિબળ ઇન્ડેક્સના રેન્કિંગમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ભારતનું રેન્કિંગ કેવી રીતે સુધર્યું?… તે જાણો.. ભારતની વાત કરીએ તો હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં આપણો પાસપોર્ટ ૮૦માં સ્થાને છે. ભારતીયો વિઝા વિના અથવા વિઝા ઓન અરાવલ દ્વારા વિશ્વના ૫૭ દેશોમાં પ્રવાસ કરી શકે છે. વિઝા ઓન અરાવલ એટલે કોઈ દેશમાં પહોચવા પર મળેલ વિઝા. મીડિયાના અહેવાલોમાં દેશો સાથે ભારતના વધુ સારા સંબંધો અને વધતી અર્થવ્યવસ્થાનો વ્યાપ ભારતના પાસપોર્ટને મજબૂત બનાવવાના મુખ્ય કારણો છે. સૌથી ખરાબ પાસપોર્ટ રેન્કિંગવાળા દેશોની લીસ્ટ પણ જાણો.. વિશ્વના સૌથી નબળા પાસપોર્ટ રેન્કિંગવાળા દેશોમાં અફઘાનિસ્તાન (૧૦૩), ઈરાક (૧૦૨), સીરિયા (૧૦૧), પાકિસ્તાન (૧૦૦) અને યમન (૧૦૩)નો સમાવેશ થાય છે. આ રીતે, અફઘાનિસ્તાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી નબળો પાસપોર્ટ છે.

Share This Article