ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસના કિલોદીઠ ભાવમાં રૂ.૨.૧૫નો વધારો કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે. સીએનજીનો કિલોદીઠ ભાવ રૂ. ૪૭.૫૦થી વધારીને રૂ. ૪૯.૬૫ કરી દેવામાં આવ્યો છે.
આ જ રીતે રસોડામાં આપવામાં આવતા પીએનજી-પાઈપ્ડ નેચરલ ગેસના ભાવ રૂ. ૧૯.૮૫થી વધારીને રૂ.૨૦.૯૫ કરી દેવામાં આવ્યા છે. પીએનજીના ભાવમાં રૂ.૧.૧૦નો વધારો કરવામાં આવ્યો છે. અદાણી ગેસ પણ આજે મોડી રાત્રે કે આવતીકાલે તેના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા છ માસ દરમિયાન સીએનજીના ભાવમાં આવેલા છ ટકાના વધારાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે સીએનજીનો સપ્લાય આપતી કંપનીઓને પહેલી એપ્રિલ ૨૦૧૮થી છ ટકાનો ભાવ વધારો કરવાની છૂટ આપી હતી. પરંતુ તેમણે આ વધારો ૧૮મી એપ્રિલથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
વાસ્તવમાં ૧૭મી એપ્રિલની રાતના ૧૨ વાગ્યા પછી આ વધારો અમલમાં આવી જશે. ગુજરાત ગેસના સીએનજીના અંદાજે ૬ લાખ અને પીએનજીના અંદાજે ૧૨ લાખ મળીને કુલ ૧૮ લાખ ગ્રાહકો પર આ ભાવ વધારાનો બોજ આવશે. બીજી તરફ ઔદ્યોગિક વપરાશ માટેના સીએનજીના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે ગુજરાતના છ લાખ ઓટોમોબાઈલ ચાલકોએ સીએનજીના વપરાશ માટે વધારો ખર્ચ કરવો પડશે.