અમદાવાદ : નવી દિલ્હી આધારીત એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મહિલા ધારાસભ્યોની દ્રષ્ટીએ ગુજરાત દેશભરમાં ૧૩માં સ્થાન ઉપર છે. જ્યારે સાંસદોની દ્રષ્ટીએ બીજા સ્થાન ઉપર છે. સંસદના સભ્યો અને વિધાનસભાના સભ્યોના આધાર ઉપર કરવામાં આવેલા સર્વેમાં આ મુજબની વાત કરવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છત્તીસગઢમાં ધારાસભ્યોની સંખ્યા મહિલાઓની ૧૪.૪ ટકા આસપાસ છે.
જ્યારે ગુજરાતમાં આ સંખ્યા ૭.૧ ટકા છે. આવી જ રીતે લોકસભામાં રહેલા સાંસદોની વાત કરવામાં આવે તો મહિલા સાંસદોની ટકાવારી ૩૦.૯ ટકાની આસપાસ છે. સંસદના ઉપરના ગૃહમાં મહિલાઓની ટકાવારી ૧૧ ટકા છે. જ્યારે નીચલા ગૃહમાં ૧૨ ટકાની આસપાસ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આ અંગેની માહિતી આપવામાં આવી હતી. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ આની ચર્ચા જોવા મળી રહી છે.