અમદાવાદ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં તમામ ક્ષેત્રોને આવરી લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજયનું નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે પૂર્ણ કદનું બહુ મહ્ત્વનું અને નોંધનીય બજેટ રજૂ કર્યું હતું.
નીતિન પટેલે આ ૭મી વખત બજેટ રજૂ કર્યું હતું. જેમાં ફરી એકવાર શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રોજગારી અને પીવાના પાણીના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. ગુજરાતની સ્થાપના બાદ સૌપ્રથમવાર બજેટનું કદ રૂ. ૨ લાખ કરોડને પાર થયું હતું. નાણાંમંત્રીએ રૂ. ૨,૦૪,૮૧૫ કરોડનુ બજેટ રજૂ કરવાની સાથે ગૃહમાં કેટલીક મહત્વની અને લોભામણી જાહેરાતો પણ કરી હતી. તો, ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂ.૬૦૦૦ની સહાય મુદ્દે પીએમ મોદીનો આભાર માન્યો હતો. તો, આગામી ૨૦૨૨ના વર્ષ સુધીમાં રાજયના તમામ લોકોને ઘેર-ઘેર પાણી મળશે તેવી મહત્વની જાહેરાત પણ કરાઇ હતી. તો, સોગંદનામા અને નોટરીના લખાણના લેખો માટે સ્ટેમ્પ ડ્યુટીમાં અઢી ગણો વધારો કરી રૂ. ૨૦ના ૫૦ કરાયા હતા, તે અંગે પણ ધ્યાન દોરાયુ હતુ, જે મોટુ ભારણ કહી શકાય. કારણ કે, તેના કારણે કોર્ટ કાગળો અને દસ્તાવેજા મોંઘા બનશે.
નાણાં મંત્રી દ્વારા બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.૧૦,૮૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્માન ભારત જન આરોગ્ય યોજનાના ૪.૯૦ લાખ નાગરિકોને રૂ.૮૧૮ કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ યોજના માટે આ વર્ષે રૂ.૪૫૦ કરોડની જોગવાઈ કરી છે. જ્યારે શહેરી વિસ્તારના આરોગ્ય તંત્રને સુદ્રઢ કરવા રૂ.૧૧૦ કરોડ, માં અને માં વાત્સલ્ય યોજના માટે સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો માટે રૂ.૧૦૦૦ કરોડ, સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે દવાઓ માટે રૂ.૫૦૦ કરોડ, સિઝનલ રોગ નિયંત્રણ માટે રૂ.૩૧૩ કરોડ, બાલ સખા રાજ્ય વ્યાપી યોજના માટે રૂ.૮૫ કરોડ, પી.એચ.સી, સી.એચ.સીના બાંધકામ માટે રૂ.૧૨૯ કરોડની ફાળવણી કરાઇ છે. રાજયમાં તબીબી શિક્ષણ માટે એમબીબીએસની ૪૮૦૦, ડેન્ટલની ૧૨૪૦, પીજી ડિપ્લોમા સુપર સ્પેશિયાલિટી માટે ૧૯૪૪ બેઠકો ઉપલબ્ધ છે, ત્યારે એમબીબીએસની નવી ૭૫૦ બેઠકો માટે રૂ.૮૦ કરોડની જાગવાઇની જાહેરાત કરાઇ હતી.
રાજકોટ એઇમ્સ માટે ૨૦૦ એકર જમીન ફાળવણી કરાઇ છે તો, આંતર માળખાકીય સવલતો માટે રૂ.૧૦ કરોડ, નવી ૭૫૦ એમબીબીએસ બેઠકો માટે ૮૦ કરોડ, સુરત, ભાવનગર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે રૂ.૧૬૦ કરોડ, હોસ્પિટલોમાં ઓ.પી.ડી બિલ્ડીંગ અને ન‹સગ બિલ્ડીંગ માટે રૂ.૧૧૬ કરોડ, ૧૦૮ની નવી ૧૦૦ એમ્બ્યુલન્સ માટે રૂ.૧૮ કરોડ, ૩૧૦ સરકારી આયુર્વેદ દવાખાનાને હેલ્થ વેલનેસ સેન્ટરમા રૂપાંતરિત કરવા રૂ.૪૮ કરોડ અને જામનગર મેટરનિટી ચાઇલ્ડ બ્લોક માટે ૨૫ કરોડની ફાળવણી કરી કરાઇ છે. રાજ્ય સરકારે શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે રૂ.૩૦,૦૪૫ કરોડની ફાળવણી કરાઇ છે તેમજ નવા ૫ હજાર વર્ગખંડો માટે રૂ.૪૫૪ કરોડ દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે રૂ.૧૦૧૫ કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, બૂટ, સ્કૂલ બેગ માટે રૂ.૩૪૧ કરોડ, વર્ચ્યુઅલ ક્લાસ રૂમ માટે રૂ.૧૦૩ કરોડ, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે રૂ.૩૭૦ કરોડ, સરકારી કોલેજ, યુનિવર્સિટી ભવન માટે રૂ.૨૦૬ કરોડ અને કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ આપવા માટે રૂ.૨૫૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ ૨૬ સીટો જીતી લીધા બાદ પ્રથમવાર બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટમાં નાણામંત્રી સામે તમામ વર્ગને ખુશ કરવાના પડકારો પણ હતા. તમામ પડકારોને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે. નીતિન પટેલે રેકોર્ડ સાતમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું જેમાં ૨૦૨૨ સુધી તમામ ઘરોમાં પીવાનું પાણી પણ પહોંચાડવાનું આયોજન છે.