સમગ્ર ગુજરાતમાં હૂક્કા પર પ્રતિબંધ છે. આ અંગે સ્થાનિક પોલીસને ખબર ના હોય તેવું માનવામાં નથી આવતું. આ ઉપરાંત વિજિલન્સની રેડ બાદ સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈનો જવાબ પણ ખૂબ આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે હું અહીંયા દોઢ મહિનાથી આવ્યો છું. મારી આગળના અધિકારીઓએ રેડ કરી છે. જ્યારે વિજિલન્સના અધિકારીઓ કહ્યું કે આ હુક્કાબાર છેલ્લા ચાર-પાંચ મહિનાથી ચાલી રહ્યો છે.
અમદાવાદમાં તાજ હોટલની બાજુમાં સેક્રેટ નાઇન હૂક્કા બાર આવેલો છે. આ હૂક્કા બારમાં અનેક લોકો હૂકો પીવા આવતા હોય તેવી જાણ અલગ અલગ એજન્સીઓને હતી પણ કોઈ કારણસર અહીંયા રેડ થતી ન હતી પણ આ વખતે વિજિલન્સના અધિકારી નિર્લિપ્ત રાયની સુચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલે સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા બેફામ હુક્કાબાર પર રેડ કરી છે. વિજિલન્સ પાસેથી મળતી માહિતી પ્રમાણે આ હુક્કાબાર છેલ્લા ચાર પાંચ મહિનાથી ચાલી રહ્યો હતો. આ હુક્કાબારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટિરિંગ સેલે રેડ કરીને હુક્કા પાર્ટીની પોલ ખોલી નાખી છે.પોલીસે જ્યારે રેડ કરી ત્યારે સેક્રેટ નાઇન હુક્કાબારમાં ૬૦ યુવકો અને આઠ યુવતીઓ હૂક્કાની મજા માણી રહી હતી. આ સમયે ૨૯ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા. જેના પર હુક્કા ચાલુ હતા.
આ હુક્કાબાર મહેન્દ્ર પટેલની જગ્યા પર ધ્રુવ ઠાકર, આશિષ પટેલ અને કરણ પટેલ ચલાવી રહ્યા હતા. પોલીસને આ જગ્યાએથી એક વાઇનની બોટલ પણ મળી આવી છે. જે અંગે પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. રવિવારે અનેક નબીરાઓ અહીંયા મોજ મસ્તી કરવા આવતા હોય છે ત્યારે સ્થાનિક પોલીસ આમાં નજર રાખવાની તસ્દી પણ લેતી નથી. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ વિષ્ણુ દેસાઈએ જણાવ્યું હતું કે હું અહીંયા દોઢ મહિનાથી આવ્યો છું મારી આગળના અધિકારીએ મારી પહેલા રેડ કરી છે.અમદાવાદ શહેરમાં પોશ વિસ્તાર ગણાતો સિંધુભવન રોડ ઘણા સમયથી નશા માટે બદનામ થયો છે. આ રોડ પર યુવક અને યુવતીઓને ડ્રગ્સ અને નશીલા પદાર્થો સપ્લાય કરવામાં આવતાં હોવાનું વારંવાર સામે આવે છે. ત્યારે હવે આ રોડ પર હૂક્કાબાર પર મોજ માણતા યુવક અને યુવતીઓ ઝડપાયાં છે. આ વિસ્તારમાં તાજ હોટલની બાજુમાં સેક્રેટ નાઇન હુક્કાબાર પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર રેડ કરવામાં આવી હતી. જેમાં વિજિલન્સની ટીમે ૬૦ યુવક અને આઠ યુવતીઓને હૂક્કાની મોજ માણતા ઝડપી લીધા છે.