બેંગલુરુથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર પાંચ મુસાફરોએ ચિક્કાર પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ આવ્યા બાદ એરલાઈન્સ કંપનીએ પાંચેય નાશાખોરની જાણ પોલીસને કરતા તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૈસૂરના ૭ મુસાફરોનું ગ્રૂપ બેંગલુરુથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર હતું. જેમાં કર્ણાટકના રહેવાસી મંજુનાથ ગૌડા સહિત પાંચ મુસાફરો દારૂ પીને ટલ્લી થયેલા હોવાથી ફ્લાઈટ ટેકઑફ થયાની થોડીક ક્ષણો બાદ આમ તેમ બબડવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તેમને નશો વધતા ધમાલ શરૂ કરતાં ફ્લાઈટમાં સવાર ક્રૂ મેમ્બર્સ સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. આમ ભાન ભૂલેલા મુસાફરોએ ચાલુ ફ્લાઈટમાં હોબાળો મચાવી દીધો હતો.અન્ય મુસાફરો સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું. એટલું જ નહીં ક્રૂ મેમ્બર્સ સાથે પણ અણછાજતું વર્તન કરતા તાકીદે કેપ્ટનને જાણ કરી હતી.
આમ ફ્લાઈટ અમદાવાદ પહોંચે ત્યાં સુધી તમામને સાંભળવા મુશ્કેલ બની ગયા હતા. રાત્રે કેપ્ટન દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર ને મેસેજ મળ્યો હતો અને તેઓએ નશામાં ચૂર પેસેન્જર્સ હોવાની જાણ કરી હતી. લિકર પરમિટ ન હોવાથી અમે પાંચેય મુસાફરોને પોલીસને હવાલે કર્યા હતા.