અમદાવાદ શહેરમાં પિતાએ પુત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાસણામાંથી ધડ, ગુજરાત કોલેજ પાસેથી પગના ટુકડા સહિતનાં અંગો મળી આવ્યાં હોવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ આંબાવાડીમાં રહેતા નિવૃત્ત કલાસ-૨ અધિકારી નિલેશ જોશીના ઘર સુધી પહોંચી હતી. ઘરમાંથી લોહીના ડાઘ તેમ જ મૃતદેહના અન્ય કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જેમાં ખુદ પિતા એ જ દીકરાની હત્યા કરીને શરીરના ટુકડા કરીને ફેંક્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નિલેશ જોશીની ધરપકડ કરી છે. નિલેશ જોશી આંબાવાડી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા હતા. પુત્ર સાથે દારૂ પીવા બાબતે ઝઘડો થતાં પિતાએ પુત્રની હત્યા કરી નાખી હતી. પિતાએ હત્યા કર્યા બાદ લાશના અલગ અલગ ટુકડા કરીને પોલિથીન બેગમાં મૂકીને અલગ અલગ વિસ્તારમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ આરોપી રાજસ્થાન ભાગી ગયો હતો જ્યાંથી પોલીસે તેને પકડીને અમદાવાદ લઈ આવી છે હજી આ કેસની ખૂટતી કડીઓ શોધવા માટે આરોપીની પૂછપરછ ચાલી રહી છે આરોપી નિલેશ જોશી નિવૃત્ત સરકારી કર્મચારી છે.
વાસણા, કલગી ચાર રસ્તા પાસેથી અંગો મળી આવતાં પોલીસે બંને જગ્યાની આસપાસના રૂટના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવાનું શરૂ કર્યું હતું, જેમાં એક સ્કૂટર પર એક વૃદ્ધ પોલિથીન બેગમાં અવશેષો લઈને જતા સ્પષ્ટ દેખાયા હતા. ફૂટેજના આધારે રૂટ ક્લીયર કરી પોલીસે આંબાવાડીમાં આવેલી સુનિતા સોસાયટીના એક મકાન સુધી પહોંચી હતી. પોલીસે તપાસ કરતા તેમાં નિલેશ જોશી (એસટીના નિવૃત્ત ક્લાસ-૨ અધિકારી) રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. નિલેશ જોશીનાં પત્નીનું અવસાન થયું હતું અને ઉપરના માળે તેમના દીકરા હિતેશ સાથે રહેતા હતા. જ્યારે તે જ મકાનના નીચેના માળે તેમનાં બહેન રહેતાં હતાં. પોલીસે ઉપરના માળે તપાસ કરતા લોહીના ડાઘ તેમ જ અન્ય અવશેષો મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે નિલેશ જોશીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. જ્યારે અવશેષો અને ધડ વિશે પોલીસે પૂછતા તે તેમના દીકરા હિતેશના હોવાનું નિલેશ જોશીએ કબૂલ્યું હતું. જોકે હત્યામાં બીજું કોઈ સંડોવાયેલું હતું કે કેમ તથા શા કારણે હત્યા કરી તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધ પોલિથીન બેગમાં અવશેષો લઈ એક્ટિવા પર જતા દેખાયા હતા.
આ મકાનમાં નિલેશ જોશી તેમના પુત્ર હિતેશ અને તેમની બહેન સાથે રહેતાં હતાં. હિતેશ પરિણીત હતો કે નહીં તેમ જ તેમનાં બહેન પરિણીત હતાં કે નહીં તેમ જ નિલેશ જોશીનાં પત્નીનું ક્યારે અવસાન થયું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસને જાણવા મળ્યું હતું કે, આ પરિવારના સભ્યો માનસિક અસ્વસ્થ હતા, જેના કારણે હત્યા થયાનું જાણવા મળ્યું છે.