આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૦૧૪ પછી પ્રથમ વખત બ્રેન્ટ ઓઇલ ૮૦ ડોલરને પાર થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલના ભાવ વધતા ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ વધવાની શક્યતા છે. આ દરમિયાન ભારતમાં ટૂંક સમયમાં પેટ્રોલના ભાવમાં ચાર રૂપિયાનો વધારો થવાની શક્યતા છે. જેના પગલે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ લિટરે ૮૦ રૂ. જેટલો થઇ જવાની પુરી શક્યતા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઇ ગયા પછી સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારથી ભાવ વધારવાના ચાલુ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીને પગલે ઓઇલ કંપનીઓએ ૧૯ દિવસ સુધી ભાવ વધાર્યા નથી. જો કંપનીઓ આ ૧૯ દિવસમાં થયેલા નુકસાનને ભરપાઇ કરવાનો નિર્ણય લેશે તો પેટ્રોલના ભાવમાં હજુ પણ ચાર રૃપિયાનો વધારો થવાની શક્યતા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાને પરત ખેચવાનો નિર્ણય લેતા આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યાં છે. આજે સવારે એક બેરલ બ્રેન્ટ ઓઇલનો ભાવ ૭૯.૭૯ ડોલર હતો જે ગઇકાલની સરખામણીમાં ૫૧ સેન્ટ વધુ હતો.
ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા અનુસાર વેનેઝુએલામાં પણ ઓઇલનું ઉત્પાદન ઓછું થતા ઓઇલના ભાવ વધી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ બપોરે ૩.૩૦ વાગ્યે ૮૦.૧૪ ડોલર થઇ ગયો હતો. બીજી તરફ યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ(ડબ્લ્યુટીઆઇ) ક્રૂડનો ભાવ પણ વધીને ૭૨.૩૦ ડોલર થઇ ગયો છે. ઇરાન પરમાણુ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાના કારણે ઇરાન ઓઇલનું ઉત્પાદન ઘટાડી શકે છે જેના કારણે ઓઇલના ભાવ વધી રહ્યાં છે.