છેલ્લા કેટલાય વર્ષોથી સતત બદલાતા વાતાવરણને કારણે ખેતી કરવી મુશ્કેલ થઈ પડી છે.
જેને કારણે ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે. બાગાયતી પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે ૪૦ ડિગ્રીથી વધુ ગરમી પડતા માત્ર ૨૦ ટકા કેરીનો પાક બચ્યો છે, જેને કારણે ખેડૂતો પાસેથી ભાડે રાખતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ત્યારે નવસારીના કોથમડી ગામે વાડી રાખનારા ૪૫ વર્ષીય શેખ મોહમદ રહેમાનને એક કરોડની વાડી રાખ્યા બાદ આશરે ૭૫ લાખનું નુકસાન થતા તેઓ ચિંતામાં ગરકાવ થયા હતા. જેથી એકાએક તેઓને હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી.
જ્યાં ડોક્ટરોએ તેમને બાયપાસનું ઓપરેશન કરાવીને સ્ટેન્ડ મુકાવું પડયું હતું. જળવાયુ પરિવર્તનને કારણે ઠંડી, માવઠુ અને કાળઝાળ ગરમીએ કેરીના પાકને મોટુ નુકસાન પહોંચાડ્યું છે. બદલાતા વાતાવરણને કારણે આંબાવાડીમાં કેરી નહીં રહેતા, આંબાવાડી રાખનારા વેપારીઓને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
લાખોનું દેવુ કરી, ખેડૂતોની વાડી રાખી, પણ કેરીનો પાક જ નિષ્ફળ જતા વેપારીઓની હાલત ખરાબ થઈ છે. સાથે જ ખેડૂતો એમની સ્થિતિ સમજે એવી આશા પણ સેવી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જાેવામાં આવ્યો છે. બે માવઠા, ઝાંકળ સાથે વધુ પડતી ઠંડી અને ત્યારબાદ ફેબ્રુઆરીથી સમયાંતરે ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેતા ઝાડ પર જ કેરી પાકી જવા સાથે નવી પીલણ પણ શરૂ થઈ છે.
જેના કારણે કેરી પીળી થઈ ખરી પડે છે તેમજ મધ્યાનો રોગ જાેવા મળ્યો છે. નવસારીના મછાડ ગામે રહેતા મોહંમદ ઉર્ફે રાજુ શેખે આ વર્ષે ૧૨ વાડીઓમાં અંદાજે ૨૫ હજાર મણ કેરી આવવાની આશાએ કુલ ૧ કરોડ રૂપિયાના રોકાણના અંદાજ લગાવી વાડીઓ રાખી હતી. સાથે જ ખેડૂતોને ૫૦ લાખથી વધુ રકમ વ્યાજે રૂપિયા લાવી ચુકવી પણ દીધી હતી.
પરંતુ બદલાતા વાતાવરણને કારણે ૧૨ વાડીઓમાં લગભગ ૨૫ લાખ રૂપિયાની ૪ થી ૫ હજાર મણ જ કેરી ઉતરે એવી સ્થિતિ બની છે. જેને કારણે રાજુ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને ગત મહિને હૃદયરોગનો હુમલો આવતા હોસ્પિટલમાં દાખલ કરતા સ્નેન્ટ મુકાવવા પડ્યો છે.
જાેકે, દેવું કરીને ખેડૂતોને આપેલા અને કરાર પ્રમાણે આપવાના બાકી લાખો રૂપિયા અને આંબાવાડીઓમાં કેરીના સારા પાકની આશાએ ખર્ચેલા લાખો રૂપિયા કેવી રીતે ચૂકવશે તેની ચિંતા હજી પણ રાજુને કોરી ખાય છે. નવેમ્બર-ડિસેમ્બરમાં વાડીમાં આમ્રમંજરી તેમજ ઝાડની સ્થિતિ જાેઈને કેટલા મણ કેરી ઉતરશે, એનુ અનુમાન લગાવી સ્થાનિક અને પરપ્રાંતિય વેપારીઓ વાડી રાખતા હોય છે.
ઘણીવાર મંજરી ન પણ હોય, ને વાડીનો સોદો કરી નાંખે છે. જેમાં શરૂઆતમાં ૫૦ ટકા રકમ ખેડૂતને આપ્યા બાદ, વાડીમાં આંબાની માવજત, દવાનો છંટકાવ પણ વેપારીઓ પોતાના ખર્ચે કરે છે. ત્યારબાદ કેરી ઉતારવાથી લઈ બજારમાં પહોંચાડવા સુધી મજૂરી ચૂકવે છે. જેમાંથી વેપારી અંદાજે ૧૦ થી ૧૫ ટકા આવક મેળવતો હોય છે.
પરંતુ આ વખતે બદલાતા વાતાવરણની અસરને કારણે જે વાડીઓમાં હજાર મણ કેરીની આશા હતી, ત્યાં ૨૦૦ મણ કેરી પણ ઉતરે કે કેમ..? એ સવાલ છે. નવસારી એપીએમસીના ચેરમેન પ્રકાશ પટેલે વાતાવરણમાં થતા ફેરફારો વચ્ચે આંબા ઉપર આમ્રમંજરી ન હોય તો પણ થતા સોદા ગેરવ્યાજબી ગણાવ્યા હતા.
સાથે જ લાખોનું દેવુ કરી વાડી રાખનારા વેપારીઓ બીમારીમાં સપડાયા છે અને બહાર પણ નહીં નીકળ્યા હોવાની વાત સાથે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે નુકસાનીની સ્થિતિમાં સમજદારી દાખવવામાં આવે, એવી આશા વ્યક્ત કરી છે. ગ્લોબલ વોર્મિંગની અસર બાગાયતી સહિત દરેક પાકો પર વર્તાઈ રહી છે.
ગત વર્ષોમાં કેરીના પાકને ઠંડીના કારણે અસર પહોંચી હતી, પણ આ વર્ષે ગરમીએ ખેડૂતો સહિત આંબાવાડી રાખનારા વેપારીઓને રડાવ્યા છે. ત્યારે બદલાતા વાતાવરણમાં ટેક્નોલોજીના ઉપયોગ સાથે કેવી રીતે ખેતીને બચાવી શકાય એના ઉપર કૃષિ સંશોધનો થાય એજ સમયની માંગ છે.