નવીદિલ્હી : આઈઆઈપીના આંકડાઓને લઇને સરકારી અને કોર્પોરેટ જગતમાં ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે. શેરબજાર બાદ આજે સીપીઆઈ ફુગાવાના આંકડા ઓક્ટોબર મહિના માટેના જારી કરવામાં આવ્યા હતા. એકબાજુ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો સપ્ટેમ્બર મહિનામાં આંશિકરીતે વધીને ૪.૫ ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના શાનદાર દેખાવના લીધે આંકડામાં સુધારો થયો છે. બીજી બાજુ સીપીઆઈ આધારિત ફુગાવાનો આંકડો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે. સપ્ટેમ્બરના મહિનામાં આ આંકડો ૩.૭૭ ટકા હતો.
પ્રાયમરી ગુડ્ઝ ગ્રોથનો આંકડો માસિક આધાર પર ૨.૬ ટકાના દરે યથાત રહ્યો છે. સીપીઆઈ આધારિત ફુગાવો ઓક્ટોબર મહિનામાં ૩.૩૧ ટકા રહ્યો છે જે સપ્ટેમ્બર મહિનામાં આનાથી વધારે હતો. સપ્ટેમ્બર મહિનામાં રિટેલ ફુગાવો વધીને ૩.૭૭ ટકા રહ્યો હતો જે ઓગસ્ટ મહિનામાં ૩.૬૯ ટકા હતો જે ૧૦ મહિનાની નીચી સપાટી હતી. બીજી બાજુ બુધવારના દિવસે ઓક્ટોબર હમિના માટેના હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ (ડબલ્યુપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવાનો આંકડો વધીને ૫.૧૩ ટકા થયો હતો જે ઓગસ્ટ મહિનામાં ૪.૫૩ ટકાની નીચી સપાટીએ હતો. વધુમાં ગુરુવારના દિવસે ભારતના વેપાર બેલેન્સ આંકડા પણ જારી કરવામાં આવનાર છે. સપ્ટેમ્બર ટ્રેડ ડેફિસિટનો આંકડો ૧૩.૯૦ અબજ ડોલર રહ્યો હતો.