ધોરાજી પંથકમાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવો ઘાટ સર્જાયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ ડાઉન
રાજકોટ : રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને પડતા પર પાટા જેવો ઘાટ સર્જાયો છે.પહેલા માવઠાનો માર અને હવે શાકભાજીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.માવઠા બાદ માર્કેટમાં શાકભાજીની આવક વધતા ભાવ તળિયે બેસી ગયા છે.જેને કારણે ખેડૂતોને જીવન નિર્વાહ પૂરતા રૂપિયા પણ મળી રહ્યાં નથી.ખેડૂતોએ કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ખેડૂતો માર્કેટમાં શાકભાજી વેચવા આવે ત્યારે ભાવ ન મળતા ઘાટ કરતા ઘડામણ મોંઘા જેવી સ્થિતિ થઈ છે.હાલ ધોરાજી માર્કેટમાં વિવિધ શાકભાજીની પુષ્કર પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે.જેને કારણે મફતના ભાવે શાકભાજી વેચાઈ રહી છે.શિયાળાની સિઝનમાં શાકભાજીનું વધુ ઉત્પાદન થવાને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જેથી ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. આગામી સમયમાં શાકભાજીના હજી પણ ભાવ ઘટે તેવી શક્યતા છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો રીંગણા, ગુવાર, તુરીયા, કોથમરી, મેથી, ટમેટા, કોબીજ, મરચા, લીંબુ, વટાણા સહિતના શાકભાજીના ભાવમાં ૫૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. રીંગણા અને ટામેટા પહેલા ૫૦થી ૬૦ રૂપિયે કિલો વેચાતા હતા.જે અત્યારે ૧૫થી ૨૦ રૂપિયાના ભાવે મળી રહ્યાં છે. તો વટાણા પહેલા ૫૦થી ૬૦માં વેચાતા હતા તે હવે ઘટીને ૨૦થી ૩૦ રૂપિયા થઈ ગયા છે.જ્યારે કોબીજના ૮ રૂપિયે કિલો મળી રહી છે.પ્રતિ કિલો લીંબુના ભાવ ૮૦ રૂપિયાથી ઘટીને ૨૫થી ૩૦ થઈ ગયા છે.

Share This Article