અમદાવાદઃ ગુજરાતમાં ૧૯ જળાશયો હાઈએલર્ટ પર છે અને ૧૦ જળાશયો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બીજી બાજુ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદમાં બ્રેકની સ્થિતિ છે. અમદાવાદમાં પણ બ્રેકની સ્થિતિ છે.
વરસાદ ખેંચાઈ જતાં લોકો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે ૦૧.૦૮.૨૦૧૮ના રોજ સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણએ રાજ્યના ૧૯ જળાશયો હાઈએલર્ટ, ૧૦ જળાશયો એલર્ટ તેમજ ૧૧ જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં નવસારી જિલ્લાનું ઝુજ અને કેલિયા, અમરેલીનું વાડિયા અને ધાતરવાડી, જામનગરનું પુના, ઉન્ડ-૩ અને કુલઝર-૧, ભાવનગરનું રોજકી, માલણ અને બાગડ, ગિર સોમનાથનું મચ્છુન્દ્રી, હિરણ-૧ અને હીરણ-૨, જૂનાગઢનું મધુવંતિ અને આંબાજલ, પોરબંદરનું અમીરપુર તાપીનું દોસવાડા રાજકોટનું મોતીસર, ભરૂચનું ઢોળી એમ કુલ ૧૯ જળાશયો હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત રાજ્યના કુલ ૧૦ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે અન્ય ૧૧ ડેમ માટે ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૨.૨૪ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૪.૬૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૧.૫૪ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૯.૫૯ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૮ જળાશયોમાં ૪૫.૩૦ એમ રાજ્યમાં કુલ-૨૦૩ જળાશયોના હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૩૬.૮૧ ટકા એટલે ૨,૦૪,૮૭૨ મીટર ધન ફૂટ છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયો પૈકી ૧૨ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૨૯ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા, ૫૩ જળાશયો ૨૫ થી ૫૦ ટકા તેમજ ૮૧ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે.
સરદાર સરોવર જળાશયમાં હાલમાં ૧,૩૩,૮૫૩ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિની ૪૦.૦૭ ટકા છે. અન્ને ઉલ્લેખનીય છે કે, હાલમાં સરદાર સરોવર ડેમમાં દૈનિક પાણીની આવક ૪૨૭૩ ક્યુસેક, ઉકાઈ ૭૦૭૪ ક્યુસેક, વણાકબોરી ૬૫૦૦ ક્યુસેક, દમણગંગામાં ૪૩૭૯ ક્યુસેક, કડાણા ૨૧૯૨ ક્યુસેક, કરજણ ૧૫૦૮ ક્યુસેક અને ઓઝત-વિઅર ૧૦૦૮ ક્યુસેક એમ કુલ-૭ જળાશયોમાં દૈનિક ૧૦૦૦થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેમ વધુમાં જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.