સ્વાતંત્ર પર્વ વિશેષ શ્રેણીઃ ૭૨માં સ્વાતંત્ર પર્વ નિમિતે, ચાલો જાણીએ આપણા રાષ્ટ્રીય પ્રતીકો વિશે

KhabarPatri News
By KhabarPatri News 8 Min Read

દેશમાં આગામી ૧૫ ઓગસ્ટે ૭૨માં સ્વાતંત્ર પર્વની ઉજવણી ખૂબ જ ધામધુમથી થવા જઇ રહી છે, ત્યારે ચાલે જાણીએ આપણા દેશ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે ખબરપત્રી પર વિશેષ રજૂ થઇ રહેલી આ સ્વાતંત્ર્ય પર્વ વિશેષ શ્રેણીમાં આપણે દરરોજ દેશના પ્રતિકો વિશે જાણકારી મેળવીશું. આશા છે કે આ પ્રયાસ આપ સૌને ગમશે.

આ શ્રેણીનું સંકલન અને લેખન વડોદરાના રહેવાસી જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા કરવામાં આવ્યું છે. તો ચાલો જય હિંદ સાથે આ વિશેષ શ્રેણીની શરૂઆત કરીએ.



) રાષ્ટ્રધ્વજ : ત્રિરંગા
ભારતની આઝાદી (૧૫ ઓગસ્ટ ૧૯૪૭)નાં ચોવીસ દિવસ પહેલા ૨૨ જુલાઇ ૧૯૪૭ના રોજ મળેલ ‘બંધારણ સભા’ની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો. ભારતીય ગણરાજ્યના રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજને પસંદ કરવામાં આવ્યો, જે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખાય છે.

India Flag Indian National Country Nation Freedom

૧૯૪૭માં પસંદ કરાયેલા રાષ્ટ્રધ્વજ, પિંગાલી વેંક્યા દ્વારા રચિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ધ્વજના આધારે રચાયેલો. આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે, જેમાં ઉપરનો પટ્ટો ઘેરો કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. કેન્દ્રમાં ઘેરા વાદળી રંગનુ ૨૪ આરા ધરાવતું ચક્ર અવેલું છે, કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે. આ અશોક ચક્ર સારનાથના સિંહાકૃતિ વાળા અશોક સ્થંભમાંથી લેવામાં આવેલ છે. અશોક ચક્રનો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઇનાં ૩/૪ ભાગ જેટલો હોય છે. આ ધ્વજની પહોળાઇ અને લંબાઇનું પ્રમાણ ૨:૩ નાં ગુણોત્તરમાં હોય છે. આ ધ્વજ ભારતીય સૈન્યનો યુધ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે.

અધિકૃત ધ્વજ ગુણવતા પ્રમાણે આ ધ્વજ હાથ વણાટની ખાદીનાં કાપડમાંથીજ બનાવેલો હોવો જોઇએ. આ ધ્વજનાં પ્રદર્શન અને ઉપયોગ માટે ભારતીય રાષ્ટ્રધ્વજ સંહિતા ઘડવામાં આવેલી છે, જેનું સખતપણે પાલન કરવાનું હોય છે.



) રાષ્ટ્ર ગીત : જનગણમન
જન ગણ મન ભારતનુ રાષ્ટ્રગીત છે. નોબૅલ પારિતોષિક વિજેતા રવિન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્ર ગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭, ૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કોલકોતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૪૭ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે. ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.

રાષ્ટ્રગીત : જન ગણ મન

જન ગણ મનઅધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ,
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ,
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા

જનગણ મંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે

રાષ્ટ્રગીતમાં લેવામાં નથી આવી તેવી બાકીની પંક્તિઓ:

અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી,
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની,
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા,
જનગણઐક્યવિધાયક જય હે, ભારતભાગ્યવિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

 પતનઅભ્યુદયવન્ધુરપન્થા, યુગયુગધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ,
દારુણ વિપ્લવમાઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા,
જનગણપથપરિચાયક જય હે, ભારતભાગ્યવિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

 ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે,
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે,
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જનગણદુઃખત્રાયક જય હે, ભારતભાગ્યવિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

 રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બઉદયગિરિભાલે,
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારતભાગ્યવિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||

ઉલ્લેખનીય છે કે, ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર વિશ્વની એક માત્ર એવી વ્યક્તિ છે, જેમની રચના એક કરતાં વધુ દેશનાં રાષ્ટ્ર ગીત તરીકે માન્યતા પામી છે. તેમની અન્ય એક કવિતા “આમાર શોનાર બાંગ્લા” બાંગ્લાદેશનાં રાષ્ટ્ર ગીત તરીકે ગવાય છે.



૩) રાષ્ટ્રગાન :- વંદે માતરમ
વંદે માતરમ એ ભારત દેશનું રાષ્ટ્રીય ગાન છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં “વંદે માતરમ્” એક લોકપ્રિય સૂત્ર હતું.

બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાયે વન્દે માતરમ્ ગીતની પહેલી બે ટૂંક ૧૮૭૬ માં સંસ્કૃત ભાષામાં લખી. આ બન્ને ટૂંકમાં કેવલ માતૃ-ભૂમિ ની વંદના છે. તેમણે ૧૮૮૨ માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથા લખી અને આ ગીતને તેમાં સમ્મિલિત કર્યું. આ સમયે તે નવલકથાની જરૂર સમજીને ગીતની બાકીની ટૂંકો બંગાળી ભાષામાં ઉમેરવામાં આવી હતી. આ બાકીના કાવ્યમાં દુર્ગાની સ્તુતિ છે.

ઈ.સ. ૧૮૮૨માં પ્રકાશિત થયેલ આ ગીતને સૌ પહેલાં ૭ સપ્ટેમ્બર ૧૯૦૫નાં રોજ કોંગ્રેસ અધિવેશનમાં રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પ્રથમ રાજનૈતિક પ્રસંગ જેમાં તેને ગાવામાં આવ્યું હતું તે કોંગ્રેસનું કલકત્તામાં ઈ.સ. ૧૮૯૬નું સત્ર હતું.

ઈ.સ. ૧૯૩૭માં આ ગીત ઉપર કોંગ્રેસમાં ચર્ચા થઈ અને જવાહરલાલ નેહરૂ દ્વારા અધ્યક્ષિત સમિતિએ ફક્ત આના પહેલા બે અનુચ્છેદો ને માન્યતા આપી. આ સમિતિમાં મૌલાના અબ્દુલ કલામ આઝાદ પણ હતા. પહેલા બે અનુચ્છેદોને માન્યાતા આપવાનું કારણ એ હતું કે આ બે અનુચ્છેદોમાં કોઇ પણ દેવી-દેવતાની સ્તુતિ નથી અને તે દેશનાં સમ્માનમાં માન્ય હતાં.

શ્રી અરવિન્દે આ ગીતનું અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ ખાને ઉર્દૂમાં ભાષાંતર કર્યું છે.

વંદે માતરમ્ ગીત જે મૂળ સંસ્કુતમાં લખાયું છે તેનું ગુજરાતીમાં લિપ્યાંતરણ નીચે આપેલ છે.

વંદે માતરમ્!
સુજલાં સુફલાં મલયજશીતલામ્
શસ્યશ્યામલાં માતરમ્
શુભ્રજ્યોત્સ્ના પુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિત દ્રુમદલશોભિનીમ્
સુહાસિનીં સુમધુર ભાષિણીમ્
સુખદાં વરદાં માતરમ્

 કોટિ કોટિ કણ્ઠ કલકલનિનાદ કરાલે
કોટિ કોટિ ભુજૈર્ધૃતખરકરબાલે
કે બલે મા તુમિ અબલે
બહુબલધારિણીં નમામિ તારિણીમ્
રિપુદલવારિણીં માતરમ્

 તુમિ વિદ્યા તુમિ ધર્મ, તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વ્મ્ હિ પ્રાણ શરીરે
બાહુતે તુમિ મા શક્તિ
હૃદય઼ે તુમિ મા ભક્તિ
તોમારૈ પ્રતિમા ગડ઼િ મન્દિરે મન્દિરે

ત્બં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલ બિહારિણી
બાણી બિદ્યાદાય઼િની ત્બામ્
નમામિ કમલાં અમલાં અતુલામ્
સુજલાં સુફલાં માતરમ્

શ્યામલાં સરલાં સુસ્મિતાં ભૂષિતામ્
ધરણીં ભરણીં માતરમ્



(ક્રમશઃ)



સંકલન તથા લેખનઃ
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}



 

Share This Article