બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિ પર કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે ગુનેગારોની મુક્તિ નિયમો અનુસાર કરવામાં આવી છે. એએસજી એસવી રાજુએ કહ્યું કે દોષિત ઠેરવવાના સમયે, કોર્ટ એ પણ જાણતી હતી કે ૧૪ વર્ષ પછી માફી આપી શકાય છે. કોર્ટે એવી સજા નથી આપી કે ગુનેગારોને ૩૦ વર્ષ પછી જ છૂટ આપવામાં આવે. જ્યારે ગેંગરેપ થયો ત્યારે બિલકિસ બાનો ૨૧ વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. ત્રણ વર્ષની બાળકી સહિત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જસ્ટિસ નાગરત્ને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ૧૪ વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા બાદ તેને સુધારાની તક આપવી જોઈએ. તેમણે કહ્યું, “કાયદો એવું નથી કહેતો કે દરેકને સજા અને ફાંસી આપવામાં આવે, પરંતુ તે કહે છે કે લોકોને સુધારવાની તક આપવી જોઈએ.”
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે સજામાં મુક્તિની નીતિ માત્ર પસંદગીના લોકોને જ કેમ? બે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે અમે જાણવા માગીએ છીએ કે મુક્તિ નીતિને પસંદગીપૂર્વક કેમ લાગુ કરવામાં આવી રહી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે શા માટે માત્ર કેટલાક કેદીઓને જ સુધારાની તક આપવામાં આવી? આ તક દરેક કેદીને મળવી જોઈએ. શા માટે માત્ર થોડા કેદીઓને સુધારવાની તક આપવામાં આવી? કેદીઓ લાયક હોય ત્યારે મુક્તિની નીતિ અમલમાં છે કે કેમ તે પ્રશ્ન છે. આ સામૂહિક રીતે ન થવું જોઈએ, તે ફક્ત તે જ લોકો માટે થવું જોઈએ જે તેના માટે પાત્ર છે અથવા આ માફી તે લોકોને આપવી જોઈએ જેમણે તેમની સજાના ૧૪ વર્ષ જેલમાં વિતાવ્યા છે.
ગુજરાત સરકારે બિલ્કીસના ગુનેગારોને મુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો હતો. એએસજીએ સુપ્રીમ કોર્ટની બેંચને જણાવ્યું હતું કે, ગયા વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટના જ ર્નિણયના આધારે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે માફી અંગે ર્નિણય લેવાનો અધિકાર રાજ્ય સરકારને છે કેન્દ્રને નહીં. ગુજરાત સરકારે ૨૦૧૪માં રિમિશન પોલિસીમાં ફેરફાર કર્યો હતો.