અમદાવાદ : ભારતીય સંગીત અને તેમાંય શાસ્ત્રીય સંગીતનો ઇતિહાસ, ધરોહર અને તેની પવિત્રતા આજે પણ ગૌરવવંતી અને અમર છે. વાસ્તવમાં શાસ્ત્રીય સંગીત તો આપણા બાળકોને નાનપણથી જ અભ્યાસની સાથે સાથે શીખવાડવાની જરૂર છે અને આ માટે સ્કૂલના અભ્યાસક્રમમાં જ શાસ્ત્રીય સંગીત સમાવાય તે સમયની માંગ છે. કારણ કે, શાસ્ત્રીય સંગીત અને સંગીતના શીખવાથી બાળકોના મનની એકાગ્રતા, તેના મગજનો અને વ્યકિતત્વ વિકાસ અને તેની કારકિર્દીમાં બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે એમ અત્રે જાણીતા તબલાવાદક અને ફેસ્ટીવલ ઓફ મ્યુઝિકના ઓર્ગેનાઇઝર એવા બીટ ઓફ ડ્રમના સંચાલક હિરેન ચાટે જણાવ્યું હતું.
ભારતીય સંગીત ખાસ કરીને શાસ્ત્રીય સંગીતની ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિ વારસાને અત્યારની પેઢીને વાકેફ કરવા અને તેને આગળ ધપાવવાના ઉમદા આશય સાથે અમદાવાદ શહેરમાં આંબાવાડી ખાતે શ્રેયસ ફાઉન્ડેશન ખાતે તા.૮ અને ૯ ડિસેમ્બર સમરાગા-ફેસ્ટીવલ ઓફ મ્યુઝિકનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસના આ અનોખા સંગીત મહોત્સવમાં રણજીત બારોટ, પંડિત યોગેશ સમ્સી, ઉસ્તાદ શાહીદ પરવેઝ(જાણીતા સિતારવાદક), અદિતી કૈકેની ઉપાધ્યા, જેસ્સે બેનીસ્ટર, નંદિની શંકર(જાણીતા વાયોલિનવાદક), અશ્વિન શ્રીનિવાસન(જાણીતા વાંસળીવાદક),હિરેન ચાટે(જાણીતા તબલાવાદક) સહિતના ખ્યાતનાક કલાકારો ભાગ લેશે.
શાસ્ત્રીય સંગીત અને સંગીતના રસિયાઓ તેઓને સાંભળવાનો, જાવાનો અને અનુભવવાનો અમદાવાદના આંગણે લાભ લઇ શકશે. જાણીત તબલાવાદક અને ફેસ્ટીવલ ઓફ મ્યુઝિકના ઓર્ગેનાઇઝર એવા બીટ ઓફ ડ્રમના સંચાલક હિરેન ચાટેએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે સાચા સંગીત, શાસ્ત્રીય સંગીતની ઓળખ જાણે વિસરાતી જતી હોય તેવો માહોલ સમાજમાં બની રહ્યો છે. લોકો આજે માનસિક તણાવ, વિખવાદ અને અશાંતભરી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે ત્યારે તેમને સંગીત અને તેમાંય શાસ્ત્રીય સંગીત અનોખી શાંતિ થકી આધ્યાત્મિકતા અને એકાગ્રતા પ્રદાન કરવામાં બહુ મદદરૂપ બની શકે છે.
માત્ર સંગીત શીખવાથી કે વિશારદ કરવાથી તે આવડી જતું નથી કે તેમાં પારંગત થઇ જવાતુ નથી પરંતુ સારા અને નિષ્ણાત ગુરૂ પાસેથી તેનું સાચુ જ્ઞાન અને સમજ મેળવી તેને જીવનમાં એહસાસ કરવાથી સાચા સંગીતનો અનુભવ કરી શકાય. સંગીત એક જ એવું માધ્યમ છે કે જેના થકી વ્યકિત પોતાનામાં ખોવાઇ જાય છે એટલે કે, પોતાની જાત સાથે આંતિરક તન્મયતા પ્રાપ્ત કરી શકે છે અને તેના થકી તે આધ્યાત્મિકતા સુધી પહોંચી શકે છે. ભારતીય સંગીત અને શાસ્ત્રીય સંગીતના વારસાને આગળ ધપાવવા અને સમાજમાં તેની સાચી સમજ અને જાણકારી પહોંચાડવાના ઉમદા આશય સાથે તા.૮ અને ૯ ડિસેમ્બર દરમ્યાન શ્રેયસ ફાઉન્ડેશન ખાતે આ અનોખા સમરાગા-ફેસ્ટીવલ ઓફ મ્યુઝિકનું આયોજન કરાયુ છે, જે અમદાવાદીઓ માટે બહુ મોટો લ્હાવો બની રહેશે.