માત્ર ઇમારતોનું જ ડિઝાઇનિંગ નહીં પણ સંસ્થાઓનું ઘડતર કરતા ગ્રેટ ભારતીય આર્કિટેક્ચર બાલકૃષ્ણ દોશીને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝથી સમ્માનિત કરવામાં આવ્યા છે, જે અંગે બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. મૂળ પૂણેના 90 વર્ષીય દોશી પહેલા ભારતીય છે જેમને આર્કિટેક્ચરના ફિલ્ડનો સૌથી શ્રેષ્ઠ આ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હોય. અગાઉ ઝાહા હદિદ, ફ્રેન્ક ગેહરી, આઇએમ પૈ અને શિગેરુ બાન જેવા મહાન આર્કિટેક્ટને આ અવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
દોશી મુંબઇની જેજે સ્કૂલ ઑફ આર્કિટેક્ચરના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા. 1950માં આર્કિટેક્ટ્સ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા ભારત પર ફરે તે પહેલાં દોશીએ પેરિસમાં લેઝેન્ડરી આર્કિટેક્ટ લી કોરબુઝીયર સાથે કામ કર્યું હતું. 1955માં તેમણે પોતાનો વાસ્તુ-શિલ્પા સ્ટૂડિયો બનાવ્યો હતો ઉપરાંત તેમણે લોઇસ કાહ્ન અને અનંત રાજે સાથે મળીને અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેન્ટના કેમ્પસની ડિઝાઇન તૈયાર કરી હતી.
બાલકૃષ્ણ દોશીને ઇન્સ્ટીટ્યૂશન બિલ્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ અમદાવાદ સ્થિત સ્કૂલ ઑફ પ્લાનિંગ અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચરના પહેલા ફાઉન્ડર ડાયરેક્ટર છે, સેન્ટર ફોર એનવાયરનમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજીના પહેલા ફાઉન્ડર ડીન, વિઝ્યુઅલ આરટ સેન્ટરના પહેલા ફાઉન્ડર મેમ્બર અને કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સના પહેલા ફાઉન્ડર ડાયરેક્ટર છે. એવોર્ડની જાહેરાત થતાં દોશીએ કહ્યું કે, ‘આર્કિટેક્ચરલ સ્પિરિટના સપના અને ફિલોસોફી એક ખજાનો તૈયાર કરવાના પ્રયત્નોમાં લાગ્યાં હોય છે, મારું કામ જ મારી જીંદગીનું વિસ્તરણ છે. આ સમ્માન માટે હું મારા ગુરુ લી કોર્બુઝિયરનો ઋણી છું. તેમની ટેક્નિકથી ઘણું બધું શીખવા મળ્યું છે.’ ઉલ્લેખનીય છે કે દોશી ફર્નિચર મેકરના પરિવારમાંથી આવે છે અને માત્ર એક જ સાક્ષાત્કારમાં તેણે સૌથી પહેલા તેમના દાદાનું ઘર બનાવ્યું હતું. જ્યાં અત્યારે તેમનું જોઇન્ટ ફેમિલી રહે છે.
પ્રિત્ઝકર જ્યૂરીએ કહ્યું કે, ‘દોશીનું સ્થાપત્ય ફન્ડામેન્ટલ જરૂરીયાતો અને માનવ જીવન વચ્ચેના સંબંધને એક્સપ્લોર કરે છે, કલ્ચર સાથે ખુદને કનેક્ટ કરે છે અને સોશિયલ ટ્રેડિશનની સમજ પૂરી પાડે છે.’ તેમણે ઉમેર્યું કે દોશીએ આર્કિટેક્ચરને શરીરના એક્સટેન્શન તરીકે વર્ણવ્યું છે અને વાતાવરણ, લેન્ડસ્કેપ, ઓવરલેપિંગ સ્પેસ તથા કુદરતી અને સુમેળ એલિમેન્ટ્સનો ઉપયોગ દ્વારા તેમણે યોગ્ય શહેરીકરણ દર્શાવ્યું છે. પુરસ્કાર મેળવવા માટે દોશી ટ્રોન્ટોનો પ્રવાસ ખેડશે અને અહ્યાં પબ્લિક લેક્ચર પણ આપશે.