- મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ મનમોહક મહેસાણા
- વિસનગરમાં સાયન્સ કાર્નિવલ-ર૦૧૮ ખુલ્લો મૂકશે
રાજ્યકક્ષાના ૬૯મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી યજમાન તરીકે મહેસાણાની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલથી બે દિવસીય ઉમંગ ઉત્સવોમાં સહભાગી બનશે.
મુખ્યમંત્રી શુક્રવારે ર૬ જાન્યુઆરીએ સવારે ૮.પ૦ કલાકે મહેસાણાના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા થનારા ધ્વજવંદન અને પરેડ માર્ચપાસ્ટ કાર્યક્રમોમાં પણ જોડાવાના છે. આ રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ દળના જવાનોની પરેડ માર્ચ પાસ્ટ, હેરત અંગેઝ વિવિધ નિદર્શનો, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ-શૉ અને અશ્વ-શૉ પણ યોજાવાના છે.
મહેસાણા નગરમાં ૬૯મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય ઉજવણી અન્વયે મશાલપીટી, જાહેર ઇમારતો પર રોશની-બાગ બગીચા-ફૂવારા સુશોભન વગેરે નયનરમ્ય સાજ શણગાર જનભાગીદારીથી સજાવવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી ૨૫ જાન્યુઆરીએ વિસનગર પહેંચશે. તેઓ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાનારા સાયન્સ કાર્નિવેલ-ર૦૧૮ને ખૂલ્લો મૂકવાના છે. પ્રજાસત્તાક પર્વની મહેસાણા જિલ્લામાં થઇ રહેલી જનભાગીદારી પૂર્ણ ઉજવણીના ભાગરૂપે આ સાયન્સ કાર્નિવેલ-ર૦૧૮ રાજ્ય સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી અને ગુજકોસ્ટના સહયોગથી યોજાયો છે. આ કાર્નિવલમાં ૧૦૦થી વધુ શાળાઓ તેમજ ઇજનેરી-વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ મળી સાત હજાર જેટલી હોનહાર છાત્રશકિત કૌશલ્યપૂર્ણ પ્રોજેકટસ, ઇનોવેટીવ આઇડીયાઝ મોડેલ પ્રસ્તુત કરશે. સાયન્સ કાર્નિવેલ સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય એકતા વિષયો પર લાઇવ વોલ પેન્ટીંગ, મેડીકલ ચેક અપ કેમ્પ અને રકતદાન શિબિર જેવા સમાજસેવા કાર્યો પણ યુવા છાત્રશક્તિ હાથ ધરવાની છે.
મુખ્યમંત્રી બપોર બાદ મહેસાણામાં રાજ્યપાલ ઓ. પી. કોહલીની ઉપસ્થિતિમાં યોજાનારા એટ-હોમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને નાગરિક અગ્રણીઓ સાથે પ્રજાસત્તાક પર્વ શુભેચ્છા આદાન-પ્રદાન કરશે.વિજયભાઇ રૂપાણી ગુરૂવારે રપ જાન્યુઆરીએ સાંજે ૭ કલાકે મહેસાણાના મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં યોજાનારા મેગા સાંસ્કૃતિક કાર્યક્રમ ‘મનમોહક મહેસાણા’માં પણ રાજ્યપાલશ્રી સાથે ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે આ અવસરે મહેસાણા જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાઓનું જાહેર સન્માન કરવામાં આવશે.