મુંબઇઃ આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. એમપીસીની બેઠક ગઇકાલે પણ જારી રહી હતી. આજે પહેલી ઓગસ્ટના દિવસે પરિણામ જાહેર કરવામાં આવનાર છે. વ્યાજદરમાં કોઇપણ વધારો થશે કે કેમ તેને લઇને ચર્ચા ચાલી રહી છે.
મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવનાર છે. રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં રિઝર્વ બેંકની છ સભ્યોની નાણાંકીય પોલિસી કમિટિની મિટિંગ જૂનમાં મળી હતી જેમાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો અને રેટને ૬.૨૫ ટકા કરી દેવામાં આવ્યો હતો. ચાર વર્ષથી પણ વધુ ગાળામાં પ્રથમ વખત રેટમાં કરાયો હતો. રિટેલ ફુગાવો જૂન મહિનામાં પાંચ ટકા સુધી પહોંચ્યો હતો જ્યારે મે મહિનામાં રિટેલ ફુગાવો ૪.૮૭ ટકા હતો.
રિટેલ ફુગાવો વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિના માટે ૪.૮ ટકા-૪.૯ ટકાના આરબીઆઈના અંદાજથી વધી ગયો હતો. ગયા મહિને ઉંચો ફુગાવો ક્રૂડની વધતી કિંમતોના કારણે આવ્યો હતો. આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ બેંકિંગ સમુદાયના લોકો તેમની પ્રતિક્રિયા આપશે. વ્યાજદરો વધશે કે કેમ તેના ઉપર નજર છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ હજુ પણ માની રહ્યા છે કે, હાલમાં વ્યાજદર યથાવત રાખવામાં આવશે. આરબીઆઈના પરિણામ પહેલા આરઆઈએલમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો તેમાં અવિરત તેજી જારી રહી છે.